તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
ઑનલાઇન ખરીદેલો કરિયાણાનો સામાન કે દવાઓ ઍક્સપાયર્ડ નીકળે તો તમે શું કરી શકો?
- લેેખક, શુભ રાણા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
ઑનલાઇન કરિયાણું ખરીદતી વખતે મોટા ભાગના લોકો એ જુએ છે કે તેમનો ઑર્ડર કેટલા ઓછા ટાઇમમાં પહોંચશે. પરંતુ સામાન મળ્યા પછી કેટલા લોકો પૅકેટ પર લખેલી ઍક્સપાયરી ડેટ જુએ છે?
તાજેતરમાં ક્વિક-કૉમર્સ પ્લૅટફૉર્મ સાથે સંકળાયેલા એક મામલામાં આ સવાલ તરફ ધ્યાન ગયું છે.
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (એફએસએસએઆઈ)એ એક ફરિયાદ મળ્યા પછી એક કંપનીનો નોટિસ આપી છે. ફરિયાદમાં આરોપ લગાવાયો હતો કે ગ્રાહકને બેસનનાં એવાં પૅકેટ મળ્યાં, જેને ઉપયોગ કરવાની તારીખ વીતી ગઈ હતી.
એફએસએસએઆઈ મુજબ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે બેસનનાં બે પૅકેટ પર 'યૂઝ બાય 12-09-2026' લખ્યું હતું. ત્યાર પછી એફએસએસએઆઈએ કંપની પાસે જવાબ માગ્યો અને મામલાની તપાસ કરવા કહ્યું.
આ અંગે તપાસ હજુ ચાલુ છે, પરંતુ આ ફરિયાદે અનેક નવા સવાલ પેદા કર્યા છે.
ઑનલાઇન મગાવવામાં આવેલો કોઈ ખાદ્ય પદાર્થ ઍક્સપાયર્ડ નીકળે તો ગ્રાહક શું કરી શકે છે? શું તે માત્ર રિફંડ માગી શકે કે પછી વળતર પણ માગી શકે છે? ખાદ્ય પદાર્થની જેમ કોઈ ઍક્સપાયર્ડ દવા પહોંચી જાય તો શું તેના નિયમો અલગ હશે? આવા મામલામાં કાયદો શું કહે છે?
અમે ગ્રાહક અધિકારો અને ખાદ્યસુરક્ષાના નિષ્ણાતો સાથે વાત કરીને સમજવાનો પ્રયાસ કર્યો કે આવા કેસમાં ગ્રાહક પાસે કેવા વિકલ્પો હોય છે અને કંપનીઓની શું જવાબદારી હોય છે.
ઑનલાઇન ઍક્સપાયર્ડ માલસામાન મળે તો ગ્રાહક શું કરી શકે?
સુપ્રીમ કોર્ટના વકીલ અને ગ્રાહક કાયદાના નિષ્ણાત સત્યમ સિંહ રાજપૂત મુજબ "કોઈ ગ્રાહકને ઑનલાઇન પ્લૅટફૉર્મ પરથી ઍક્સપાયર્ડ ખાદ્યપદાર્થ મળે, તો તે કંપની અને વિક્રેતા સામે ફરિયાદ કરી શકે છે. આવા મામલામાં ગ્રાહક સુરક્ષા ધારો, 2019 અને ખાદ્યસુરક્ષા અને માનક ધારો, 2006 હેઠળ કાર્યવાહી થઈ શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે "ગ્રાહકે પૅકેટ, ઍક્સપાયરી ડેટ, બિલ અને ઑર્ડરને લગતી બધી માહિતી સાચવી રાખવી જોઈએ."
સૌથી પહેલાં કંપનીના કસ્ટમર કેરમાં ફરિયાદ કરો. જો સમસ્યાનું સમાધાન ન થાય તો રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇનના નંબર 1915 અથવા એફએસએસએઆઈના ફૂડ સેફ્ટી કનેક્ટ પોર્ટલ પર ફરિયાદ કરી શકાય છે.
ગ્રાહક પંચમાં પણ જઈ શકાય છે અને કેસના આધારે ગ્રાહક પંચ રિફંડ આપવા, વળતર આપવા અને કેસનો ખર્ચ ચુકવવાનો આદેશ આપી શકે છે.
જો તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સાબિત થાય, તો કંપની અથવા વિક્રેતાને દંડ કરી શકાય છે.
કેટલાક મામલામાં તેમનું લાઇસન્સ રદ પણ થઈ શકે છે. ખાદ્યપદાર્થ અસુરક્ષિત હોવાનું જાણવા મળે તો કાયદા હેઠળ જેલ અને દંડની કાર્યવાહી થઈ શકે છે. જોકે, નિયમોનું ઉલ્લંઘન કેવા પ્રકારનું છે તેના પર ઘણો આધાર રહેશે.
ઍક્સપાયર્ડ ખોરાક આરોગ્ય માટે કેટલો જોખમી?
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના ઉપાધ્યક્ષ (રિસર્ચ અને હેલ્થ પ્રમોશન) પ્રોફેસર મોનિકા અરોરા મુજબ ઍક્સપાયર્ડ ખોરાકનું જોખમ એ વાત પર નિર્ભર છે કે તે કેવા પ્રકારનું છે અને કેવી રીતે રાખવામાં આવ્યું છે.
બેસન, લોટ, અનાજ અને મસાલા જેવી સૂકી ચીજોમાં ભેજના કારણે ફૂગ લાગી શકે છે. તેથી તે ઝેરી બની શકે છે, જે લીવરને નુકસાન કરી શકે અને લાંબા ગાળે લીવરના કૅન્સરનું કારણ બની શકે છે.
તેવી જ રીતે દૂષિત ખોરાક ખાવાથી ઝાડા, ઊલટી, પેટમાં દુખાવો સહિતની તકલીફો થઈ શકે છે.
પ્રોફેસર અરોરા કહે છે કે ખોરાકનાં પૅકેટ પર લખેલી તારીખનો અર્થ સમજવો જરૂરી છે. જેમ કે 'બેસ્ટ બિફોર' તારીખ સામાન્ય રીતે ખોરાકની ગુણવત્તા જણાવે છે. જ્યારે 'યૂઝ બાય' અથવા 'ઍક્સપાયરી ડેટ' વીત્યા પછી તે ઉત્પાદન ખાવા માટે સુરક્ષિત નથી હોતું.
અરોરા કહે છે કે ઑનલાઇન ખરીદીમાં ગ્રાહક સામાનને હાથમાં લઇને ચકાસણી કરી શકતા નથી. તેથી પૅકેટ પર લખેલી તારીખ અને બીજા જાણકારી સ્પષ્ટ હોવી જરૂરી છે. જો પૅકેટ પર તારીખ વાંચવામાં મુશ્કેલી પડે અથવા સામાનની સુરક્ષા અંગે શંકા હોય, તો તેને ખાવાનું ટાળો.
ઍક્સપાયર્ડ સામાન માટે કોણ જવાબદાર હોય છે?
સત્યમસિંહ રાજપૂત મુજબ ઍક્સપાયર્ડ સામાન વેચવામાં વેચાણકર્તા, તેને બનાવતી કંપની અને ઑનલાઇન પ્લૅટફૉર્મ જવાબદાર હોય છે. જો વિક્રેતા ઍક્સપાયર્ડ સામાન વેચે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. તેવી જ રીતે ઑનલાઇન પ્લૅટફૉર્મની સર્વિસમાં ખામી જોવા મળે, તો તેને પણ જવાબદાર ઠરાવી શકાય છે.
તેમનું કહેવું છે કે પ્લૅટફૉર્મ માત્ર એવું કહીને પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે કે સામાન કોઈ બીજા વિક્રેતાઓ વેચ્યો હતો. જોકે, કોની કેટલી જવાબદારી બને છે તેનો આધાર જે તે કેસની હકીકત અને કાયદા પર રહેલો છે.
એફએસએસએઆઈની 2024ની ઍડ્વાઇઝરી પ્રમાણે ઑનલાઇન પ્લૅટફૉર્મે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ડિલિવરીના સમયે ખાદ્યપદાર્થની ઍક્સપાયરીમાં ઓછામાં ઓછા 30 ટકા શેલ્ફ લાઇફ અથવા 45 દિવસ બાકી હોય.
ઍડ્વાઇઝરીમાં એવું પણ જણાવાયું છે કે પ્લૅટફૉર્મ પર સામાન વેચનારે કાયદેસરનું એફએસએસએઆઈ લાઇસન્સ પણ દેખાડવું જોઈએ અને પ્રોડક્ટ વિશે ઑનલાઇન અપાયેલી માહિતી પૅકેટ પરના વર્ણન સાથે મેળ ખાવી જોઈએ.
ભારતમાં અગાઉ પણ એવા મામલા આવ્યા છે જેમાં ગ્રાહક પંચોએ ઑનલાઇન પ્લૅટફૉર્મ અથવા વિક્રેતાઓને ગ્રાહકને રિફંડ ચુકવવા અથવા વળતર આપવાનો આદેશ આપ્યો હોય. આવા કેસમાં ગ્રાહકને પડેલી અગવડ અને કાનૂની ખર્ચ માટે પણ રાહત અપાઈ છે.
જોકે, ફરિયાદમાં શું છે અને તેના સમર્થનમાં કેવા પુરાવા છે તે વાત પર કાર્યવાહીનો આધાર રહે છે.
ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે જૂન 2026માં હૈદરાબાદના જિલ્લા ગ્રાહક પંચે ઍક્સપાયર્ડ ચિકન ડિલિવર કરવાના કેસમાં સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને કેવેન્ટર એગ્રો લિમિટેડને ગ્રાહકને 20,000 રૂપિયા ચુકવવા આદેશ આપ્યો હતો. તેમાંથી 10 હજાર રૂપિયા વળતર તરીકે અને 10 હજાર રૂપિયા કેસના કાનૂની ખર્ચ પેટે હતા.
લાઇવ લૉના અહેવાલ પ્રમામે જુલાઈ 2026માં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લા ગ્રાહક પંચે ઍક્સપાયર્ડ નૂડલ્સ વેચવાના મામલે રિલાયન્સ સ્માર્ટ પૉઇન્ટને ગ્રાહકને 15 હજાર રૂપિયાનું વળતર અને 5000 રૂપિયા કાનૂની ખર્ચ પેટે ચુકવવા આદેશ આપ્યો હતો.
આ ઉપરાંત મુખ્ય મંત્રી રાહતકોષમાં 2.50 લાખ રૂપિયા જમા કરવા પણ આદેશ અપાયો હતો. ફરિયાદીનું કહેવું હતું કે નૂડલ્સ ખાધા પછી ગ્રાહકનું બાળક બીમાર પડ્યું હતું.
ઑનલાઇન ખરીદેલી દવા ઍક્સપાયર્ડ નીકળે તો શું કરવું?
ખાવાપીવાનો કોઈ સામાન ઍક્સપાયર્ડ નીકળે તો તે ચોક્કસ ચિંતાની વાત છે. પરંતુ ઑનલાઇન ખરીદાયેલી દવા પણ ઍક્સપાયર્ડ હોય તો મામલો વધુ ગંભીર બની જાય છે. આવા કેસમાં ગ્રાહક પાસે કેવા કાનૂની વિકલ્પો રહે છે?
ઍડ્વોકેટ સત્યમ સિંહ રાજપૂત મુજબ દવાઓના વેચાણ અને જાળવણી માટેના નિયમો ખાદ્યપદાર્થોના નિયમ કરતા અલગ અને વધુ સખત છે.
આવા કેસમાં ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ, 1940 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
તેમનું કહેવું છે કે ગ્રાહક સૌથી પહેલાં સંબંધિત ઇ-ફાર્મસી અથવા ઑનલાઇન પ્લૅટફૉર્મ પર ફરિયાદ કરી શકે છે. સમસ્યાનો ઉકેલ ન આવે તો રાજ્યના ડ્રગ્સ કન્ટ્રોલ અથવા ડ્રગ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી શકે છે.
ગ્રાહક નૅશનલ કસ્ટમર હેલ્પલાઇનના નંબર 1915 પર પણ ફરિયાદ કરી શકે અને ગ્રાહક પંચમાં પણ જઈ શકે છે.
જો ઍક્સપાયર્ડ દવાઓ લેવાથી તબિયત લથડે તો કેસની હકીકતોના આધારે વળતર માગી શકાય છે.
જોકે, આવી સ્થિતિમાં સૌથી પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
દવાનું પૅકેટ, બિલ અને ઑર્ડર સાથે સંકળાયેલી માહિતી પણ સાચવી રાખવી જોઈએ, જેથી ફરિયાદ કરતી વખતે પુરાવા તરીકે તેનો ઉપયોગ કરી શકાય.
ગંભીર કેસમાં ઍક્સપાયર્ડ દવાના વેચાણમાં કાયદાનો ભંગ સાબિત થાય, તો સંબંધિત વિક્રેતા અથવા જવાબદાર લોકો વિરુદ્ધ સ્થાનિક પોલીસમાં એફઆઈઆર પણ નોંધાવીશકાય છે. જોકે, કેસની વિગતો અને કાનૂની જોગવાઈઓના આધારે કાર્યવાહી નક્કી થશે.
કંપનીઓ ઍક્સપાયર્ડ સામાનનું શું કરે છે?
કોઈ પ્રોડક્ટની એક્સપાયરી ડેટ વીતી ગયા પછી તે સામાનનું શું થાય છે? શું તેને નષ્ટ કરવામાં આવે છે કે પછી બીજી જગ્યાએ વેચવાનો પ્રયાસ થાય છે?
સત્યમ કહે છે કે કંપનીઓ સામાન્ય રીતે એક્સપાયર્ડ સામાનને દુકાનો અને ગોડાઉનમાંથી પરત મંગાવે છે. તેને નિર્ધારિત પ્રક્રિયા હેઠળ નષ્ટ કરવામાં આવે છે અથવા સુરક્ષિત રીતે તેનો નિકાલ કરાય છે.
કંપનીઓ આવા સામાનનો હિસાબ પણ રાખે છે અને ઘણી વખત ઉત્પાદકો અથવા વિતરકો પોતાના રૂપિયા પરત લેવા માટે ક્લેમ પણ કરે છે.
પરંતુ જ્યારે કેટલાક વિક્રેતાઓ ખોટી રીતે એક્સપાયર્ડ સામાન ફરીથી વેચવા કોશિશ કરે ત્યારે ચિંતા વધી જાય છે. તેના માટે પેકેટ પર લખેલી જૂની તારીખ ઉપર નવું લેબલ ચોંટાડવામાં આવે છે અથવા તારીખ બદલીને સામાન નવો હોય તેવું દેખાડવામાં આવે છે. આ રીતે ગ્રાહકોને ખબર પણ નથી પડતી કે તેઓ જે સામાન ખરીદે છે તેની એક્સપાયરી તારીખ પહેલેથી વીતી ગઈ છે.
સત્યમસિંહ મુજબ આવું કરવું એ કાયદાનું ઉલ્લંઘન છે. જો તપાસમાં તારીખ બદલવાની અથવા ખોટી માહિતી આપીને વેચવાની પુષ્ટિ થાય, તો સંબંધિત વિક્રેતા અથવા કંપની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.
ખાદ્ય પદાર્થો પર ખોટા લેબલ લગાડવા અથવા ભ્રામક જાણકારી આપવાથી ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ત્રણ લાખથી 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
આવા કેસમાં ગ્રાહક એફએસએસએઆઈ અથવા ખાદ્ય સુરક્ષા વિભાગમાં ફરિયાદ કરી શકે અથવા ગ્રાહક પંચમાં જઈ શકે છે.
આવામાં સવાલ માત્ર એ નથી કે એક્સપાયર્ડ સામાન ગ્રાહક સુધી કેવી રીતે પહોંચ્યો, પરંતુ એ પણ છે કે તેને વેચાણમાંથી હટાવવા અને ફરીથી બજારમાં પ્રવેશતા રોકવાની વ્યવસ્થા કેટલી મજબૂત છે.
ગ્રાહકો ક્યાં ભૂલ કરે છે?
પ્રોફેસર મોનિકા અરોરા મુજબ ખાદ્ય પદાર્થોની સુરક્ષા મામલામાં એક મોટો પડકાર એ છે કે લોકો પેકેટ પર લખેલી માહિતીને વ્યવસ્થિત રીતે સમજી શકતા નથી. ઘણા લોકો 'બેસ્ટ બિફોર' અને 'યુઝ-બાય' અથવા 'એક્સપાયરી' ડેટને એક સરખી જ સમજે છે. 'બેસ્ટ બિફોર' એ મુખ્યત્વે ખાવાની ગુણવત્તા દર્શાવે છે, જ્યારે 'યુઝ બાય' અથવા 'એક્સપાયરી' તારીખ પછી તે ખોરાકને સુરક્ષિત ગણી શકાય નહીં.
પ્રોફેસર અરોરા કહે છે કે "લોકો ખોરાકની સુરક્ષાનો અંદાજ તેની ગંધ, સ્વાદ અથવા રંગ જોઈને લગાવે છે. પરંતુ ઘણી વખત ખોરાકમાં રહેલા હાનિકારક તત્વોની જાણકારી આ રીતે નથી મળતી. તેવી જ રીતે ખોરાક ગરમ કરવાથી કે ફૂગવાળા ભાગને દૂર કરવાથી પણ તે સુરક્ષિત નથી થઈ જતો."
તેમની સલાહ છે કે "ખાવાની ચીજ ખરીદતી વખતે અથવા ઉપયોગ કરતી વખતે પેકેટનું સીલ, તેના પર લખેલી તારીખ અને તેને જાળવવાના નિર્દેશ જોવા જરૂરી છે. જો પેકેટ ફૂલાયેલું હોય અથવા તેમાંથી લીકેજ થતું હોય તો તેની અવગણના ન કરો. ઑનલાઇન ગ્રોસરી મગાવતી વખતે આ વધુ મહત્ત્વનું બની જાય છે કારણ કે ગ્રાહક સામાન ઑર્ડર કરતા પહેલાં તેને હાથમાં લઈને ચકાસી શકતા નથી."
તેઓ એમ પણ કહે છે કે લોકોને જાણ હોવી જોઈએ કે જો કોઈ સામાન એક્સપાયર્ડ મળે અથવા લેબલ પર ખોટી માહિતી હોય, તો તેની ફરિયાદ ક્યાં કરી શકાય.
જાગૃતિના અભાવના કારણે ઘણી વખત લોકો આવી ચીજોની ઉપેક્ષા કરે છે અને અસુરક્ષિત સામાન વાપરે છે.
ખાસ કરીને એવા ઘરમાં જ્યાં કરિયાણાનો સામાન એક વ્યક્તિ ઑનલાઇન મગાવતી હોય, અને ખાવાનું બીજી વ્યક્તિ બનાવતી હોય, ત્યાં પેકેટની તારીખ અને બીજી માહિતી પર ધ્યાન ન અપાય તેવું જોખમ રહે છે. તેથી ખાદ્યસુરક્ષાની માહિતી માત્ર સામાન ખરીદનાર પૂરતી ન હોવી જોઈએ, ભોજન બનાવનાર અને તેનો ઉપયોગ કરનાર વ્યક્તિને પણ તેની માહિતી હોવી જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન