અનામત હટાવો આંદોલન : શું આ મુદ્દો ભાજપ માટે મોટો પડકાર બની રહ્યો છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

તાજેતરમાં દિલ્હીમાં જંતરમંતર પર કૉક્રોચ જનતા પાર્ટીનાં વિરોધપ્રદર્શનોમાં જ્યાં એક તરફ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની ચર્ચાની સાથે જ 'જય ભીમ'ના નારા ગુંજતા હતા, ત્યાં બીજી તરફ આ આંદોલનના આ અમુક દિવસ બાદ જ એ જ જંતરમંતર પર અનામત વિરુદ્ધ વિરોધપ્રદર્શનો થયાં.

'અનામત હટાવો આંદોલન'ના બૅનર હેઠળ થઈ રહેલાં આ પ્રદર્શનોથી અનામતની ચર્ચા ફરી એક વાર રાજકારણના કેન્દ્રમાં આવી ગઈ છે.

પરંતુ ભાજપ આ માત્ર અનામતની નીતિ પરની ચર્ચામાત્ર જ નથી, આ તેની સામે ઊભો થયેલો એક મોટો રાજકીય પડકાર પણ છે.

એકતરફ જનરલ કૅટેગરીના એ વર્ગની નારાજગી છે, જે ઘણા સમયથી પાર્ટીના સમર્થન માટેનો મૂળ આધાર રહ્યો છે. બીજી તરફ અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સમુદાય છે, જેમાં ભાજપે ગત એકાદ દાયકામાં પોતાનો સામાજિક આધાર વધુ વિસ્તાર્યો છે.

આ દરમિયાન ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી હવે અમુક મહિના દૂર જ રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ પણ છે કે ભાજપ અનામત અંગે ઊઠેલી નવી માગોનો કેવી રીતે જવાબ આપશે, એ પણ પોતાના એક સમર્થક સમૂહને અન્યથી દૂર કર્યા વિના.

આ ભાજપ માટે એક અસલી રાજકીય દુવિધા છે.

રાજકીય સંતુલનનું સંકટ

શું ભાજપ અનામત ન મળતું હોય તેવી જાતિઓની ચિંતાઓને સંબોધિત કરતાં ઓબીસી, એસસી અને એસટી સમુદાયો વચ્ચે પોતાનું સમર્થન જાળવી રાખી શકશે? કે અનામતની ચર્ચા ફરી એક તેના માટે એ જ મુશ્કેલ રાજકીય સંતુલન પેદા કરશે, જેમાં એક સમર્થન સમૂહને આશ્વસ્ત કરવાનો પ્રયાસ બીજા સમૂહમાં અસુરક્ષાની ભાવના પેદા કરી શકે છે.

'ધ લૅન્સ'માં કલેક્ટિવ ન્યૂઝરૂમના ડાયરેક્ટર ઑફ જર્નાલિઝ્મ મુકેશ શર્માએ આ અંગે ત્રણ વિષયોના નિષ્ણાત સાથે ચર્ચા કરી. આ વિષયના રાજકીય પાસા પર 'અમર ઉજાલા' સાથે સંકળાયેલા વરિષ્ઠ પત્રકાર હિમાંશુ મિશ્રા સાથે વાત કરી.

દલિતના સંદર્ભમાં શરૂ થયેલી સામાજિક ચર્ચા અંગે દલિત વિષયો પર સતત લખતાં કૉલમિસ્ટ અને આંબેડકર ઇન્ટરનૅશનલ સેન્ટરમાં ઍસોસિયેટ પ્રોફેસર અદિતિ નારાયણી પાસવાન સાથે વાત કરી.

તેમજ અનામત દૂર કરવાના તાજેતરના અભિયાનની સામાજિક અસર પર ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસના કુલપતિ પ્રોફેસર બદ્રીનારાયણ સાથે વાત કરી.

આંદોલન ભાજપ વિરુદ્ધ છે કે અનામત વિરુદ્ધ?

જે રીતે ભાજપે ધીરે ધીરે જાતિઓનો એક બુકે કે ગુલદસ્તો બનાવીને પોતાનો આધાર વધાર્યો છે, તાજેતરનું આ આંદોલન શું પાર્ટી વિરુદ્ધ છે કે માત્ર એક અનામત વિરુદ્ધનું આંદોલન છે?

આ પ્રશ્નના જવાબમાં હિમાંશુ મિશ્રા કહે છે કે ભાજપે જાતિઓનો એક બુકે તૈયાર કર્યો અને આ ક્રમ 2014માં 'મોદી યુગ' સાથે શરૂ થયો. એ પહેલાં ભાજપને લોકસભામાં 22%ની આસપાસ મત મળતા હતા.... તેનું પ્રમાણ હવે વધીને 37% થઈ ગયું છે, ભાજપ પોતાના મૂળ મતદાર, ઊંચી જાતિઓથી આગળ વધ્યો છે.

"ભાજપની મૂળ વોટ બૅન્ક, સવર્ણો, ને લાગે છે કે ભાજપ તેમનો હિતરક્ષક રહ્યો છે. પરંતુ ભાજપે જાતિઓનો બુકે બનાવી લીધો, તેથી તેમને લાગ્યું કે ભાજપ તેમનાથી પીછો છોડાવી રહ્યો છે, તેથી તેને પાઠ ભણાવવો જોઈએ."

તેઓ જણાવે છે કે 'મોદી યુગ' શરૂ થયા બાદથી, આ અનામતવિરોધી આંદોલનથી પહેલી વાર લાગી રહ્યું છે કે ભાજપની મૂળ વોટ બૅન્કમાં હલચલ છે અને પાર્ટીને એ વાત નથી સમજાઈ રહી કે તે આ મામલામાં શું કરે.

તેમની (અનામતવિરોધી આંદોલનના પ્રતિનિધિઓની) જેપી નડ્ડા સાથે મુલાકાત થઈ છે, પરંતુ તકલીફ એ છે કે ભાજપ તેમની આ માગનું સમર્થન ન કરી શકે કે અનામત મેરિટના આધારે જ હોય, કારણ કે જો ભાજપ આવું કરે તો એ ઓબીસીની વોટ બૅન્કની કિંમતે આવું કરશે.

'ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે'

આ તો પાર્ટીના પક્ષથી વાત થઈ. હવે જે લોકો આંદોલનકારી કે સવર્ણ છે, તેમના પક્ષથી વાત જોઈએ... જો ભાજપ નહીં તો કોણ? આખરે તેમણે પણ ક્યાંક ને ક્યાંક પોતાનાં રાજકીય નેતૃત્વો જોવાં પડશે. તો આ આંદોલન દ્વારા કોઈ નવા નેતૃત્વની સંભાવના દેખાય છે કે એ ઉદાસીનતાનો સંકેત છે?

મોટા ભાગે ઉદાસીનતાની જ સ્થિતિ છે. દેશમાં સૌથી વધુ યુવાનોની વસ્તી છે. પરંતુ એ હિસાબે રોજગારી નથી.

હવે સારી ગુણવત્તાના શિક્ષણનો પ્રશ્ન ઊઠી રહ્યો છે, રોજગારનો મુદ્દો ઊઠી રહ્યો છે, પરંતુ વિપક્ષમાં એવો કોઈ નેતા નથી દેખાઈ રહ્યો, જે તેને પકડી લે.

સીજેપી આંદોલનમાં પણ કોઈ યુવાનમાં વિપક્ષના કોઈ નેતા પ્રત્યે કોઈ આકર્ષણ નહોતું દેખાયું. ઘણા યુવાનોનું કહેવું હતું કે એક વર્ગે આ વ્યવસ્થામાં પોતાના માટે જે ઇન્ડિયા બનાવ્યું છે, તેમાં ભારત માટે જગ્યા નથી.

અને કારણ કે ભલે સીજેપી હોય કે અનામતવિરોધી આંદોલન એ આભાસી માધ્યમોથી ઊભાં થયાં છે, તેમનો કોઈ ચહેરો નથી. તેથી આ અસમંજસની સ્થિતિ જળવાઈ રહેશે.

આગામી વર્ષની શરૂઆતમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવવા દો, ત્યારે ખબર પડશે કે સોશિયલ મીડિયા દ્વારા જે સ્વયંભૂ આંદોલન આવ્યું છે કે તેનાથી ઊપજેલા રાજકારણનું ઊંટ છે, એ કયા પડખે બેસશે?

આર્થિક આધાર પર અનામત ન હટાવી શકીએ: અદિતિ પાસવાન

જો કહેવાતા સામાન્ય વર્ગનો કોઈ યુવાન એવું કહેતો હતો કે હું ગરીબ પરિવારમાં પેદા થયો અને હું આ અનામત વ્યવસ્થાનો અસરગ્રસ્ત છું... તમે આ યુવાનને કેવી રીતે સમજાવશો?

આ સવાલના જવાબમાં અદિતિ નારાયણી પાસવાન કહે છે કે કેટલાક લોકો માને છે કે દલિત સમાજના જે લોકો સંપન્ન થઈ ગયા છે, તેમને હવે અનામત ન મળવી જોઈએ. તો પહેલાં એ સમજવાની જરૂર છે કે સંપન્નનો અર્થ શો છે? તમારે પહેલાં એ માપદંડની વ્યાખ્યા કરવાની જરૂર છે.

તેઓ કહે છે કે એસસી-એસટીને અનામત આર્થિક આધારે નહોતી મળી. જો તમારે તેને હટાવવાની વાત કરશો તો આર્થિક આધારે એ નહીં થાય. તમારે આર્થિક પાસાની આગળ વધવું પડશે... સમાજમાં તેમની શું રૂપરેખા છે, તેમની ડિગ્નિટી, અને તેમના પ્રતિનિધિત્વ, તેમના ન્યાય વિશે વાત કરવી પડશે. ઘણી બધી એવી વસ્તુઓ છે, ઘણા બધા એવા માપદંડો છે, જેના વિશે વાત કરવાની જરૂર છે.

અનામતથી 'સવર્ણો' પર અસરની વાત અંગે તેઓ જવાબ આપતાં કહે છે, "જો તમે ગરીબ વર્ગમાંથી આવતા હો તો સરકારે ઇડબ્લ્યુ કૅટેગરી તમારા માટે બનાવી છે. તમે એ કૅટેગરીમાં સ્પર્ધા કરશો, તમે અમારી કૅટેગરીમાં છો જ નહીં. આપણે બધા પોતપોતાની કૅટેગરીમાં લડી રહ્યા છીએ."

આજે તમે કોઈ યુવાન સાથે વાત કરો અને કહો કે એક દલિત આઇએએસ ઑફિસર છે... શું તમારા માતાપિતા તેની સાથે લગ્ન કરાવવા રાજી થશે?

તમને તેમનો જવાબ મળી જશે.

સવાલ ઊઠે છે કે જાતિઓની અંદર પણ કેટલીક ઉપજાતિઓ છે, જે સંપન્ન હોઈ શકે છે... આનો સામનો કેવી રીતે કરાશે?

આના જવાબમાં અદિતિ કહે છે કે તેની સમીક્ષા કરવાની જરૂર છે. તેઓ કહે છે, "હાલ, બિહારમાં જ અનુસૂચિત જાતિમાં 25થી 27 ઉપજાતિઓ છે. એ પૈકી એવી ઘણી બધી એવી જાતિઓ છે - મુસહર, ભુઇયાં કે પાસવાન... જેનું રાજકીય પ્રતિનિધિત્વ ઘણું છે અને બીજા સમાજનું નથી."

"તમે આના પર એક અભ્યાસ કરો, શ્વેતપત્ર તૈયાર કરો... પછી જોવું જોઈએ કે કઈ હદ સુધી અને કેટલા માપદંડો પર સમાજનું સશક્તીકરણ થયું છે અને ક્યાં તેઓ આજેય પછાત છે."

"તમને લાગે છે કે આ દેશમાં જેટલાં કેન્દ્રીય વિદ્યાલય છે, તેમાં કુલપતિ આ સમાજથી આવવા લાગ્યા છે? ન્યૂઝરૂમમાં બેઠેલા લોકો આ સમાજમાંથી આવવા લાગ્યા છે? લોકોને એ વાતની તકલીફ છે કે અમે લોકો લાભાર્થી છીએ, પરંતુ વાત એ છે કે એક દલિત તરીકે અમે લોકો માત્ર લાભાર્થી નથી રહેવા માગતા, અમે પણ નિર્ણાયક સંસ્થાઓનો ભાગ બનવા માગીએ છીએ."

'સમભાવ નહીં, સમતા જોઈએ'

કહેવાઈ રહ્યું છે કે આ વર્ષની શરૂઆતમાં યુજીસી સાથે સંકળાયેલી જે જોગવાઈઓ આવી હતી, ત્યાંથી એક નારાજગી પેદા થઈ અને અનામતવિરોધી આંદોલન શરૂ થયું. શું સવર્ણોની ચિંતા વાજબી છે?

અદિતિ સીધેસીધો જવાબ આપે છે - બિલકુલ નહીં.

તેઓ કહે છે કે ઘણી વાર એવું થાય છે કે દલિત સમાજના વિદ્યાર્થીઓના પીએચ. ડી. સબમિશનને આઠ-આઠ વર્ષ સુધી રોકવામાં આવે છે. આટલા સમયમાં તેમની માનસિક સ્થિતિ પર અસર પડવા લાગે છે. જ્યારે તેઓ પોતાની પીએચ. ડી. પૂરી નથી કરી શકતા, તો તેમની નોકરી મેળવવાની શક્યતા પર અસર પડે છે.

"તમે જોશો કે અમારા સમાજના લોકોને હંમેશાં ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ મળે છે. એવું કેમ થાય છે? શું ઇંગ્લિશ બોલવામાં કમી છે? કઈ વાતમાં કમી છે? તમે એ નહીં જણાવો કે અમારે શું કામ કરવાની જરૂર છે? જો અમારે સુધારો લાવવાની જરૂર છે, તો ક્યાં સુધારો લાવીએ?"

યુજીસી નૉટિફિકેશન અંગે તેઓ કહે છે કે યુજીસીનું જે નૉટિફિકેશન આવ્યું હતું તેમાં કહેવાયું હતું કે એક એવું સેલ બનાવાશે, જેમાં જો કોઈ પણ જાતિના આધારે ભેદભાવનો અનુભવ કરે, તો આવીને વાત કરી શકે છે.

"દરેક બાબતમાં સુધારાનું એક તંત્ર (રિડ્રેસલ મિકૅનિઝ્મ) બનેલું છે અને જે યુજીસીના નૉટિફિકેશનમાં સ્પષ્ટ કરાયું હતું કે આવા મામલામાં એક સમિતિ બનશે. એ સમિતિમાં એ કૉલેજના પ્રિન્સિપાલ હશે, એ કૉલેજના એસસી-એસટી પ્રતિનિધિ હશે, એ કૉલેજની ગવર્નિંગ બૉડી બેસશે."

"આ બધા પ્રતિનિધિ હશે, તેનો અર્થ એ છે કે બધા સમાજના લોકો ત્યાં બેસશે અને આવા મામલા સાંભળવામાં આવશે. તો કોઈ પણ ફેક કેસમાં તમને ન ફસાવી શકે."

'લોકશાહીએ જાતિને કેમ નબળી પાડી'

તમે જાતિ અંગે ઘણું અધ્યયન કર્યું છે. તેમનું એક જૂથ તરીકે સાથે આવવું, તેમની એકતા અંગે. અનામત હટાવો આંદોલન તરીકે જે કંઈ થઈ રહ્યું છે, શું કોઈ નવું મોબિલાઇઝેશન જોવા મળી રહ્યું છે?

આ સવાલ અંગે પ્રોફેસર બદ્રી નારાયણ કહે છે કે સામાજિક શ્રેણીઓની જે સમજ હતી, પાયાના સ્તરે તેમાં ઘણું પરિવર્તન આવ્યું છે.

"પહેલાં જમીન ધરાવતા વર્ગમાં સવર્ણ વર્ગ આવતો હતો, પરંતુ જો તમે પાછલાં 20-30 વર્ષોના ભૂમિ રેકૉર્ડ જોશો તો તેમાં ઓબીસીના ઘણા સમાજ સશક્ત થયેલા દેખાશે, ભૂમિનું હસ્તાંતરણ થયું છે, તેમના હાથમાં જમીન આવી છે."

"બીજું પરિવર્તન એ આવ્યું છે કે જાતિપણામાં તમને એક પ્રકારની કમી જોવા મળશે. કારણ કે આધુનિકપણું આવ્યું છે. તેમાં ઘણું પરિવર્તન લાવ્યું છે. લોકશાહીએ જાતિને એક તરફથી કમજોર કરી છે, પરંતુ ચૂંટણીલક્ષી લોકશાહીએ જાતિને મજબૂત પણ કરી છે. આ વાત ખુદમાં એક મોટો વિરોધાભાસ છે."

હાલ, આપણે જે પ્રકારની જાગૃતિ જોઈ રહ્યા છીએ, એ સામાજિક છે કે રાજકીય ઓળખનો વિકાસ?

બદ્રી નારાયણ કહે છે કે જાતિ પોતાના દૈનિક જીવનમાં કમજોર પડી છે. અસ્પૃશ્યતાના સ્તરે જોઈએ, તો એ કેટલી ઘટી છે. હવે કદાચ જ આવા વાસ્તવિક મામલા તમને જોવા મળશે. સાથે ભોજન લેવાનું શરૂ થયું છે. આંતરજ્ઞાતીય લગ્નો પણ થયાં છે.

"આપણો જે નવો વર્ગ પેદા થયો છે, જેને આપણે જેન-ઝી કહીએ છીએ, એ ઘણી બધી બાબતોને નથી માનતો, રોજિંદા જીવનમાં મોટા ભાગે એ જ્યારે પોતાના મિત્રો સાથે હોય છે, તો જાતિ નથી હોતી. પરંતુ જ્યારે રાજકારણનો કોઈ મુદ્દો આવે છે, ધ્રુવીકરણનો કોઈ મુદ્દો આવે છે તો જાતિ સામે આવી જાય છે."

મેરિટ મોટો મામલો નથી

અનામત હટાવો આંદોલનમાં એક શબ્દ 'મેરિટ' વારંવાર આવે છે. મેરિટ આ સમગ્ર આંદોલન, આ સમગ્ર વ્યવસ્થાને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે?

પ્રોફેસર બદ્રી નારાયણ અનુસાર મેરિટ અત્યંત સાપેક્ષ શબ્દ છે. ક્યાંક મેરિટનો અમુક અર્થ હોય છે, બીજી જગ્યાએ મેરિટને અન્ય કોઈ રીતે લેવામાં આવે છે. મેરિટના જાતિ સાથે ઝાઝા લેવાદેવા નથી. મેરિટ તો અત્યંત વ્યક્તિગત ક્ષમતા પણ ખરી. મેરિટ આ પ્રકારના મુદ્દામાં કદાચ બહુ વધુ મોટો મામલો નથી.

"મુદ્દો અસમાનતા, વધતી અસમાનતા છે. અસમાનતાની નવી-નવી વિવેચનાઓનો, કારણ કે સમાજ એકધારો નથી રહેતો, બદલાતો રહે છે."

તેઓ કહે છે કે સરકારે હૉરિઝોન્ટલ અને વર્ટિકલ, બંને અસમાનતાનું સમાધાન કરવાના પ્રયાસ કર્યા છે. તેનાથી કદાચ આ પ્રકારનાં આંદોલનોના બહુ તાકતવર થઈ જવાની વાતમાં ઘટાડો થશે.

પરંતુ બીજી તરફ, સોશિયલ મીડિયા તેને અત્યંત નવી શક્તિ આપશે. તમે સારું કરી રહ્યા છો, તેનાથી વધુ તમારે સોશિયલ મીડિયા કે બીજાં માધ્યમોને બતાવવું પડશે કે તમે સારું કરી રહ્યા છો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન