શૅરબજાર : આઈપીઓથી એકત્ર થતા હજારો કરોડ રૂપિયાનું કંપનીઓ શું કરે છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

રિલાયન્સ જિયો પ્લૅટફૉર્મ્સના 30,213 કરોડ રૂપિયાના આઈપીઓનું 28 ઑક્ટોબર, બુધવારે લિસ્ટિંગ થવાનું છે.

ભારતીય શૅરબજારમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ છે અને તેણે બજારમાં ઘણી ચર્ચા જગાવી છે.

આ દરમિયાન ઘણા રોકાણકારોના મનમાં એવો સવાલ થાય છે કે કંપનીઓ શૅરબજારમાં પબ્લિક ઇશ્યૂ લાવીને હજારો કરોડ રૂપિયા એકત્ર કર્યા પછી તે રોકાણનું શું કરે છે?

કંપની બજારમાંથી મૂડી એકઠી કરે તેમાં રોકાણકારોને શું ફાયદો થાય છે? શું આઈપીઓમાં રોકાણ કરવાથી તેમને ભવિષ્યમાં સારું વળતર મળી શકે છે?

IPOથી એકઠાં થતાં નાણાંનું કંપનીઓ શું કરે છે?

નવી કંપની શૅરબજારમાં લિસ્ટ થઈ રહી હોય કે પછી વર્ષો જૂની કંપની પોતાનો આઈપીઓ લાવતી હોય, તેની પાછળનાં કારણો અલગ-અલગ હોઈ શકે છે.

ઘણી કંપનીઓ ફ્રેશ શૅર ઇશ્યૂ કરે છે, જેથી આઈપીઓથી એકઠાં થનારાં તમામ નાણાં કંપની ખાતે જાય છે. રિલાયન્સ જિયો પ્લૅટફૉર્મ્સનો આઈપીઓ તેનું ઉદાહરણ છે.

આ નાણાંનો ઉપયોગ કંપનીઓ પોતાના બિઝનેસના વિસ્તરણ માટે અથવા વ્યાજનો બોજ ઘટાડવા માટે કરતી હોય છે. જિયોના આઈપીઓમાં પણ આવું જ છે.

સપ્ટેમ્બર 2026માં મણિપાલ હેલ્થે આઈપીઓમાંથી મળેલા નાણાંનો ઉપયોગ કરીને પોતાનું 5,310 કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યું હતું.

અમદાવાદસ્થિત શૅરબજારના વિશ્લેષક ગુંજન ચોક્સી જણાવે છે, "રિલાયન્સ જિયો પ્લૅટફૉર્મ્સના આઈપીઓમાં કંપની જે 30,213 કરોડ રૂપિયા એકત્ર કરશે તેમાંથી લગભગ 27,500 કરોડ રૂપિયાનો ઉપયોગ હાલનું દેવું ઉતારવા માટે કરશે. એટલે કે લગભગ 90 ટકા રકમ કંપનીનું દેવું ઘટાડવા માટે વપરાશે જેથી કરીને કંપનીનો વ્યાજનો બોજ ઓછો થાય અને કૅશ ફ્લો વધે."

તેઓ કહે છે કે "માર્કેટમાં મોટા આઈપીઓ આવે ત્યારે તેને પૉઝિટિવ અને નૅગેટિવ બંને રીતે જોઈ શકાય. મોટા આઈપીઓ ઓવરસબસ્ક્રાઇબ થાય ત્યારે રોકાણકારોને બજારમાં ભરોસો છે તેવું સાબિત થાય છે. બીજી તરફ આટલા મોટા ઇશ્યૂ આવે ત્યારે બજારમાંથી હજારો કરોડ રૂપિયા ખેંચાઈ જાય છે અને એક આઈપીઓમાં લાગી જાય છે. તેના કારણે શૅરબજારમાં લિક્વિડિટી ઘટી જાય છે. ઘણા લોકો મોટા આઈપીઓમાં મૂડી રોકવા માટે જૂના શૅર વેચતા હોય છે તેથી કેટલાક શૅરોના ભાવમાં ઘટાડો પણ થાય છે."

'ઑફર ફૉર સેલ' મારફત નાણાંનો ઉપયોગ

ઘણી વખત કંપનીના રોકાણકારો સારો એવો નફો લઈને નીકળી જવા માગતા હોય છે. તેમને બીજી કોઈ કંપનીમાં અથવા અન્ય બિઝનેસમાં નાણાં રોકવા હોય અને વર્તમાન કંપનીમાંથી ઍક્ઝિટ કરવી હોય ત્યારે તેઓ 'ઑફર ફૉર સેલ' અથવા 'ઓએફએસ' લાવે છે.

માર્કેટના વિશ્લેષક નિખિલ સોની જણાવે છે, "કંપનીના સ્થાપકો કે પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારો પોતાના અમુક અથવા બધા શૅર વેચી નાખે ત્યારે આઈપીઓમાંથી એકઠી થતી રકમ સીધી તેમના હાથમાં જાય છે. આ નાણાં કંપનીના ખાતામાં જતાં નથી. તેથી કંપની પોતાના દેવાનો બોજ ઉતારવા કે વિસ્તરણ માટે આ નાણાં વાપરી શકતી નથી."

ગુંજન ચોક્સી કહે છે કે "ઑફર ફૉર સેલને ઘણી વખત રોકાણકારો દ્વારા નકારાત્મક રીતે જોવામાં આવે છે. કારણ કે જ્યારે મૂળ રોકાણકારો કંપનીમાંથી પોતાનો હિસ્સો વેચીને નીકળી જવા માગતા હોય ત્યારે તે કંપની અથવા બિઝનેસનું ભવિષ્ય કેવું હશે તેવો સવાલ તેમના મનમાં થાય છે."

IPOના નાણાં ક્યાં વપરાશે તે રોકાણકારને કેવી રીતે ખબર પડે?

કંપનીઓ નવા શૅર બહાર પાડે અથવા 'ઑફર ફૉર સેલ' લાવે ત્યારે નાણાંનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે તેની જાણકારી રોકાણકારોને પહેલેથી આપવામાં આવે છે.

સોની કહે છે કે "કંપની જ્યારે આઈપીઓ માટે શૅરબજારની નિયમનકાર સેબી સમક્ષ ડીઆરએચપી (ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ) રજૂ કરે ત્યારે તેમાં આઈપીઓનો હેતુ સ્પષ્ટ કરવાનો હોય છે."

તેઓ કહે છે કે "ભારતમાં તાજેતરમાં આવેલા લગભગ 60 ટકા આઈપીઓ 'ઑફર ફૉર સેલ' હતા, જેમાં સ્થાપકો અથવા ઇક્વિટી રોકાણકારોએ પોતાનો હિસ્સો વેચ્યો હતો."

અગાઉનો ડેટા દર્શાવે છે કે 2024માં હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાનો રૂ. 27,859 કરોડ રૂપિયાનો આઈપીઓ આવ્યો હતો તે સંપૂર્ણપણે 'ઑફર ફૉર સેલ' હતો અને દક્ષિણ કોરિયાસ્થિત પૅરન્ટ કંપનીએ પોતાના શૅર વેચી નાખ્યા હતા.

કેન્દ્ર સરકાર જ્યારે પબ્લિક સેક્ટરની કંપનીઓમાં પોતાનો હિસ્સો ઘટાડીને મૂડી એકત્ર કરે ત્યારે તેને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. આના માટે 'ઑફર ફૉર સેલ'નો માર્ગ અપનાવાય છે.

અગાઉ મે 2022માં ભારતની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસીનો 20,557 કરોડ રૂપિયાનો આઈપીઓ આવ્યો હતો, તે પણ 'ઑફર ફૉર સેલ' હતી, જેમાં ભારત સરકારે પોતાનો પાંચ ટકા હિસ્સો વેચી નાખ્યો હતો.

ભારતના મોટા ઐતિહાસિક આઈપીઓ પૈકી એક કૉલ ઇન્ડિયા લિમિટેડના 2010ના ઇશ્યૂ વખતે કેન્દ્ર સરકારે પોતાનો હિસ્સો ઘટાડીને 15,200 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

કંપની જ્યારે ઑફર ફૉર સેલ (ઓએફએસ) લાવે ત્યારે નાના રોકાણકારો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને ક્વૉલિફાઇડ સંસ્થાકીય રોકાણકારોને શૅર વેચવામાં આવે છે.

અલગ અલગ ઇશ્યૂનાં ઉદાહરણો

જિયો પ્લૅટફૉર્મ્સનો આઈપીઓ એ ફ્રેશ ઇશ્યૂ છે, તેવી જ રીતે ભૂતકાળમાં પણ ઘણા ફ્રેશ ઇશ્યૂ આવ્યા છે. જેમ કે વર્ષ 2021માં પેટીએમનો આઇપીઓ આવ્યો હતો તે 100 ટકા ફ્રેશ ઇશ્યૂ હતો અને બધી રકમ કંપનીના હાથમાં ગઈ હતી.

વન97 કૉમ્યુનિકેશન્સ (પેટીએમ)ના આઈપીઓનું કદ લગભગ 18,300 કરોડ રૂપિયાનું હતું. કંપનીએ પોતાના ગ્રોથ અને ટૅક્નૉલૉજી વિકસાવવાના હેતુથી શૅર વેચ્યા હતા.

ચાલુ વર્ષમાં નૅશનલ સ્ટોક ઍક્સ્ચેન્જ (એનએસઈ)નો આઈપીઓ પણ આવ્યો હતો, જેના દ્વારા કંપનીએ 22,569 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા અને સાઇઝની દૃષ્ટિએ તે હ્યુન્ડાઇના આઇપીઓ પછી બીજા ક્રમે હતો. એનએસઈનો આઈપીઓ એક 'ઑફર ફૉર સેલ' હતો.

ભારતમાં અન્ય મોટા આઈપીઓમાં ટાટા કૅપિટલનો 2025માં આવેલો ઇશ્યૂ સામેલ છે, જેનું કદ 15,512 કરોડ રૂપિયાનું હતું. આ આઈપીઓ ફ્રેશ શૅર અને ઓએફએસનું મિશ્રણ હતું.

તેમાં લગભગ 6,850 કરોડ રૂપિયાના ફ્રેશ શૅર ઇશ્યૂ કરાયા હતા જ્યારે લગભગ 8,666 કરોડ રૂપિયાની ઑફર ફૉર સેલ હતી. તેમાં કંપનીના પ્રમોટર ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડે 23 કરોડ શૅર અને ઇન્ટરનૅશનલ ફાઇનાન્સ કૉર્પોરેશન (આઇએફસી)એ 3.58 કરોડ શૅર વેચ્યા હતા.

આઈપીઓમાં મૂડી રોકાય કે સેકન્ડરી માર્કેટમાં?

રોકાણકારો જ્યારે આઈપીઓને સબસ્ક્રાઈબ કરીને શૅર મેળવે ત્યારે તેને પ્રાઇમરી માર્કેટમાં રોકાણ કર્યું ગણાય. પરંતુ જ્યારે સ્ટૉક ઍક્સ્ચેન્જ પર લિસ્ટેડ કંપનીના શૅર ખરીદે ત્યારે તેને સેકન્ડરી માર્કેટમાં રોકાણ કર્યું કહેવાય.

ઘણા રોકાણકારોના મનમાં સવાલ હોય છે કે આઈપીઓમાં રોકાણ કરવાથી વધુ ફાયદો થાય કે પછી સેકન્ડરી માર્કેટમાં સોદા કરવાથી.

નિખિલ સોની કહે છે કે "આઈપીઓ કે સેકન્ડરી માર્કેટમાંથી કોણ વધુ ફાયદાકારક છે તે જાણવાની કોઈ રીત નથી. ઘણી વખત બહુ ચર્ચા જગાવનાર આઈપીઓમાં શૅર લાગ્યા પછી શૅરના ભાવ તૂટી શકે અને નુકસાન સહન કરવું પડે તેવું બની શકે. કેટલીક વખત એવું પણ બને કે શૅરનું સ્ટૉક માર્કેટમાં લિસ્ટિંગ થાય ત્યારે ભાવ ઊંચો હોય, પરંતુ થોડા જ સમયમાં શૅરનો ભાવ લિસ્ટિંગ પ્રાઇસ કરતાં નીચો જતો રહે અને ક્યારેય ઉપર ન આવે."

"હા, કંપનીનો બિઝનેસ અને મૂડી પ્રવાહ મજબૂત હોય અને આઈપીઓમાં શૅર લાગ્યા ન હોય તો સેકન્ડરી માર્કેટમાંથી ઊંચા ભાવે શૅર ખરીદી શકાય છે. કેટલીક વખત આઈપીઓ વખતે કંપની બહુ હાઇપ ઊભો કરતી હોય છે અને પછી લિસ્ટિંગ બાદ જુવાળ ઓસરી જતા શૅરના ભાવ ઘટી જાય તેવું બની શકે. તેથી આઈપીઓ કે સેકન્ડરી માર્કેટમાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ છે તે નક્કી કરી શકાય નહીં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન