તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
શૅરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે SIPમાં રોકાણ ચાલુ રાખવું જોઈએ કે બંધ કરી દેવું જોઈએ?
વિશાખા છેલ્લાં બે વર્ષથી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં રોકાણ કરી રહ્યાં છે. શરૂઆતમાં તેમને બધું બરાબર લાગતું હતું, પરંતુ હવે શૅરબજારમાં થતી ઊથલપાથલ અને સોશિયલ મીડિયા પર નિષ્ણાતોનાં વિરોધાભાસી મંતવ્યોએ તેમને મૂંઝવણમાં મૂકી દીધાં છે.
તાજેતરમાં એક SIPમાં નુકસાન થયા પછી તેમણે રોકાણ અધવચ્ચે જ બંધ કરી દીધું અને પોતાનું ભંડોળ ઉપાડી લીધું.
હવે, તેમને એ પ્રશ્નનો સામનો કરવો પડી રહ્યો છે કે શું તેમણે શૅરબજારના ઉતાર-ચઢાવ વચ્ચે SIPમાં રોકાણ ચાલુ રાખવું જોઈએ કે નહીં.
ઘણા યુવાનો નોકરી શરૂ કરતાંની સાથે જ બચત અને રોકાણ વિશે વિચારવાનું શરૂ કરે છે, પરંતુ ઓછા પગાર, માસિક ખર્ચ અને ભવિષ્યની જરૂરિયાતોને કારણે રોકાણ શરૂ કરવું સરળ નથી.
ભારતમાં નાનાં રોકાણો કરવા માટે એસઆઇપી એક રીત છે, પરંતુ શું તેમાં રોકાણ કરવું હવે સલામત છે?
આવા જ સવાલો અંગે બીબીસીએ ઑપ્ટિમા મની મૅનેજર્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક પંકજ મઠપાલ અને સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર પૂનમ રૂંગટા સાથે વાત કરી હતી.
એસઆઇપીમાં વધી રહેલું રોકાણ
ઍસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ)ના ડેટા અનુસાર, 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં એસઆઇપી મારફતે રોકાણો અથવા તેનું કુલ મૂલ્ય (એયુએમ) કુલ 15.52 લાખ કરોડ હતું.
30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં આ મૂલ્ય વધીને રૂપિયા 17.86 લાખ કરોડ થયું. આનો અર્થ એ થયો કે તેમાં એક વર્ષમાં આશરે 2.34 લાખ કરોડ અથવા 15 ટકાનો વધારો થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જ સંસ્થાના ડેટા અનુસાર, સપ્ટેમ્બર 2026માં એસઆઇપી દ્વારા રોકાણ રેકૉર્ડ 32490 કરોડ સુધી પહોંચ્યું છે.
જોકે, જ્યારે એસઆઇપી રોકાણો વધી રહ્યાં છે, ત્યારે કેટલાક લોકો તેને બંધ પણ કરી રહ્યા છે અથવા તેમના રોકાણનો સમય તેના અંત તરફ જઈ રહ્યો છે.
એએમએફઆઈ અનુસાર, સપ્ટેમ્બર 2026માં એસઆઇપી ડિસ્કન્ટિન્યુએશન રેટ 78.53% હતો.
નાણાકીય નિષ્ણાત પંકજ મઠપાલે સમજાવ્યું કે એસઆઇપીનો એક ફાયદો એ છે કે તમે નાની રકમથી રોકાણ શરૂ કરી શકો છો. મોટી રકમ એકઠી કરવા માટે રાહ જોવાની જરૂર નથી. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સમાં તો તમે દર મહિને 100 રૂપિયા જેટલા ઓછા રોકાણથી એસઆઇપી શરૂ કરી શકો છો.
પૂનમ રૂંગટાએ કહ્યું, "તમે 100, 250 કે 500 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો. રોકાણ શરૂ કરવું અને તેને આદત બનાવવી મહત્ત્વપૂર્ણ છે. શરૂઆતમાં તમને યોગ્ય લાગે એટલી રકમથી રોકાણ શરૂ કરો."
શૅરબજારમાં આ વર્ષે ભારે ઊથલપાથલ રહી
અત્યાર સુધીની વાત કરીએ તો આ વર્ષ શૅરબજાર માટે ખૂબ જ અસ્થિર રહ્યું છે.
નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ અનુસાર 23 ઑક્ટોબર, 2026 સુધીમાં આ વર્ષે સેન્સેક્સ 14.19 ટકા ઘટ્યો છે, અને નિફ્ટી 50 એ 13.51 ટકા જેટલો ઘટ્યો છે.
આવી સ્થિતિમાં યુવા રોકાણકારો માટે એસઆઇપીમાં રોકાણ કરવું યોગ્ય રહેશે કે કેમ તે અંગે પંકજ મઠપાલે કહ્યું કે, "બજાર હંમેશાં સરખું રહેતું નથી. તે ઘટાડા અને ઉછાળા બંનેનો અનુભવ કરી શકે છે. આનાં કારણો અલગ-અલગ હોઈ શકે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ પણ બજારમાં ઘટાડાનું એક કારણ છે."
પૂનમ રૂંગટાએ જણાવ્યું હતું કે શૅરબજાર હાલમાં અસ્થિર છે. જેમણે પાંચથી છ વર્ષ પહેલાં એસઆઇપી શરૂ કરી હતી તેમનું રિટર્ન કદાચ હજુ પૉઝિટિવ હોઈ શકે છે. જોકે, જેમણે ફક્ત એક કે બે વર્ષ પહેલાં રોકાણ શરૂ કર્યું હતું, તેમને ઓછું વળતર મળી શકે છે.
એસઆઇપી શું છે?
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક પદ્ધતિ છે. એકસામટી રકમનું રોકાણ કરવાને બદલે, તમે દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરો છો. તે રિકરિંગ ડિપૉઝિટ (આરડી) જેવું જ છે, પરંતુ તેમાં રિટર્નની કોઈ ગૅરન્ટી હોતી નથી.
પંકજ મઠપાલે જણાવ્યું હતું કે રોકાણનો હેતુ પૈસા બચાવવાનો અને વધારવાનો છે. આ માટે એસઆઇપી એક સારો વિકલ્પ છે. એસઆઇપીનો એક ફાયદો એ છે કે તમે નાની રકમથી રોકાણ શરૂ કરી શકો છો. મોટી રકમ એકઠી થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.
પૂનમ રૂંગટાએ સમજાવ્યું કે જો યુવાનો નાની ઉંમરે એસઆઇપી શરૂ કરે છે, તો તેમને ચોક્કસ સમયગાળા માટે રાહ જોવાની જરૂર નથી. એસઆઇપી દ્વારા રોકાણ કરતી વખતે આપણે હંમેશાં લાંબા ગાળાનું વિચારવું જોઈએ.
સ્ટૉક્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ વચ્ચેનો તફાવત
સેબીના મતે, શૅર એ કંપનીમાં હિસ્સો દર્શાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ શૅર ખરીદે છે ત્યારે તે શૅરધારક બને છે.
શૅરના ભાવમાં વધારો નફો પેદા કરી શકે છે, જ્યારે ભાવમાં ઘટાડો નુકસાનમાં પરિણમી શકે છે. શૅરના ભાવ કંપનીના પ્રદર્શન અને આર્થિક ફેરફારોથી પણ પ્રભાવિત થાય છે.
મ્યુચ્યુઅલ ફંડ ઘણા રોકાણકારો પાસેથી નાણાં એકઠા કરે છે અને શૅર, બૉન્ડ્સ અને અન્ય સિક્યૉરિટીઝમાં રોકાણ કરે છે.
આ રીતે રોકાણકારોનાં નાણાં વિવિધ વિકલ્પોમાં રોકાણ કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડ્સનાં રોકાણોનું સંચાલન પ્રોફેશનલ ફંડ મૅનેજરો દ્વારા કરવામાં આવે છે, જે ફી વસૂલ કરે છે.
શૅરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના પ્રશ્ન પર પંકજ મઠપાલે કહ્યું કે જો તમને શૅરબજારનું સારું જ્ઞાન હોય અને તમને ખબર હોય કે કયા શૅરમાં રોકાણ કરવું જોઈએ, તો તમે સીધા શૅરમાં રોકાણ કરી શકો છો.
પૂનમ રૂંગટાએ પ્રશ્નના જવાબમાં સમજાવ્યું કે જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એસઆઇપી કરો છો, ત્યારે પણ તમે શૅરોમાં રોકાણ કરી રહ્યા છો. ફરક ફક્ત એટલો છે કે તમે સીધા શૅર ખરીદી રહ્યા છો કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેમાં રોકાણ કરી રહ્યા છો.
લૉંગ ટર્મ અને શૉર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ
એએમએફઆઈ મુજબ, રોકાણકારનાં નાણાકીય ધ્યેયો અને રોકાણના સમયગાળાના આધારે, મ્યુચ્યુઅલ ફંડમાં ટૂંકા ગાળા અને લાંબા ગાળા બંને હેતુઓ માટે રોકાણ કરી શકાય છે.
વિવિધ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ ઇક્વિટી (શૅર) અને ડેટ (બૉન્ડ)માં રોકાણ કરે છે. રોકાણકારની જરૂરિયાતોના આધારે આ પસંદ કરી શકાય છે.
પૂનમ રૂંગટાએ જણાવ્યું હતું કે એસઆઇપીને લાંબા ગાળાનાં રોકાણ તરીકે જોવું જોઈએ. ઓછામાં ઓછા પાંચ વર્ષનો સમયગાળો ધ્યાનમાં લેવો શ્રેષ્ઠ છે. ટૂંકા ગાળામાં વળતર નકારાત્મક હોઈ શકે છે, તેથી આને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ અને બજારમાં ઘટાડો થાય ત્યારે ગભરાવું જોઈએ નહીં.
પંકજ મઠપાલે કહ્યું કે જો તમે પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણ કરી રહ્યા છો, તો આ સમય દરમિયાન બજાર વધશે અને ઘટશે. તેથી, એસઆઇપીનો એક ફાયદો એ છે કે બજાર ઉપર હોય કે નીચે, તમારું રોકાણ સતત રહે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન