નેપાળની પૂરમાં અત્યાર સુધી લગભગ 12 હજાર લોકોને બચાવાયા, જ્યારે 4,000થી વધુ લોકો હજુ પણ લાપતા

Nepal, Tibet Floods, નેપાળ, તિબેટ પૂર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, નેપાળમાં પૂર દરમિયાન લાપતા લોકો વિશેની માહિતી દર્શાવતા નોટિસ બોર્ડને લોકો તપાસી રહ્યા છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

નેપાળની સરકારી એજન્સીઓના જણાવ્યા મુજબ, ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલી વિનાશક પૂરને આઠ દિવસ વીતી ગયા હોવા છતાં બુધવાર સાંજ સુધીમાં 11,993 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

જો કે, બુધવાર સાંજ સુધીના આંકડા મુજબ 4,216 લોકો સાથે હજુ પણ સંપર્ક થઈ શક્યો નથી.

નેપાળમાં આવેલી પૂરની આપત્તિમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા હવે 1,200ને પાર પહોંચી ગઈ છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે લાપતા લોકોની શોધને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

નૅશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમેન્ટ ઑથોરિટીની પ્રવક્તા શાંતિ મહતે નેપાળની સરકારી સમાચાર એજન્સી RSSને જણાવ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં નેપાળ સેના, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના કુલ 21,314 સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

શોધ અને બચાવ અભિયાનમાં નેપાળ પોલીસના 7,912, સશસ્ત્ર પોલીસ દળના 4,203 અને નેપાળ સેનાના 9,199 સુરક્ષાકર્મીઓ સામેલ છે.

સુરક્ષાકર્મીઓ નદીઓના કિનારાઓ, પૂરથી પ્રભાવિત વસાહતો, રસ્તાઓ અને ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં શોધ અભિયાન ચલાવી રહ્યા છે.

રાષ્ટ્રીય આપત્તિ એજન્સી (NEA)ના જણાવ્યા મુજબ, પૂર બાદ નેપાળ સેનાના 45, નેપાળ પોલીસના 25 અને સશસ્ત્ર પોલીસ દળના 13 સભ્યો પણ લાપતા છે.

સાઉદી અરેબિયાનો દાવો: ઈરાને તેના ઑઇલ ટૅન્કર પર હુમલો કર્યો, ફિલિપાઇન્સનાં બે નાવિકનાં મોત

સાઉદી અરેબિયાની રાષ્ટ્રીય શિપિંગ કંપની બહરીએ બુધવારે પુષ્ટિ કરી હતી કે તેના સિદ્ર નામના જહાજ સાથે આ ઘટના બની હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાઉદી અરેબિયાની રાષ્ટ્રીય શિપિંગ કંપની બાહરીએ બુધવારે પુષ્ટિ કરી હતી કે તેના સિદ્ર નામના જહાજ સાથે આ ઘટના બની હતી (ફાઇલ ફોટો)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સાઉદી અરેબિયાએ સોમવાર રાત્રે તેના એક મોટા ઑઇલ ટૅન્કર પર ઈરાને કરેલા કથિત હુમલાની ટીકા કરી છે.

આ હુમલામાં ફિલિપાઇન્સના બે નાવિકનાં મોત થયાં છે.

સાઉદી અરેબિયાની રાષ્ટ્રીય શિપિંગ કંપની બાહરીએ બુધવારે પુષ્ટિ કરી હતી કે તેના સિદ્ર નામના જહાજ સાથે આ ઘટના બની હતી.

દરિયાઈ સુરક્ષા કંપનીઓના જણાવ્યા મુજબ, ઓમાનના મુસંદમ પ્રાયદ્વીપના ઉત્તર ભાગમાં સિદ્ર પર કેટલીક પ્રોજેક્ટાઇલ્સ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

આ જ દરમિયાન દક્ષિણ કોરિયાના મોટા ઑઇલ ટૅન્કર સેનેગલ પ્રોસ્પેરિટીને પણ મુસંદમના પૂર્વ ભાગમાં નિશાન બનાવવામાં આવ્યું હોવાના અહેવાલો છે.

સાઉદી અરેબિયાના આ આરોપ અંગે ઈરાન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

જોકે, આ પહેલાં ઈરાને જણાવ્યું હતું કે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા સમયે બે ટૅન્કરો બારૂદી સુરંગો સાથે અથડાતા તેમાં આગ લાગી હતી.

ઈરાનના જણાવ્યા મુજબ, આ ટૅન્કરો એવા માર્ગ પરથી પસાર થઈ રહ્યાં હતાં, જેના ઉપયોગની મંજૂરી આપવામાં આવી નહોતી.

નાવિકોના મોતના સમાચાર એવા સમયે સામે આવ્યા છે, જ્યારે અમેરિકી સેનાએ ઈરાન પર હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે.

તેના જવાબમાં ઈરાની સેનાએ પડોશી આરબ દેશોમાં આવેલાં અમેરિકન ઠેકાણાં પર મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો.

જુલાઈ પછી બંને દેશો વચ્ચેનો આ સૌથી મોટું સૈન્ય અથડામણ માનવામાં આવી રહ્યું છે.

ઈરાનનો દાવો : અમેરિકન હુમલામાં મૃતકોની સંખ્યા 18 પહોંચી

ઈરાનના આરોગ્ય મંત્રાલયના જનસંપર્ક નિદેશક હુસૈન કરમાનપુરે મંગળવારે થયેલા અમેરિકન હવાઈ હુમલામાં થયેલાં મોત અને ઘાયલો અંગેના નવા આંકડા જાહેર કર્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના આરોગ્ય મંત્રાલયના જનસંપર્ક નિદેશક હુસૈન કરમાનપુરે મંગળવારે થયેલા અમેરિકન હવાઈ હુમલામાં થયેલાં મોત અને ઘાયલો અંગેના નવા આંકડા જાહેર કર્યા છે

ઈરાનના આરોગ્ય મંત્રાલયના જનસંપર્ક નિદેશક હુસૈન કરમાનપુરે મંગળવારે થયેલા અમેરિકન હવાઈ હુમલામાં થયેલાં મોત અને ઘાયલો અંગેના નવા આંકડા જાહેર કર્યા છે.

બીબીસી ફારસી સેવા મુજબ, કરમાનપુરે જણાવ્યું કે આ હુમલામાં મૃત્યુ પામનારાની સંખ્યા 18 અને ઘાયલોની સંખ્યા 142 થઈ ગઈ છે.

મૃતકોમાં એક બાળક અને બે મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે ઘાયલોમાં 61 મહિલા તથા 18 વર્ષથી ઓછી ઉંમરના 44 લોકોનો સમાવેશ થાય છે.

અમેરિકાએ ઈરાન પર કેટલાંક અઠવાડિયાં બાદ ફરી હુમલાઓ શરૂ કર્યા છે. બુધવારે ઈરાનના સિરિકમાં યોજાયેલા એક લગ્ન સમારંભ દરમિયાન થયેલા હુમલામાં શરૂઆતમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ આવ્યા હતા.

ઈરાની રેડ ક્રિસન્ટે જણાવ્યું હતું કે સિરિકમાં લગ્ન સમારંભ દરમિયાન એક મકાન પર અમેરિકન મિસાઇલના ટુકડા પડતા ચાર લોકોનાં મોત થયાં હતાં.

અમેરિકન સેનાના હુમલાના જવાબમાં ઈરાને જૉર્ડન, કુવૈત, ઇરાક અને બહેરીનમાં આવેલાં અમેરિકન ઠેકાણાં પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન