પાકિસ્તાનના નિર્માણ પછીનાં કેટલાંક વર્ષો સુધી ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પોતાને ભારતીય નાગરિક કેમ ગણાવતા રહ્યા? શું છે તેમનું મુંબઈ કનેક્શન?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, પત્રકાર અને સંશોધક
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 10 મિનિટ
ભારતની આઝાદીને હજી સાત-આઠ મહિના બાકી હતા. સિંધના મોટા જમીનદાર અને રાજકારણી સર શાહનવાઝ ભુટ્ટો પોતાનાં પત્ની અને પુત્રી સાથે જૂનાગઢ રાજ્યમાં વહીવટ સંભાળવા ગયાં.
તેઓ પોતાના નાના પુત્ર ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને બૉમ્બેમાં અભ્યાસ કરવા અને ખાનદાનની મોટી મિલકતોની દેખરેખ રાખવા માટે ત્યાં જ મૂકી ગયા.
સપ્ટેમ્બર 1947માં ઝુલ્ફિકાર અલી ભુટ્ટો બૉમ્બે (હાલનું મુંબઈ) છોડીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયા ત્યારે ભારત સરકારે તેમની મિલકતોને 'ઇવેક્યુઈ' એટલે કે માલિક પાકિસ્તાન ચાલ્યા જવાને કારણે છોડી ગયેલી મિલકત જાહેર કરીને પોતાના કબજામાં લઈ લીધી.
આ મિલકતને ફરીથી પ્રાપ્ત કરવા માટે ભુટ્ટોએ આગામી નવ વર્ષ સુધી પોતાને 'ભારતના નાગરિક' ગણાવીને ભારતીય અદાલતોમાં કાનૂની લડાઈ લડી.
ભુટ્ટોની મિલકત

ઇમેજ સ્રોત, Getty Images
સ્ટેનલી વૉલપર્ટે ઝુલ્ફિકાર ભુટ્ટોની આત્મકથા 'ઝુલ્ફી ભુટ્ટો ઑફ પાકિસ્તાન: હિઝ લાઇફ ઍન્ડ ટાઇમ્સ'માં લખ્યું છે કે ઝુલ્ફિકાર ભુટ્ટોનાં પરિવારજનો જૂનાગઢ ચાલ્યાં ગયાં ત્યારે તેઓ બૉમ્બેના કારમાઇકલ રોડ પર આવેલા પોતાના મકાન 'ધ નેસ્ટ'માં રહેવા લાગ્યા હતા.
વકીલ સંજય ઘોષે 'બાર ઍન્ડ બેન્ચ' વેબસાઇટ માટે લખેલા એક લેખમાં જણાવ્યું છે કે બૉમ્બેના વરલી ઍસ્ટેટમાં આવેલું મકાન નંબર 4A સર શાહનવાઝ ભુટ્ટોએ બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસેથી કાયમી પટ્ટા પર લીધું હતું.
આ માટે 25,344 રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી.
1946-47માં બૉમ્બેના ધમધમતા ફૉર્ટ વિસ્તારમાં આવેલી પરિવારની બીજી મિલકત, બહુમાળી હોટલ ઍસ્ટોરિયામાંથી તેમને 1,10,000 રૂપિયાથી વધુ રકમનું ભાડું મળતું હતું. ભુટ્ટોના નામે અનેક નાણાકીય ગૅરંટી, કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રકમ પણ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વકીલ સંજય ઘોષના જણાવ્યા અનુસાર, સર શાહનવાઝે આ મિલકતો પોતાના 18 વર્ષના પુત્રના નામે તબદીલ કરી હતી. સપ્ટેમ્બર 1947ની શરૂઆતમાં ઝુલ્ફિકાર અલી ભુટ્ટો ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા અને નવેમ્બર 1947માં સર શાહનવાઝ ભુટ્ટો કાયમી વસવાટ માટે કરાચી જતા રહ્યા.
વકીલ સંજય ઘોષે પોતાના લેખમાં લખ્યું છે કે, આ ઘટનાનાં થોડાં વર્ષ પહેલાં કૅથેડ્રલ ઍન્ડ જૉન કૉનન સ્કૂલમાં ભણતા 15 વર્ષના વિદ્યાર્થી ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ પાકિસ્તાનના સ્થાપક મુહમ્મદ અલી ઝીણાને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું, "એવો સમય આવશે, જ્યારે હું પાકિસ્તાન માટે મારા પ્રાણનું બલિદાન આપીશ."
સ્ટેનલી લખે છે કે, ઝુલ્ફી ઘણી વાર અમેરિકામાં પોતાના મિત્રોને પાકિસ્તાનના સ્થાપક મુહમ્મદ અલી ઝીણા વિશે વાત કરતા અને કહેતા, "એ મારા નેતા છે! તેઓ મારા આદર્શ છે. હું તેમનું સન્માન કરું છું."
સપ્ટેમ્બર 1948ની શરૂઆતમાં ઝીણાનું અવસાન થયું ત્યારે ઝુલ્ફીએ વૉશિંગ્ટનમાં પાકિસ્તાનના પ્રથમ રાજદૂત એમએએચ ઇસ્ફહાનીને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું, "આ મહત્ત્વના વળાંક પર આપણે અનાથ થઈ ગયા છીએ. આપણા વહાલા નેતાની અપાર ઉદારતાની આપણને પહેલાં કરતાં પણ વધુ જરૂર છે."
ઉનાળાની રજાઓ દરમિયાન તેમણે થોડા સમય માટે વૉશિંગ્ટનમાં પાકિસ્તાની દૂતાવાસમાં સ્વયંસેવક તરીકે કામ પણ કર્યું હતું.
ભારતમાં નવ વર્ષ ચાલેલી કાનૂની લડાઈ
બીજી તરફ, 6 જુલાઈ 1949ના રોજ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની મિલકતને ભારતમાં 'ઇવેક્યુઈ પ્રૉપર્ટી' એટલે કે દેશ છોડીને ગયેલી વ્યક્તિની મિલકત જાહેર કરવામાં આવી હતી અને સરકારે તેને પોતાના કબજામાં લઈ લીધી હતી."
વકીલ અને લેખક એજી નૂરાનીએ 'ફ્રન્ટલાઇન' સામયિક માટે લખેલા એક લેખમાં જણાવ્યું હતું કે, ભુટ્ટોએ આ નિર્ણયને નવ વર્ષ સુધી પડકાર્યો હતો. આ દરમિયાન તેમણે કસ્ટોડિયન, કસ્ટોડિયન જનરલ, બૉમ્બે અને પંજાબ હાઇકોર્ટ તથા અંતે ભારતની સર્વોચ્ચ અદાલતમાં જુદી જુદી કાનૂની કાર્યવાહી કરી હતી.
એજી નૂરાનીએ પોતાના લેખમાં લખ્યું છે, "તેઓ એ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા કે તેમણે પોતાની મિલકત છોડી દીધી હતી અથવા પાકિસ્તાનનું નાગરિકત્વ સ્વીકારી લીધું હતું."
નૂરાનીના લેખ અનુસાર, 19 નવેમ્બર, 1965ના રોજ રાજ્યસભામાં પુનર્વસન વિભાગના તત્કાલીન મંત્રી મહાવીર ત્યાગીએ કહ્યું હતું, "પાકિસ્તાનના વિદેશમંત્રી શ્રી ઝુલ્ફિકાર અલી ભુટ્ટો ભાગલા વખતે બૉમ્બેમાં પોતાનાં માતાપિતા સાથે રહેતાં હતાં અને ત્યાં તેમની મિલકત હતી."
સંસદની કાર્યવાહીના સત્તાવાર અહેવાલ અને મહાવીર ત્યાગીએ ગૃહમાં રજૂ કરેલા દસ્તાવેજો અનુસાર, ભુટ્ટોએ 27 જુલાઈ 1949ના રોજ ઇવેક્યુઈ પ્રૉપર્ટીના ડેપ્યુટી કસ્ટોડિયન સમક્ષ અને 17 નવેમ્બર 1951ના રોજ કસ્ટોડિયન સમક્ષ સોગંદનામું આપ્યું હતું. તેમાં તેમણે જણાવ્યું હતું કે સિનિયર કૅમ્બ્રિજની પરીક્ષા પાસ કર્યા પછી, 8 સપ્ટેમ્બર, 1947ના રોજ તેઓ બૉમ્બેથી અમેરિકા જવા નીકળ્યા હતા. ત્યાં તેઓ કાયમી નિવાસ કરતા હતા.
તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું કે 8 સપ્ટેમ્બર, 1947ના રોજ વિદેશ જવા નીકળ્યા ત્યારે તેમની પાસે ભારતીય પાસપૉર્ટ હતો.
27 જુલાઈ 1949ના રોજ સોગંદનામું આપતી વખતે તેમણે એમ પણ કહ્યું હતું, "મેં 1945માં જુદી જુદી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે અરજીઓ કરવાનું શરૂ કર્યું હતું. યુનિવર્સિટીઓના જવાબો મારા પિતાને મળતા હતા. મારું શિક્ષણ બૉમ્બેમાં થયું હતું. હું કરાચીમાં રહેતો નહોતો."
લાંબી ચાલેલી કાનૂની લડાઈ

ઇમેજ સ્રોત, Getty Images
30 જાન્યુઆરી, 1956ના રોજ ભારતના કસ્ટોડિયન જનરલ સમક્ષ કરેલી અપીલમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ કામચલાઉ ધોરણે કરાચીમાં રહેતા હતા.
ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનું કહેવું હતું, "અરજદાર પુખ્ત વયનો હતો અને કાયદેસર રીતે પોતાના કામકાજ માટે પોતે જવાબદાર હતો. તેનાં માતાપિતા કરાચીમાં રહેતાં હતાં અને તેનાં લગ્ન પણ ત્યાં થયાં હતાં, એટલા માત્રથી કરાચી તેનું કાયમી નિવાસસ્થાન હતું એવું માની શકાય નહીં."
નૂરાનીએ અદાલતી દસ્તાવેજોનો હવાલો આપીને લખ્યું છે કે, અપીલમાં ભુટ્ટોએ ખાસ ભારપૂર્વક કહ્યું હતું, "માનનીય કસ્ટોડિયન એ સમજવામાં નિષ્ફળ રહ્યા કે, અરજદાર ભારતીય નાગરિક તરીકે ભારતીય પાસપૉર્ટ પર અમેરિકા ગયો હતો અને સંબંધિત સમયગાળા દરમિયાન ભારતનો નાગરિક રહ્યો હતો. કસ્ટોડિયને કોઈ પણ પુરાવા વિના એવું તારણ કાઢીને ભૂલ કરી હતી કે, અરજદારે પુખ્ત વયનો થયા પછી તે સમયગાળા દરમિયાન કરાચીને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું હતું."
11 સપ્ટેમ્બર, 1957ના રોજ તેમણે ભારતની સર્વોચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરી હતી. તેમાં વિનંતી કરવામાં આવી હતી કે તેમને 'ઇવેક્યુઈ' જાહેર કરીને તેમની વિરુદ્ધ કરવામાં આવેલી તમામ કાર્યવાહી અમાન્ય ઠરાવવામાં આવે.
એજી નૂરાનીના જણાવ્યા અનુસાર, 1957માં ભુટ્ટો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રતિનિધિમંડળના સભ્ય પણ હતા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દર વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થાય છે.
એપ્રિલ 1958માં ભુટ્ટોએ પાકિસ્તાની પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે જિનીવામાં યોજાયેલી સમુદ્રના કાયદા અંગેની પરિષદમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
13 ઑગસ્ટ, 1958ના રોજ ભુટ્ટોએ પોતાની અપીલ પાછી ખેંચવા માટે ભારતની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે અરજદાર હવે કરાચીમાં કાયમી ધોરણે વસવાટ કરવા લાગ્યો છે અને આ માનનીય અદાલતમાં પૅન્ડિંગ 1957ની અપીલ નંબર 489 આગળ ચલાવવાનો તેનો ઇરાદો નથી.
અદાલતે 3 નવેમ્બર, 1958ના રોજ અપીલ પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. તેના થોડા દિવસ પહેલાં જ પાકિસ્તાનના લશ્કરી શાસક અયૂબ ખાનના મંત્રીમંડળમાં ભુટ્ટોની વાણિજ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
પાકિસ્તાનમાં વળતર માટેનો દાવો
નૂરાનીના જણાવ્યા અનુસાર, તેનાં બે વર્ષ પહેલાં, 1956માં ભુટ્ટોએ પાકિસ્તાનમાં દાવા નોંધણી અધિનિયમ, 1955 હેઠળ વળતર મેળવવા માટે કેસ દાખલ કર્યો હતો.
પાકિસ્તાનમાં દાખલ કરેલા કેસમાં ભુટ્ટોએ બૉમ્બેની ઍસ્ટોરિયા હોટલની કિંમત 12 લાખ રૂપિયા અને પોતાના ઘરની કિંમત 1,40,000 રૂપિયા જણાવી હતી.
જોકે, દાવા અધિકારીએ હોટલ માટે 3,93,952 રૂપિયાના દાવાને મંજૂરી આપી હતી. બીજી મિલકત અંગે તેમણે આદેશ આપ્યો હતો કે ભુટ્ટો 1,40,000 રૂપિયાના વળતર માટે હકદાર હતા.
ભુટ્ટોએ ડેપ્યુટી ક્લેમ્સ કમિશનર સમક્ષ અપીલ કરી હતી. આ અપીલ બાદ 6 ઑક્ટોબર, 1956ના રોજ હોટલની કિંમત વધારીને 9,97,991 રૂપિયા કરવામાં આવી હતી.
કમિશનરે સરકારી સૂત્રના આધારે મિલકતનું મૂડીગત મૂલ્ય 44,30,400 રૂપિયા નક્કી કર્યું હતું.
નૂરાની લખે છે કે, આ અંગેનો અંતિમ આદેશ 18 સપ્ટેમ્બર, 1957ના રોજ આપવામાં આવ્યો હતો. એટલે કે ભુટ્ટોએ ભારતની સર્વોચ્ચ અદાલતમાં અપીલ દાખલ કર્યાના બરાબર એક અઠવાડિયા પછી.
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ભુટ્ટો જે મિલકત પર ભારતીય નાગરિક તરીકે પોતાના અધિકારનો દાવો કરી રહ્યા હતા, એ જ મિલકત માટે તેઓ પાકિસ્તાનમાં પાકિસ્તાની નાગરિક તરીકે વળતરની માગણી કરી રહ્યા હતા.
પાકિસ્તાનની સંસદમાં નાગરિકત્વ અંગે સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
અયૂબ ખાનના મંત્રીમંડળમાંથી ભુટ્ટો અલગ થયા તેના એક વર્ષ પછી, એટલે કે 1967માં, તેમનું નાગરિકત્વ પાકિસ્તાનની સંસદમાં ચર્ચાનો વિષય બન્યું હતું.
અયૂબ ખાને 3 માર્ચની પોતાની ડાયરીમાં લખ્યું હતું, "ભારતમાંથી કેટલાક દસ્તાવેજો મારા હાથમાં આવ્યા છે. તેનાથી જણાય છે કે શ્રી ભુટ્ટો 1958 સુધી પોતાને ભારતીય નાગરિક જાહેર કરતા રહ્યા હતા અને કહેતા હતા કે તેઓ કરાચીમાં માત્ર કામચલાઉ ધોરણે રહેતા હતા. મેં આ દસ્તાવેજોની સત્યતા ચકાસવા કહ્યું છે. આના પરથી જણાય છે કે આ વ્યક્તિ સિદ્ધાંતહીન અને બેઇમાન છે."
અયૂબ ખાનની 30 જૂન 1967ની ડાયરીમાં નોંધવામાં આવ્યું છે, "નૅશનલ ઍસેમ્બલીમાં એક મુશ્કેલ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. 1958માં મંત્રી બન્યા ત્યાં સુધી ભુટ્ટો ભારતીય અદાલતોમાં જાહેર કરતા રહ્યા હતા કે તેઓ કરાચીમાં રહેતા ભારતીય નાગરિક છે. તેમનાં માતાપિતા ભારતમાં જે મિલકત છોડી ગયાં હતાં, તેનું વળતર મેળવવા તેઓ આ દાવો કરી રહ્યા હતા. હકીકતમાં, તેઓ લગભગ 1,50,000 રૂપિયા માટે પોતાનો અંતરાત્મા વેચી રહ્યા હતા. આ વાતની જાણ અમને તાજેતરમાં થઈ, જ્યારે ભારતીય સંસદમાં આ મુદ્દે ચર્ચા થઈ અને ભારતીય અખબારોમાં તેના અહેવાલો પ્રકાશિત થયા."
અંગ્રેજી અખબાર 'ડૉન'ના એક અહેવાલ અનુસાર, "1958માં મંત્રી બન્યા ત્યાં સુધી ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના નાગરિકત્વનો મુદ્દો આજે, 30 જૂને, પ્રશ્નકાળ દરમિયાન નૅશનલ ઍસેમ્બલીમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સત્તાધારી પક્ષના સભ્ય હબીબ-ઉર-રહેમાન ભંડારીએ ટૂંકી નોટિસ આપીને આ મુદ્દો ઉઠાવ્યો હતો."
"વિપક્ષના સભ્યોના પૂરક સવાલોના જવાબ આપતાં માહિતી મંત્રી ખ્વાજા શહાબુદ્દીને કહ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ દસ્તાવેજો પરથી જણાય છે કે, 1958 સુધી ભુટ્ટોએ પાકિસ્તાનમાં પોતાને પાકિસ્તાની નાગરિક અને ભારતમાં ભારતીય નાગરિક જાહેર કર્યા હતા. વિપક્ષના કેટલાક સભ્યોએ વારંવાર ઊંચા અવાજે કહ્યું હતું કે આ તબક્કે આ મુદ્દો ઉઠાવવા પાછળ દુર્ભાવનાપૂર્ણ ઇરાદો હતો."
"ભંડારીએ વિદેશ મંત્રાલયના સંસદીય સચિવને પૂછ્યું હતું કે, શું તેમને ભૂતપૂર્વ વિદેશમંત્રી ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના ભારતીય નાગરિકત્વ અંગે કોઈ ભારતીય મંત્રીએ આપેલા નિવેદનની જાણ છે. સંસદીય સચિવ અબ્દુલ અવ્વલ ભુઇયાએ હકારમાં જવાબ આપ્યો હતો."
તેમણે ગૃહમાં લેખિત નિવેદન વાંચી સંભળાવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું, "19 નવેમ્બર, 1965ના રોજ રાજ્યસભામાં અપીલ અંગેના પ્રસ્તાવના જવાબમાં ભારતના તત્કાલીન શરણાર્થી પુનર્વસન મંત્રી શ્રી ત્યાગીએ કહ્યું હતું કે ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ દાવો કર્યો હતો કે તેઓ ભારતીય નાગરિક છે અને હંમેશાં ભારતીય નાગરિક રહ્યા છે."
"ત્યાગીએ એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનના વાણિજ્યમંત્રી બન્યા પછી, 1958માં જ ભુટ્ટોએ પાકિસ્તાનમાં કાયમી વસવાટ કરવાનો આખરી નિર્ણય લીધો હતો. ત્યાર બાદ તેમણે ભારતીય સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને કસ્ટોડિયનના નિર્ણય સામેની પોતાની અપીલ પાછી ખેંચવાની માગણી કરી હતી."
ભુટ્ટોએ આક્ષેપોના જવાબમાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સલમાન તાસીરે પોતાના પુસ્તક 'ભુટ્ટો: અ પોલિટિકલ બાયૉગ્રાફી'માં લખ્યું છે કે 1965માં ભારતના શરણાર્થી પુનર્વસન મંત્રીએ આક્ષેપો કર્યા ત્યારે પાકિસ્તાન સરકારે તેનો સંપૂર્ણપણે ઇન્કાર કર્યો હતો.
સલમાન તાસીર લખે છે, "આ આક્ષેપ બૉમ્બેમાં શાહનવાઝ ભુટ્ટોના એક મકાનના વેચાણને કારણે થયો હતો. એ મકાન તેમના પુત્ર ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના નામે હતું. ભુટ્ટો એ વખતે સગીર હોવાથી મકાનના વેચાણમાંથી મળેલી રકમ તેમના વતી અદાલતમાં જમા કરવામાં આવી હતી. ભારતના ભાગલા પછી ભુટ્ટો અમેરિકા જતા રહ્યા અને 6 જુલાઈ, 1949ના રોજ તેમને ઇવેક્યુઈ પ્રૉપર્ટી ઍક્ટ હેઠળ 'ઇવેક્યુઈ પ્રૉપર્ટી'ના માલિક જાહેર કરવામાં આવ્યા. એનો અર્થ એ હતો કે તેઓ પોતાની રકમ પાછી મેળવવા માટે માત્ર પાકિસ્તાનની અદાલતમાં જ અરજી કરી શકે તેમ હતા."
એ સમયના મોટા ભાગના લોકોની જેમ ભુટ્ટો પણ 'બ્રિટિશ ઇન્ડિયન' પાસપૉર્ટ પર અમેરિકા ગયા હતા. તેથી તેમણે દલીલ કરી હતી કે ભારતીય અદાલતને તેમને ઇવેક્યુઈ પ્રૉપર્ટીના માલિક જાહેર કરવાનો કોઈ અધિકાર નહોતો.
પોતાના પૈસા પાછા મેળવવા માટે તેમણે ઉતાવળમાં કરેલા કેટલાક પ્રયાસોને કારણે તેમણે એવાં નિવેદનો આપ્યાં, જેને કારણે પાછળથી તેમને શરમિંદા થવું પડ્યું.
સલમાન તાસીરના જણાવ્યા અનુસાર, એ જ સમયે ભુટ્ટો પાકિસ્તાનમાં કાનૂની કાર્યવાહી દ્વારા પોતાની જમા રકમ પાછી મેળવવાનો પ્રયાસ પણ કરી રહ્યા હતા અને પોતાને પાકિસ્તાની નાગરિક તરીકે રજૂ કરતા હતા.
સલમાન તાસીરે પોતાના પુસ્તકમાં લખ્યું છે, "ભુટ્ટોના આ વર્તનમાં કંઈ રહસ્યમય કે દુર્ભાવનાપૂર્ણ નહોતું. તેમણે વળતર મેળવવા અરજી કરી ત્યારે તેમની ઉંમર માત્ર 20 વર્ષની હતી. સરહદની બંને બાજુની મિલકતોના મુદ્દે પાકિસ્તાની અને ભારતીય નાગરિકો વચ્ચે આવી જટિલ કાનૂની ખેંચતાણ સામાન્ય હતી. જોકે, તેમણે આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડ્યું હતું. પોતાના બચાવમાં તેમણે કહ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર લાંબા સમયથી સિંધમાં રહેતાં હતાં. તેઓ ભારતીય પાસપૉર્ટ પર અમેરિકા ગયા હતા, પરંતુ જુલાઈ 1949માં તેમણે પાકિસ્તાની પાસપૉર્ટ મેળવી લીધો હતો."
30 નવેમ્બર, 1967ના રોજ ભુટ્ટોએ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સ્થાપના કરી.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સ્થાપક સભ્ય રફી રઝાએ પોતાના પુસ્તક 'ઝુલ્ફિકાર અલી ભુટ્ટો ઍન્ડ પાકિસ્તાન, 1967–1977'માં લખ્યું છે, "અયૂબ ખાનના માહિતી મંત્રીએ નૅશનલ ઍસેમ્બલીમાં એ આક્ષેપનું પુનરાવર્તન કર્યું હતું, જે 1965ના યુદ્ધ પછી ભારતીય સંસદમાં કરવામાં આવ્યો હતો. આક્ષેપ એવો હતો કે નવેમ્બર 1958માં કેન્દ્રના મંત્રી બન્યા પછી ભુટ્ટોએ ભારતીય નાગરિક તરીકેના પોતાના અધિકારના આધારે બૉમ્બેની મિલકત પર કરેલો દાવો પાછો ખેંચી લીધો હતો."
'ડૉન' અખબારે 2 જુલાઈ 1967ના રોજ પોતાના તંત્રીલેખમાં પણ આ આક્ષેપોનું પુનરાવર્તન કર્યું હતું.
રફી રઝા લખે છે, "તંત્રીલેખનું શીર્ષક હતું, 'અફસોસજનક ખુલાસા'. મંત્રીના આક્ષેપોને સંસદીય વિશેષાધિકાર હેઠળ કાનૂની રક્ષણ મળેલું હોવાથી, તેનો જવાબ આપવા માટે વિસ્તૃત નિવેદન બહાર પાડવાનો અને બદનક્ષીના આક્ષેપસર 'ડૉન'ને કાનૂની નોટિસ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મામલે ઘણા વકીલો જોડાવાનું ટાળતા રહ્યા. મેં અખબારને કાનૂની નોટિસ મોકલીને આક્ષેપો પાછા ખેંચવાની અને વળતર ચૂકવવાની માગણી કરી હતી."
રફી રઝા લખે છે, "અમે અદાલતમાં ન જવાનો નિર્ણય લીધો હતો, કારણ કે એમ કરવાથી અમારે બદનક્ષીનો લાંબો કાનૂની કેસ લડવો પડ્યો હોત."
ભારતની સંસદમાં ફરી ઊઠ્યો મુદ્દો
8 ઑગસ્ટ, 1967ના રોજ 'ધ હિંદુ'માં પ્રકાશિત અહેવાલ અનુસાર, ભારતના વિદેશમંત્રી એમસી ચાગલાએ 7 ઑગસ્ટના રોજ લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનો મામલો 'બેવડી વફાદારી' એટલે કે 'ડ્યુઅલ લૉયલ્ટી'નો હતો.
હેમ બરુઆના એક સવાલના જવાબમાં વિદેશમંત્રીએ કહ્યું હતું કે તેમને નહોતું લાગતું કે ભુટ્ટો ભારતમાં પાછા આવવા ઇચ્છશે. તેમને પૂછવામાં આવ્યું હતું કે જો 'ભટકી ગયેલો દીકરો' પાછો આવે તો શું સરકાર તેને ભારતીય નાગરિકત્વ આપવાનું વિચારે? તેના જવાબમાં વિદેશમંત્રીએ કહ્યું હતું કે ભુટ્ટો પાછા ફરે એ માત્ર કાલ્પનિક સંભાવના છે. જોકે, તેઓ પાછા ફરે તો નાગરિકત્વ અંગેનો દેશનો કાયદો તેમના મામલાનો નિર્ણય કરશે.
ચાગલાએ કહ્યું હતું કે, ભુટ્ટોનાં તાજેતરનાં ભાષણો પરથી જણાય છે કે, તેઓ ભૂતકાળની જેમ ભારત વિશે 'દુશ્મનાવટભરી અને ઝેરીલી' ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું, "જો ભુટ્ટો પોતાનું નાગરિકત્વ બદલવાનો નિર્ણય કરે, તો શું સરકાર તેમને બૉમ્બેની તેમની મિલકત પાછી આપવાનું વિચારશે?" સચિવે સ્પષ્ટ જવાબ આપ્યો હતો, "ના, સાહેબ!"
જ્યારે એક સંસદસભ્યે વડાં પ્રધાનને જવાબ આપવા કહ્યું, ત્યારે ઇન્દિરા ગાંધીએ પણ નકારમાં માથું હલાવ્યું હતું.
સ્ટેનલી વૉલપર્ટ લખે છે કે 1977માં લશ્કરી બળવા દ્વારા વડા પ્રધાન ભુટ્ટોની સરકાર ઉથલાવી દેવાયા પછી ઝિયા-ઉલ-હકની સરકારે પણ ભુટ્ટોની ધરપકડ બાદ પ્રકાશિત કરેલાં અનેક શ્વેતપત્રોમાં તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે, એક દાયકા પહેલાં અયૂબ ખાનની લશ્કરી સરકારે જે કર્યું હતું, તેનું પુનરાવર્તન થયું હતું.
એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે, અમેરિકા અને બ્રિટનમાં રહેતા હતા ત્યારે ભુટ્ટો પોતાને હંમેશાં ભારતીય નાગરિક ગણાવતા હતા. જોકે, આ દાવાઓ સ્પષ્ટપણે ખોટા હતા.
સ્ટેનલી વૉલપર્ટે પોતાના પુસ્તકમાં લખ્યું છે, "વતન પાછા ફર્યા પછી તેમણે પોતાના પિતાની બૉમ્બેની મિલકતનું યોગ્ય મૂલ્ય મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી, એ ખરું. પરંતુ અમેરિકામાં તેમનો મોટા ભાગનો સમય મિત્રો અને સામાજિક સંગઠનોને પાકિસ્તાન વિશે તથા નવી દુનિયામાં પાકિસ્તાનનું મહત્ત્વ સમજાવવામાં વીત્યો હતો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























