તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
તામિલનાડુની જેલમાંથી 17 કેદી ફરાર, ચાર પકડાયા - ન્યૂઝ અપડેટ
સોમવારે રાત્રે તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદીઓ ભાગી ગયા હતા, પરંતુ તેમાંથી ચારને પાછળથી ફરીથી પકડી લેવામાં આવ્યા છે.
બાકીના ભાગી ગયેલા કેદીઓને શોધવા માટે પોલીસ સઘન તપાસ કરી રહી છે, અને આ હેતુ માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે.
દક્ષિણ ક્ષેત્રીય પોલીસ મહાનિદેશક વિજયેન્દ્ર બિદારીએ જણાવ્યું હતું કે ચાર ભાગી ગયેલા કેદીઓને પોલીસે સર્ચ ઑપરેશન દરમિયાન પકડી લીધા હતા.
વિજયેન્દ્ર બિદારીએ કહ્યું, "ભાગી ગયેલા કેદીઓને પકડવા માટે તામિલનાડુ પોલીસની ખાસ 17 ટીમો બનાવાઈ છે. તામિલનાડુ-કેરળ સરહદ પર દેખરેખ વધારી દેવામાં આવી છે. અમે કેરળ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ."
તેમણે કહ્યું, "કેરળ પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને તેઓ તલાશી અને સુરક્ષા કામગીરીમાં પણ સામેલ છે. પોલીસ જેલ સંકુલની આસપાસનાં ગામડાં પર ડ્રૉન ઉડાવીને ભાગી ગયેલા કેદીઓની શોધ કરી રહી છે."
કેદીઓના ભાગી જવા અંગે પત્રકારો સાથે વાત કરતા વિજયેન્દ્ર બિદારીએ જણાવ્યું હતું કે કેદીઓએ બીમાર હોવાનો ડોળ કરીને ભાગી જવાની યોજના બનાવી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ પોલીસને ટાંકીને જણાવ્યું છે કે બધા 17 કેદીઓને એક જ સેલમાં રાખવામાં આવ્યા હતા. તેમાંથી એકે અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી.
આ પછી જ્યારે જેલ સુરક્ષા ગાર્ડ સેલમાં પહોંચ્યો, ત્યારે બધા 17 કેદીઓ ભાગી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ખેડૂતોની મજાક શું કામ કરો છો?', સરકારે ચાર જિલ્લામાં દુકાળ જાહેર કરતા વિપક્ષે શું કહ્યું?
ગુજરાતના દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર અને જામનગર જિલ્લામાં સરકારે દુષ્કાળ જાહેર કર્યો છે.
આ અંગે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, "લાંબા સમયની લડત પછી સરકારે દુષ્કાળ જાહેર કર્યો છે. ખેડૂતો, પશુપાલકો, કૉંગ્રેસના કાર્યકરો સહિત લોકો ઘણા સમયથી આ માગ કરી રહ્યા હતા, પરંતુ આ નિષ્ઠુર સરકારના પેટનું પાણી હલતું નહોતું."
તેમણે કહ્યું હતું કે, "સરકારે ચાર જિલ્લામાં દુષ્કાળ જાહેર કર્યો છે, સહાય આપવાની વાત કરે છે પણ હૅક્ટર દીઠ સાડા આઠ હજાર રૂપિયાની જ વાત કરે છે. આજે ડીએપી ખાતરની થેલી પણ બે હજાર રૂપિયાની આવે છે. આટલી ઓછી સહાયથી ખેડૂતોને કોઈ ફાયદો નહીં થાય."
તેમણે માગ કરી હતી કે ખેડૂતોને મહત્તમ મદદ થવી જોઈએ અને સહાયના ધોરણમાં વધારો થવો જોઈએ.
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, "અમે કહેતા હતા કે દુષ્કાળ છે પણ ભાજપ માનવા તૈયાર નહોતું, અંતે મજબૂરીમાં માનવું પડ્યું."
તેમણે ખેડૂતોને આપવામાં આવનારી સહાયની નિંદા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "આટલી સહાયથી ખેડૂતોને શું મળશે? આવી ખેડૂતોની મજાક શું કામ કરો છો? તમે ખેડૂતોને લાચાર બનાવવા નીકળ્યા છો. માત્ર ખેડૂત નહીં ભાગ રાખીને ખેતી કરનાર અને ખેતમજૂરી કરનાર ભાગિયાને પણ વળતર આપવું જોઈએ."
ગોપાલ ઇટાલિયાએ એ પણ સવાલ ઉઠાવ્યો હતો કે બધા જ જિલ્લામાં દુષ્કાળ પડ્યો છે તો જાહેરાત માત્ર ચાર જિલ્લાની કેમ?
ઉલ્લેખનીય છે કે 26 ઑક્ટોબરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુષ્કાળની જાહેરાત કરી હતી. આ ચાર જિલ્લા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર છે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં રાહતદરે કલેક્ટરો મારફત લોકોને 1.21 કરોડ કિગ્રા ઘાસ આપી દીધું છે અને ત્રણ કરોડ કિગ્રા ઘાસ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે વધારાના ઘાસચારા માટે પણ આગોતરું આયોજન કર્યું છે.
ગુજરાત સરકારે કહ્યું છે કે દુષ્કાળ જાહેર થવાથી આ ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હૅક્ટર, બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે.
'બ્રાઝિલની ચૂંટણીમાં ગોટાળો થયો' – ટ્રમ્પે ફરી રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા લુલા વિશે શું કહ્યું?
બ્રાઝિલની રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમને લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા ગમે છે, પરંતુ ચૂંટણી ખરાબ રીતે થઈ છે.
તેમણે કહ્યું હતું કે, "મને બધું ઘણું ખરાબ લાગ્યું. મેં કોઈનો પક્ષ લીધો નથી. પણ એવું લાગતું હતું કે આ ચૂંટણીમાં ગોટાળા થયા છે. મેં કોઈને ટેકો આપ્યો નથી. પણ મેં ચૂંટણી જોઈ અને તે ખૂબ જ ભ્રષ્ટ અને ખરાબ લાગી."
તેમણે કહ્યું, "સારું, હું બ્રાઝિલ નહીં, હું અમેરિકા ચલાવી રહ્યો છું. મને લુલા ગમે છે. મારો તેમની સાથે ખૂબ જ સારો સંબંધ છે. મને લાગે છે કે આખી ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ ખરાબ રહી. જે રીતે મતોની ગણતરી કરવામાં આવી અને સમયમર્યાદા લંબાવવામાં આવી તે ખૂબ જ વિચિત્ર હતું. તેમાં ગોટાળા કરવામાં આવ્યા હતા."
બ્રાઝિલમાં લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તેઓ ચોથી વખત રાષ્ટ્રપતિ બનશે.
તેમણે ચૂંટણીમાં તેમના જમણેરી હરીફ અને લિબરલ પાર્ટીના નેતા ફ્લેવિયો બોલસોનારોને હરાવી દીધા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના નેતાઓએ લુલા દા સિલ્વાને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યાં છે.
અમેરિકાના શૅરબજારમાં લિસ્ટિંગ પહેલાં ઍન્થ્રોપિકે કહ્યું, "AIથી માનવજાતના અસ્તિત્વ પર જોખમ"
ઍન્થ્રોપિકે ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) 'માનવતા માટે વિનાશક અથવા અસ્તિત્વનું જ જોખમ' પેદા કરી શકે છે.
ઍન્થ્રોપિકે અમેરિકામાં તેના બ્લૉકબસ્ટર સ્ટોકમાર્કેટ લિસ્ટિંગની વિગતો જાહેર કરી છે.
આ કંપનીનું મૂલ્યાંકન સ્પેસઍક્સ કરતાં પણ વધી જવાની આશંકા છે. સ્પેસઍક્સ 1.8 ટ્રિલિયન ડૉલરના પ્રારંભિક મૂલ્યાંકન સાથે અત્યાર સુધીનું સૌથી મોટું લિસ્ટિંગ હતું.
તેની લિસ્ટિંગ પહેલાં ફાઇલિંગ દરમિયાન ઍન્થ્રોપિકે કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ, રેગ્યુલેટર્સ અને રિસર્ચર્સ તેમજ તેની જ સંસ્થાના લોકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ માનવતા માટે જ નોંધપાત્ર જોખમ ઊભું કરે છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે અદ્યતન AI સિસ્ટમ્સ "જો યોગ્ય સુરક્ષા, દેખરેખ અને સિક્યોરિટી મેઝરમેન્ટ્સ સાથે વિકસિત કે સંચાલિત નહીં કરવામાં આવે તો માનવતા માટે વિનાશકારી અથવા અસ્તિત્વનું જોખમ ઊભું થાય તેવા સંજોગો આવી શકે છે. ખાસ કરીને જો આવી સિસ્ટમ્સનો દુરુપયોગ કરવામાં આવે, તેની નકલ કરવામાં આવે, શસ્ત્રો બનાવવામાં આવે અથવા ઉચ્ચ સ્તરની સ્વાયત્તતા સાથે કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવે તો આવું થઈ શકે છે.
ઍન્થ્રોપિકની સ્થાપનાં પાંચ વર્ષ પહેલાં ચીફ એક્ઝિક્યુટિવ ડારિયો અમોદેઈ, તેમનાં બહેન ડેનિયેલા અમોદેઈ અને પાંચ અન્ય લોકો દ્વારા કરવામાં આવી હતી અને જૂન મહિનામાં તેનું લિસ્ટિંગ કરવાનો ઇરાદો વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન