'20 લોકો સાથે સંબંધ બાંધ્યો', એવી દવા જેણે લોકોને સેક્સ, જુગારના વ્યસની બનાવી દીધા

જુગાર અને સેક્સનું વ્યસન લગાડી દેતી દવા, પોર્નોગ્રાફીની દવા, જોખમી વ્યસનકારક દવા, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, દવા લીધા બાદ એમ્માને જુગારની લત લાગી ગઈ હતી
    • લેેખક, નોયલ તિથરઍજ
    • પદ, ઇન્વેસ્ટિગેશન કૉરસપૉન્ડન્ટ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ઍમ્માને સમજાતું ન હતું કે તેને જુગારની લત અચાનક કેવી રીતે લાગી ગઈ, પરંતુ બીબીસી ન્યૂઝના એક લેખમાં એ વિશે વાંચ્યું ત્યારે તેને તેની મૂંઝવણનો જવાબ મળી ગયો.

ઍમ્માએ ગયા વર્ષે જુગાર રમીને હજારો પાઉન્ડ ગુમાવ્યા હતા, પણ એક દવા તેના વ્યસનનું કારણ બની શકે છે એવું ઍમ્માએ ક્યારેય વિચાર્યું ન હતું. ઍમ્મા એવા 250થી વધુ લોકો પૈકીનાં એક છે, જેમણે અમને જણાવ્યું હતું કે તેઓ દવાને કારણે વ્યસની બન્યાં છે.

કેટલાકને જુગારનું, કેટલાકને સેક્સનું તો કેટલાકને શૉપિંગનું વ્યસન થઈ ગયું છે. હલનચલન સંબંધી બીમારીના ઈલાજ માટે તેમને એ દવા લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

આ લોકોમાં પોલીસ અધિકારીઓ, પરિચારિકાઓ, ડૉક્ટર્સ અને બૅન્કના ટોચના અધિકારી જેવા હાઇ-પ્રોફાઇલ હોદ્દાઓ પરના દર્દીઓનો સમાવેશ થાય છે. લગભગ એક વર્ષ પછી પણ ઘણા દર્દીઓ જણાવે છે કે ડૉક્ટરો ડૉપામાઇન ઍગોનિસ્ટ દવાની આડઅસરો વિશે તેમને હજુ પણ ચેતવણી આપતા નથી અને એ કેટલું સામાન્ય છે એ પણ જણાવતા નથી.

જોકે, આ દવાઓને તાજેતરમાં 'રેસ્ટલેસ લૅગ્સ સિન્ડ્રૉમ' માટેની ફર્સ્ટ-લાઇન સારવારમાંથી દૂર કરવામાં આવી છે. તેમ છતાં ઇંગ્લૅન્ડમાં જનરલ પ્રૅક્ટિશનર્સ હજુ પણ દર્દીઓને આ દવા લખી આપે છે.

બ્રિટિશ સાંસદોની આરોગ્ય સમિતિના અધ્યક્ષે યુનાઇટેડ કિંગ્ડમના ઔષધ નિયમનકર્તાને આ દવાની આડઅસરો વિશે તપાસ કરવા તાજેતરમાં જણાવ્યું હતું અને બ્રિટિશ સરકારે નવીનતમ તારણોને "ખૂબ જ ચિંતાજનક" ગણાવ્યાં હતાં.

'મારું જીવન બરબાદ કરી દીધું'

જુગાર અને સેક્સનું વ્યસન લગાડી દેતી દવા, પોર્નોગ્રાફીની દવા, જોખમી વ્યસનકારક દવા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Family Handout

ઇમેજ કૅપ્શન, સૉલિસિટર જનરલ ઍન્ડ્રુએ અનેક અસીલોના પૈસાની ઉચાપત કરી હતી

અન્ય ઘણી સ્ત્રીઓની માફક ઍમ્માને પણ ગર્ભાવસ્થા દરમિયાન રેસ્ટલેસ લૅગ્સ સિન્ડ્રૉમ (આરએલએસ) થયો હતો. આ બીમારીને શરીરમાં લોહતત્ત્વના સ્તર સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે.

સમય પસાર થવાની સાથે બીમારી વકરી હતી, તેથી ઍમ્માને રોપિનિરોલ નામની દવા સૂચવવામાં આવી હતી. આ દવાનું ઉત્પાદન બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની જીએસકે કરે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઍમ્માના કહેવા મુજબ, તેમના પતિએ આ દવા વિશે વિગતવાર જાણકારી મેળવી અને એક લેખ વાંચ્યો ત્યારે તેમને આ દવા અને જુગારની લત વચ્ચેનો સંબંધ સમજાયો હતો. ઍમ્મા કહે છે, "મેં તે વાંચ્યું અને કહ્યું કે હે ભગવાન, આ તો મારી જ વાત છે."

ઍમ્મા જ્યારે સ્થાનિક ડૉક્ટર સાથે ઍપોઇન્ટમૅન્ટ બુક કરે છે ત્યારે તેમણે એક ઑનલાઇન ફૉર્મ ભરવું પડે છે. તેઓ જે દવાઓ લઈ રહ્યાં છે તેની વિગત એ ફૉર્મમાં લખવાની હોય છે. ઍમ્માએ તેમના ડૉક્ટરને જણાવ્યું હતું કે તેમને જુગારનું વ્યસન થઈ ગયું છે અને તેઓ રોપિનિરોલ લઈ રહ્યાં છે. તેમ છતાં ડૉક્ટરે ઍમ્માના વર્તનને દવાની જાણીતી આડઅસર સાથે ક્યારેય સાંકળ્યું ન હતું.

ઍમ્મા જુગાર રમતાં રહ્યાં હતાં અને બીબીસીનો લેખ વાંચ્યા પછી તેમણે દવામાં ફેરફાર કરવાની વિનંતી કરી હતી.

ઍમ્માના કહેવા મુજબ, તેમણે તેમાં ઓછામાં ઓછા 30,000 પાઉન્ડ એટલે કે લગભગ 37 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. ઍમ્મા કહે છે, "એનાથી મારું જીવન બરબાદ થઈ ગયું છે. અમે દેવામાં ડૂબી જઈશું. દેવું ફેડવામાં કેટલો સમય લાગશે તે ભગવાન જાણે."

આ દવા ડૉપામાઇનની ક્રિયાશીલતા વધારવાનું કામ કરે છે. તે દવાઓનું એક ગ્રૂપ છે. જીએસકે અને બીજી બે કંપનીઓ તેનું ઉત્પાદન કરે છે.

'દવાને કારણે વર્તણૂકમાં અચાનક ફેરફાર'

જુગાર અને સેક્સનું વ્યસન લગાડી દેતી દવા, પોર્નોગ્રાફીની દવા, જોખમી વ્યસનકારક દવા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડૉપામાઇન એક રસાયણ છે જે હલનચલનને નિયંત્રિત કરે છે, પરંતુ પ્રેરણા તથા આનંદ માટે પણ મહત્ત્વપૂર્ણ છે.

આ દવાથી તેના પ્રમાણમાં વધારો થઈ શકે છે. યુનાઇટેડ કિંગ્ડમમાં ઘણા લોકોએ અમને જણાવ્યું હતું કે આ દવાના સેવનથી વર્તનમાં અચાનક ફેરફાર આવતા દેવું, સંબંધોનું તૂટવું, ગુનાખોરી અને આત્મહત્યા જેવી સમસ્યાઓ સર્જાઈ હતી.

અમને લોકોએ એવું પણ જણાવ્યું હતું કે કેટલાકને 'બિંજ ઇટિંગ' એટલે કે ભૂખ ન હોય તો પણ અકરાંતિયાની જેમ ખાવાની લત લાગી હતી.

કેટલાક 'ક્રૉસડ્રેસિંગ' એટલે કે વિરોધી લિંગનાં વસ્ત્રો પહેરવા લાગ્યા હતા અને કેટલાકે પહેલીવાર સમલૈંગિક સંબંધ બાંધ્યો હતો. કેટલીક વૃદ્ધ સ્ત્રીઓએ જણાવ્યું હતું કે તેમના પતિએ તેમના પર જાતીય દબાણ કરવાનું શરૂ કર્યું છે.

સામાન્ય રીતે દર્દીઓનો અગાઉ આવું વર્તન કર્યાનો કોઈ ઇતિહાસ ન હતો. આ દવાની તેમના અથવા તેમના પરિવારો પર આવી માઠી અસર થશે એવું તેમણે ક્યારેય વિચાર્યું ન હતું.

'પૅકેટ પર કોઈ સ્પષ્ટ ચેતવણી નથી'

પાર્કિન્સન્સ રોગના છ પૈકી એક દર્દીનું વર્તન આ દવા લીધા પછી વિચિત્ર થઈ જાય છે.

તેથી આ આડઅસરને "ખૂબ જ સામાન્ય" માનવામાં આવે છે. જોકે, આડઅસરો કેટલી સામાન્ય છે એ દવાના પૅકેજિંગ પર જણાવવામાં આવતું નથી. પૅકેજિંગ સંદર્ભે એવી ટીકા કરવામાં આવે છે કે તેમાં વર્તનમાં અચાનક થતા ફેરફારનો જ ઉલ્લેખ છે, પરંતુ પૉર્નોગ્રાફીનું વ્યસન લાગવા જેવી ચોક્કસ આડઅસરનો કોઈ ઉલ્લેખ નથી.

અમે તાજેતરમાં એક પરિવારની કથા પ્રકાશિત કરી હતી, જેમાં એક પિતા અને પુત્રએ પોતાનો જીવ લઈ લીધો હતો.

પિતાના આવેગજન્ય વર્તનને કારણે તેમણે સેક્સ તથા ઍન્ટિક્સ (પુરાતન વસ્તુઓ) માટે તેના ગ્રાહકોના 6 લાખ પાઉન્ડ એટલે કે લગભગ 7.4 કરોડ રૂપિયા ચોરી લીધા હતા. એ પછી વધુ પુરુષોએ અમારો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમણે આવા વર્તનનો અનુભવ કર્યો છે તથા હાલ તેઓ આવી પ્રચૂર કામુકતાનો સામનો કરી રહ્યા છે.

'મને સેક્સનું વ્યસન થઈ ગયું છે'

જુગાર અને સેક્સનું વ્યસન લગાડી દેતી દવા, પોર્નોગ્રાફીની દવા, જોખમી વ્યસનકારક દવા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, પ્રતીકાત્મક તસવીર

માઇકલે (નામ બદલ્યું છે) આરએલએસ માટે તાજેતરમાં દવા લેવાનું શરૂ કર્યું ત્યારથી તેઓ સેક્સ વર્કર્સ પાસે જવા લાગ્યા છે. તેઓ કહે છે, "મને સેક્સની લત લાગી હોય એવું લાગે છે.

પરિણીત હોવા છતાં મેં લગભગ 20 પુરુષો અને મહિલાઓ સાથે સંબંધ બાંધ્યો છે." તેમણે અગાઉ ક્યારેય તેમનાં પત્નીને છેતર્યાં ન હતાં કે સમલૈંગિક સંબંધ બાંધ્યો ન હતો.

તેમના કહેવા મુજબ, શરૂઆતમાં આ આદતમાં મજા પડતી હતી, પરંતુ હવે પોતે ફસાઈ ગયા હોય તેવું લાગે છે.

તેઓ ડૉક્ટર કે તેમનાં પત્નીને આ બાબતે કશું કહી શકતા નથી, કારણ કે ડૉક્ટર સાથેની ઍપોઇન્ટમૅન્ટ વખતે પત્ની તેમની સાથે હોય છે.

તેઓ કહે છે, "મને મદદની જરૂર છે એ હું જાણું છું, પરંતુ જેની મદદ લઈ શકાય તેની સાથે હું વાત કરી શકું તેમ નથી." પાર્કિન્સન્સ-યુકે અને આરએલએસ-યુકે જેવી સંસ્થાઓ પાસેથી મદદ મળી શકે છે.

'પેડોફિલિયા કેસનો ખુલાસો'

જુગાર અને સેક્સનું વ્યસન લગાડી દેતી દવા, પોર્નોગ્રાફીની દવા, જોખમી વ્યસનકારક દવા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસીને હવે જાણવા મળ્યું છે કે જીએસકે તેની દવા સાથે સંકળાયેલા વર્ષ 2000ના પેડોફિલિયા (બાળકો સાથે સેક્સ માણવાની વિકૃતિ) કેસથી વાકેફ હતી. તેમ છતાં જાતીય ઇચ્છા સંબંધી ચેતવણી આપવામાં તેને સાત વર્ષ લાગ્યાં હતાં.

રોપિનિરોલ દવાનું સેવન કરતા 63 વર્ષના એક પુરુષે 7 વર્ષની છોકરીનું જાતીય શોષણ કર્યું હતું અને એ ગુના બદલ તેને જેલમાં ધકેલવામાં આવ્યો હતો. આ કેસની નોંધ 2003ના સેફ્ટી રિપોર્ટમાં લેવામાં આવી હતી, જેમાં જીએસકેએ રોપિનિરોલ દવાનું વર્ણન "વિચલિત" કરનારી અથવા વિકૃત લૈંગિક વર્તન કરાવતી દવા તરીકે કર્યું હતું.

જીએસકેના જણાવ્યા મુજબ, એ પછીના વર્ષે કંપનીએ ઔષધ નિયમનકર્તાને આ કેસની જાણ કરી હતી. જોકે, ચેતવણીમાં 'વિકૃતિ' શબ્દ ક્યારેય લખવામાં આવ્યો ન હતો. તેના બદલે ચેતવણીમાં "વધતી જાતીય ઇચ્છા, હાનિકારક વર્તન" અને "જાતીય પસંદગીમાં ફેરફાર"નો જ ઉલ્લેખ છે.

અમને જાણવા મળ્યું હતું કે જીએસકે તેનાં તારણો તૈયાર કરી રહ્યું હતું ત્યારે જ તેણે રેસ્ટલેસ લૅગ્સ સિન્ડ્રૉમ માટે રોપિનિરોલના ઉપયોગની પરવાનગી મેળવવા અરજી કરી હતી.

બાદમાં 2005માં કંપનીએ અમેરિકાની એક ખાનગી હૉસ્પિટલ સાથે મળીને, આ દવા જાતીય સમસ્યાઓની સારવાર માટે અસરકારક છે કે કેમ તેની ચકાસણી કરી હતી.

જીએસકેએ બીબીસીને જણાવ્યું હતું કે તેની દવાનું વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેની આડઅસરો વિશે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.

મેડિસિન્સ ઍન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ) એ જણાવ્યું હતું કે ચેતવણી પ્રકાશિત કરવામાં વર્ષો લાગ્યાં કારણ કે તમામ પુરાવાઓની ચકાસણી કરવી જરૂરી હોય છે.

'ફ્રેન્ચ ચુકાદા પર બધાની નજર'

વીડિયો કૅપ્શન, બૅંગકૉકમાં યુવાનો પ્રેમની પ્રાર્થના કરવા લક્ષ્મીદેવીને પૂજે છે

બીબીસીએ અનેક લોકોનો સંપર્ક સાધ્યો હતો. એ પૈકીના ઘણા લોકોએ જણાવ્યું હતું કે તેમને યોગ્ય રીતે ચેતવણી આપવામાં આવી ન હતી, તેથી તેમને લાગ્યું કે ન્યાય મેળવવાનો કોઈ માર્ગ નથી. જોકે, યુનાઇટેડ કિંગ્ડમની બહાર કેટલાક લોકોએ કેસ દાખલ કર્યા છે.

બેલ્જિયમની એક કોર્ટે એક પુરુષને તેની 4 વર્ષની પૌત્રીનું જાતીય શોષણ કરવાના આરોપમાંથી એક વર્ષ પહેલાં મુક્ત કર્યો હતો; અદાલતે સ્વીકાર્યું હતું કે રોપિનિરોલ દવાને કારણે તેનામાં પેડોફિલિયા આકાર પામ્યો હતો.

ફ્રાન્સની અદાલતમાં 50થી વધુ વર્ષના એક પુરુષે જીએસકે સામે કેસ દાખલ કર્યો છે, જેનો ચુકાદો આવતા મહિને અપેક્ષિત છે. એ પુરુષે દાવો કર્યો છે કે જીએસકેએ દર્દીને આડઅસરો વિશે યોગ્ય ચેતવણી આપી નથી.

દવાને કારણે તેણે પોતાનો સંબંધ અને લગભગ 90,000 પાઉન્ડ ગુમાવ્યા છે અને હવે તે કંપની પાસે જવાબદારી અને વળતરની માંગ કરી રહ્યો છે.

(તમે આ બાબતે વધુ માહિતી મેળવવા ઈચ્છતા હો તો નોએલનો સીધો અને સલામત રીતે સંપર્ક કરી શકો છો. તમે તેમનો સંપર્ક એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશન સિગ્નલના +44 7809 334720 પર અથવા [email protected] પર ઇમેઇલ દ્વારા અથવા SecureDrop દ્વારા પણ કરી શકો છો)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન