You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરાનો ભાયલી ગૅંગરેપ કેસ શું હતો જેમાં પાંચને આજીવન કેદ ફટકારાઈ?
વડોદરાના બહુચર્ચિત ભાયલી ગૅંગરેપ કેસમાં આરોપીઓને દોષી ઠેરવ્યા પછી વડોદરાની સ્પેશિયલ પૉક્સો કોર્ટે આજે તેમને સજા ફટકારી છે.
પાંચેય આરોપીઓને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
કોર્ટે આપેલા ચુકાદા પ્રમાણે, ઉત્તર પ્રદેશના વતની અને વડોદરામાં શ્રમકાર્ય કરતા મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, મુન્ના બનજારા, શાહરૂખ બનજારા, સૈફઅલી બનજારા અને અજમલ બનજારાને કોર્ટે આ સજા ફટકારી છે.
સોમવારે વડોદરાની પૉક્સો કોર્ટના જજ સી. એમ. પવારે આ ચુકાદો સંભળાવ્યો હતો.
વડોદરાથી બીબીસી સહયોગી હાર્દિકે આ ચુકાદાની પુષ્ટિ કરી છે.
સામૂહિક બળાત્કારની ઘટનાના લગભગ 22 મહિના બાદ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે.
પીડિતાને 10 લાખની સહાય આપવાનું પણ કોર્ટે કહ્યું છે. તમામ આરોપીઓને પણ 50-50 હજારનો દંડ પ્રત્યેક આરોપી દીઠ થયો છે.
કોર્ટે આરોપીઓને દોષી ગણાવતાં શું કહ્યું હતું?
ગત 20 ઑગસ્ટે કોર્ટે આ પાંચેય આરોપીઓને દોષી ઠેરવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકાર દ્વારા નિમાયેલા સ્પેશિયલ સરકારી વકીલ નયન સુખડિયાએ કહ્યું હતું કે, "આ ગુનાની શરૂઆતમાં પાંચ પૈકી બે આરોપીઓએ યુવતીની છેડતી કરી હતી. એ પછી ત્રણ જણાએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. પછી પાંચેય જણા ભેગા થયા હતા. એ પુરાવા અમે કોર્ટને બતાવ્યા હતા."
તેમણે કહ્યું હતું કે, "ભોગ બનનારનો મોબાઇલ પણ લઈ લેવાયો હતો. દરેક પુરાવા અમે કોર્ટમાં કડી સ્વરૂપે રજૂ કર્યા હતા. કોર્ટે તેને સંતોષજનક માનીને પાંચેયને દોષી ઠેરવ્યા છે."
તેમણે એ પણ જણાવ્યું હતું કે આમાં 20 વર્ષથી લઈને આજીવન કેદ અથવા ફાંસીની સજાની પણ જોગવાઈ છે.
સરકાર દ્વારા નિમાયેલા અન્ય સ્પેશિયલ સરકારી વકીલ શૈલેષ પટેલે એ સમયે કહ્યું હતું કે, "વડોદરા શહેરમાં આ શરમજનક બનાવ બન્યો હતો. દુષ્કર્મનું કૃત્ય કરનારા લોકો અજાણ્યા હતા અને પોલીસ પાસે કોઈ તેની ખાસ માહિતી નહોતી. પરંતુ વડોદરા શહેર પોલીસે તેની તપાસ કરીને ચાર્જશીટ ફાઇલ કરી હતી. કુલ 15 દસ્તાવેજી પુરાવા અમે રજૂ કર્યા હતા અને એ તમામ પુરાવા માન્ય રાખીને કોર્ટે સામૂહિક બળાત્કાર અને અન્ય ગુના માટે ગુનેગાર ઠરાવ્યા હતા."
સરકારી વકીલે આજીવન સજાની માગ કરી હતી
ગત 20મી તારીખે વડોદરાની કોર્ટે આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને 25 ઑગસ્ટે તેમની સજા માટે દલીલો થઈ હતી.
તમામ દોષિતોને છેલ્લે ગત અઠવાડિયે વીડિયો કૉન્ફરન્સિંગથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
એ સમયે સરકારી વકીલ અનિલ દેસાઈએ કહ્યું હતું કે, "નવરાત્રિ દરમિયાન ભાયલી વિસ્તારમાં જે બાળકી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો તે તમામ આરોપીઓને નામદાર કોર્ટે દોષી જાહેર કર્યા છે."
તેમણે કહ્યું હતું કે, "સરકાર તરફથી અમે લોકો આ આરોપીઓને સામૂહિક બળાત્કાર, લૂંટની કલમો હેઠળ સખતમાં સખત સજા કરવામાં આવે તેવી અમે રજૂઆત કરી છે. તેમને જીવનના છેલ્લા શ્વાસ સુધીની મહત્તમ સજા કરવામાં આવે તેવી અમે રજૂઆત કરી છે."
"આ બળાત્કાર તેના મિત્રની હાજરીમાં કરવામાં આવ્યો હતો અને ત્યારપછી તેનો ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો અને નિસહાય થઈ ગઈ હતી. આથી અમે કોર્ટને વિનંતી કરી હતી કે તેમને મહત્તમ સજા કરી છે."
આરોપીઓના વકીલે પણ ગુનેગારોને ઓછામાં ઓછી સજા થાય તેવી રજૂઆત કરી હતી.
ભાયલીમાં શું બન્યું હતું?
પોલીસે આ મામલે આપેલી માહિતી અનુસાર, 16 વર્ષનાં સગીરા બીજા નોરતે મોડી રાત્રે પોતાના મિત્ર સાથે ભાયલી ગામના વિસ્તારમાં રસ્તા પર બેસીને વાતો કરતાં હતાં.
આ ઘટના 4 ઑક્ટોબર, 2024ના રોજ બની હતી.
પાંચેક શખ્સોએ ત્યાં આવીને તેમની સાથે 'અભદ્ર' ભાષામાં બોલાચાલી કરી હતી.
એ સમયે નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર સગીરા અને તેમના મિત્રએ પ્રતિકાર કરવામાં આવતા બે લોકો ત્યાંથી ભાગી ગયા હતા. તેના મિત્રને આ લોકોએ પકડી રાખ્યો હતો અને પછી તેમાંથી ત્રણ લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો.
એ સમયે પીડિતા સગીર હોવાથી ટ્રૉમામાં હતાં અને પોલીસનું કહેવું છે કે તેમની સાથે કાઉન્સેલિંગ કરીને પછી ફરિયાદ લેવાઈ હતી.
બીબીસી ગુજરાતીના સહયોગી હાર્દિકે આપેલી માહિતી અનુસાર, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ હાથ ધરીને ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.
કેસની સુનાવણી દરમિયાન 45થી વધુ સાક્ષીઓનાં નિવેદનો, ડીએનએ પ્રોફાઇલિંગ, એફએસએલ રિપોર્ટ તેમજ સીસીટીવી ફૂટેજ જેવા મહત્ત્વના ટેકનિકલ પુરાવા રજૂ કરાયા હતા.
આ બધા વચ્ચે અગાઉ આરોપી પક્ષના વકીલ રાજેશસિંહે આ વિશે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાસન