IPO ઓવરસબસ્ક્રાઇબ થાય ત્યારે રોકાણકારોને શૅર કઈ રીતે ફાળવવામાં આવે છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતીય શૅરબજારમાં હાલમાં જિયો પ્લૅટફૉર્મ્સના 30,213 કરોડ રૂપિયાના આઇપીઓની ચર્ચા ચાલે છે.

ભારતમાં અત્યાર સુધીમાં આવેલો આ સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ છે અને બુધવારે તે ઓપન થયા પછી માત્ર 100 મિનિટની અંદર સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો છલકાઈ ગયો હતો, જે એક રેકૉર્ડ છે.

બીએસઈના ડેટા પ્રમાણે ગુરુવારે આઇપીઓના બીજા દિવસે પ્રથમ બે કલાકની અંદર રિટેલ રોકાણકારોનો હિસ્સો પણ સંપૂર્ણ ભરાઈ ગયો હતો.

જિયોનો આ આઇપીઓ હજુ 23 ઑક્ટોબર, શુક્રવાર સુધી ખુલ્લો રહેશે. આ લખાય છે ત્યાર સુધીમાં તે એકંદરે ચાર ગણાથી વધુ ભરાઈ ગયો હતો. અલગ અલગ કૅટેગરીમાં આઇપીઓ ઓવરસબસ્ક્રાઇબ થાય ત્યારે બિડ કરનારા દરેક રોકાણકારને શૅર નહીં મળે.

તેના કારણે સવાલ થાય છે કે, જ્યારે આઇપીઓ ઓવરસબસ્ક્રાઇબ થાય ત્યારે શૅરનું ઍલોટેન્ટ કેવી રીતે થાય છે?

આઇપીઓ કેટલો છલકાયો

ગુરુવારે બપોર સુધીના આંકડા પ્રમાણે આ આઇપીઓ લગભગ ચાર ગણાથી વધુ છલકાયો હતો. તેમાં ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઈબી)નો હિસ્સો 9.69 ગણો, બિન સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 3.78 ગણો અને રિટેલ રોકાણકારોનો હિસ્સો 1.25 ગણો ભરાયો હતો.

આ ઉપરાંત રિલાયન્સ જૂથના કર્મચારીઓ માટે પણ શૅર અનામત રાખવામાં આવ્યા છે અને આ કૅટેગરીમાં 1.83 ગણી બિડ મળી છે, જ્યારે રિલાયન્સના શૅરધારકોનો હિસ્સો 2.90 ગણો ભરાયો હતો.

જિયો પ્લૅટફૉર્મ્સના આઇપીઓમાં 1,056 રૂપિયાથી 1,119 રૂપિયાની પ્રાઇસ બૅન્ડ નક્કી કરવામાં આવી છે. લૉટ સાઇઝ 12 શૅરની છે. એટલે કે અપર બૅન્ડ પર એક લૉટ 13,428 રૂપિયાનો પડશે. 26 ઑક્ટોબરે શૅર ઍલોટમેન્ટ થવાની શક્યતા છે અને લિસ્ટિંગની સંભવિત તારીખ 28 ઑક્ટોબર છે. જેમને શૅર નહીં લાગ્યા હોય તેમને 27 ઑક્ટોબરે રૂપિયા રિફંડ મળી જાય તેવી સંભાવના છે.

જે લોકોને આઇપીઓમાં શૅર ન મળે, તેઓ લિસ્ટિંગના દિવસે સેકન્ડરી માર્કેટમાંથી શૅર ખરીદી શકે છે.

શૅરની ફાળવણી કઈ રીતે થશે?

આઇપીઓ ઓવરસબસ્ક્રાઈબ થાય ત્યારે શૅરની ફાળવણી સિક્યૉરિટી ઍન્ડ ઍક્સ્ચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)ના નિયમો મુજબ થાય છે. સેબી એ ભારતીય શૅર માર્કેટની નિયમનકાર સંસ્થા છે.

સેબીની માહિતી પુસ્તિકા પ્રમાણે નાના રોકાણકારો (રિટેલ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર અથવા આરઆઇઆઇ)ની કૅટેગરીમાં ઉપલબ્ધ શૅર કરતાં ઓછા અથવા તેટલા જ શૅરની બિડ આવે ત્યારે બધા રોકાણકારોને બિડ મુજબ શૅર ફાળવવામાં આવે છે.

પરંતુ જ્યારે અલગ અલગ કૅટેગરીમાં ઉપલબ્ધ શૅર કરતાં તેની માંગ વધારે હોય ત્યારે લૉટરી સિસ્ટમ અથવા સમઅનુપાતના આધારે શૅર ફાળવાય છે.

લૉટરી સિસ્ટમમાં દરેક રોકાણકાર માટે શૅર લાગવાની શક્યતા એક સરખી થઈ જાય છે. તેથી તેમાં કોઈ ચેડાં કરી શકાતાં નથી. તેથી તેમાં શૅર લાગવાના ચાન્સ વધારવાની પણ કોઈ સચોટ પદ્ધતિ નથી.

આઇપીઓ જ્યારે ઓવરસબસ્ક્રાઇબ થાય ત્યારે તમારા ઍલોટમેન્ટના ચાન્સ વધારવાની કોઈ સરળ રીત કે ટ્રિક નથી. ઘણા રોકાણકારોને એવી ખોટી માન્યતા હોય છે કે, ઇશ્યૂ ખુલતાની સાથે વહેલાસર અરજી કરી દેવાથી તેમને શૅર લાગવાનો ચાન્સ વધારે રહે છે.

તેવી જ રીતે મલ્ટિપલ ઍપ્લિકેશન કરવાથી પણ તમને શૅર લાગવાનો ચાન્સ વધી જાય તેવી ધારણા પણ ખોટી છે.

તેનું કારણ છે કે, એક જ કૅટેગરીમાં પાન નંબર સરખો હોય ત્યારે વૅલિડેશન પ્રક્રિયા વખતે તે અરજી રિજેક્ટ થઈ જાય છે અને શૅર ઍલોટ થવાનો ચાન્સ શૂન્ય થઈ જાય છે.

મહેતા કહે છે કે, "તમે ઘણા બધા લૉટ માટે અરજી કરશો તો શૅર મળવાનો ચાન્સ વધી જાય તે પણ એક ગેરમાન્યતા છે. રિટેલ કૅટેગરીમાં ઍલોટમેન્ટ લૉટના આધારે નહીં પણ ઍપ્લિકેશન દીઠ થાય છે. તેથી મોટા લૉટમાં અરજી કરવાનો પણ ફાયદો નથી."

સામાન્ય રીતે એક જ પાન નંબર પર એકથી વધારે અરજી કરવામાં આવી હોય, બૅન્ક ખાતામાં બૅલેન્સ ઓછું હોય, યુપીઆઈ આઈડીમાં ગરબડ હોય, વગેરે કારણોથી અરજી રિજેક્ટ થતી હોય છે.

રિલાયન્સના કર્મચારીઓને ડિસ્કાઉન્ટ

જિયોનું લિસ્ટિંગ થશે ત્યારે તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી ઍરટેલ અને એચડીએફસી બૅન્ક પછી ચોથા ક્રમની સૌથી મોટી લિસ્ટેડ કંપની હશે, એવું રૉયટર્સ જણાવે છે.

જિયો પ્લૅટફૉર્મ્સના આઇપીઓમાં પ્રાઇસ બૅન્ડ 1,065 રૂપિયાથી 1,119 રૂપિયા પ્રતિ શૅર નક્કી કરવામાં આવી છે. તેમાં કુલ 27 કરોડ નવા શૅર ઇશ્યૂ કરવામાં આવશે.

રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 12 શૅરના લૉટમાં અરજી કરવાની છે. એટલે કે એક લૉટની કિંમત 13,428 રૂપિયા છે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 14 લૉટ અથવા 168 શૅર માટે અરજી કરી શકશે, જેનું મૂલ્ય 1,87,992 રૂપિયા થશે. રિલાયન્સ જૂથના કર્મચારીઓને શૅરદીઠ 54 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ પ્રમાણે, કંપનીએ પોતાના કર્મચારીઓ માટે 500 કરોડ રૂપિયાના શૅર અનામત રાખ્યા છે, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ)ના પાત્રતા ધરાવતા શૅરધારકો માટે 2,500 કરોડ રૂપિયા સુધીના શૅર રિઝર્વ રાખ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન