You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિવ્યા મિત્તલ : 'વિચાર્યું હતું કે કંઈક આપવા આવી છું પરંતુ...', UPનાં આ IAS અધિકારીએ રાજીનામું કેમ આપી દીધું?
ઉત્તર પ્રદેશ કૅડરની ભારતીય પ્રશાસનિક સેવા (આઈએએસ)નાં અધિકારી દિવ્યા મિત્તલે રાજીનામું આપી દીધું છે. તેઓ હાલમાં ઉત્તર પ્રદેશ સરકારના રેવન્યૂ વિભાગમાં વિશેષ સચિવના પદ પર નિયુક્ત છે.
દિવ્યા મિત્તલે પોતાના રાજીનામા વિશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક લાંબી પોસ્ટ લખી છે. જોકે, તેમણે રાજીનામું શા માટે આપ્યું, તેના વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી.
તેમની સોશિયલ મીડિયા પોસ્ટને ઘણા લોકોએ શૅર કરી છે અને આ મુદ્દે વિવિધ પ્રકારની ટિપ્પણીઓ સામે આવી રહી છે.
બીજી તરફ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર કોઈ ચોક્કસ ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારને એક મોટો મુદ્દો ગણાવ્યો છે.
વર્ષ 1983માં જન્મેલાં દિવ્યા મિત્તલે આઈઆઈટી દિલ્હીમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ આઈઆઈએમ બૅંગ્લુરુ મૅનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તેમણે અગાઉ લંડનમાં પણ કામ કર્યું છે.
તેઓ વર્ષ 2013 બેચનાં આઈએએસ અધિકારી છે. મસૂરીમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ તેમણે ઉત્તર પ્રદેશ સરકારમાં અનેક પદો પર પોતાની સેવાઓ આપી છે.
દિવ્યા મિત્તલે શું લખ્યું?
દિવ્યા મિત્તલે લખ્યું, "વિચાર્યું હતું કે કંઈક આપવા આવી છું. સત્ય એ છે કે સૌથી વધુ તો મેં જ મેળવ્યું."
મેરઠમાં જૉઇન્ટ મૅજિસ્ટ્રેટના પદ પરથી નોકરશાહી જીવનની શરૂઆત કરનાર દિવ્યા મિત્તલ પોતાના કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં ગોન્ડાનાં ચીફ ડેવલપમેન્ટ ઑફિસર પણ રહી ચૂક્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ સંત કબીર નગર, મિર્ઝાપુર અને દેવરિયામાં ડીએમ અને કલેક્ટરનાં પદો પર પણ રહી ચૂક્યાં છે. આ જ વર્ષે 6 મે થી દિવ્યા મિત્તલને ઉત્તર પ્રદેશ સરકારમાં રાજસ્વ વિભાગના વિશેષ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
રાજીનામું આપ્યા બાદ તેમણે ઍક્સ પર લખ્યું, "આજે મેં 13 વર્ષની અવિસ્મરણીય યાત્રાને પોતાની ઇચ્છાથી વિરામ આપતાં આઈએએસમાંથી રાજીનામું આપી દીધું છે. સામાન્ય પરિસ્થિતિમાં ઉછરીને મેં એક સારા, સફળ જીવનનું સ્વપ્ન જોયું હતું. દિવસ-રાત મહેનત કરીને આઈઆઈટી દિલ્હી અને આઈઆઈએમ બૅંગ્લુરુમાંથી અભ્યાસ કર્યા બાદ, મને લંડનમાં નોકરી મળી ગઈ."
તેમણે પોતાની પોસ્ટમાં વ્યક્તિગત અનુભવો અને ખુશીઓ સાથે જોડાયેલી અનેક ભાવુક વાતોનો ઉલ્લેખ કર્યો છે.
લંડનથી પરત ફરવાના મુદ્દે તેમણે લખ્યું, "હું મૂર્ખ હતી કે વિચાર્યું હતું કે કંઈક આપવા આવી છું. સત્ય એ છે કે સૌથી વધુ તો મેં જ મેળવ્યું, અને એ ઋણ સતત વધતું ગયું. એટલો પ્રેમ, એટલું સન્માન, એટલું પોતીકાંપણું મળ્યું કે મારી ઝોળી સંપૂર્ણ રીતે ભરી ગઈ."
સોશિયલ મીડિયા પર સક્રિય
દિવ્યા મિત્તલ નોકરશાહીના વ્યવસાયમાં હોવા છતાં સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય દેખાતાં રહે છે.
તેઓ ક્યારેક આઈએએસ (યુપીએસસી)ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં દેખાતાં હતાં, તો ક્યારેક કોઈ પુસ્તક અંગે ચર્ચા કરતાં હતાં.
દિવ્યા મિત્તલ સોશિયલ મીડિયા પર અનેક મુદ્દાઓ પર લોકોને પ્રોત્સાહિત કરતી અથવા તેમને સલાહ આપતાં નજર આવતાં હતાં.
સોશિયલ મીડિયા પર વિવિધ જિલ્લાઓના ડીએમ તરીકે દિવ્યા મિત્તલની અનેક પોસ્ટ જોવા મળે છે અને તેઓ વીડિયો દ્વારા પણ અનેક વખત લોકોને સંદેશ આપતાં અથવા સંબોધતાં જોવા મળ્યાં છે.
તેમના વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે તેઓ પોતાના કામને લઈને ખૂબ જ ઉત્સાહી રહ્યા છે અને તે સાથે સતત જોડાયેલા નજર આવતાં હતાં.
જોકે આના વિપરીત એક હકીકત એ પણ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઉત્તર પ્રદેશના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પોતાની નોકરી છોડી ચૂક્યા છે.
ઉત્તર પ્રદેશના અનેક આઈએએસ અધિકારીઓ નોકરી છોડી રહ્યા છે
દિવ્યા મિત્તલના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકો આ અંગે ટિપ્પણી કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કોઈનું નામ લીધા વિના આરોપ લગાવ્યો કે યુપીમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચારને કારણે ઇમાનદાર અધિકારીઓ વિવિધ પ્રકારના દબાણ હેઠળ છે.
તેમણે "કમિશનખોરી દ્વારા ભ્રષ્ટાચાર કરવો, ભાજપના લોકોને ટૅન્ડર અપાવવામાં ગેરરીતિ કરવી, ટ્રાન્સફર-પોસ્ટિંગને ધંધો બનાવીને પૈસા લેવા, ચંદા-પર્ચી દ્વારા વસૂલી કરાવવી, વિરોધ પક્ષ પર ખોટા કેસ કરાવવું" જેવા અનેક ગંભીર આક્ષેપો સોશિયલ મીડિયા પર કર્યા.
અંગ્રેજી અખબાર 'હિંદુસ્તાન ટાઇમ્સ'ની 13 ડિસેમ્બર 2025ની એક ખબર મુજબ, ઉત્તર પ્રદેશના આઈએએસ અધિકારીઓ સતત વીઆરએસ (સ્વૈચ્છિક નિવૃત્તિ) માગી રહ્યા છે.
અખબાર અનુસાર અધિકારીઓ તેની પાછળ વ્યક્તિગત કારણો અથવા સરકારની બહાર વધુ સારી નોકરીની તકો મળવાનું કારણ દર્શાવી રહ્યા છે.
ખબર અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તર પ્રદેશ કડરના અંદાજે એક ડઝન આઈએએસ અધિકારીઓ સેવા છોડી ચૂક્યા છે, જેમાં વીઆરએસ લેનારા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે, અને આવનારા મહિનાઓમાં વધુ અધિકારીઓ સેવા છોડે તેવી સંભાવના છે.
"તેમના નિર્ણયથી તે કારણોને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે, જેના કારણે ક્યારેક દેશની સૌથી વધુ પસંદગીની સરકારી સેવાઓમાં ગણાતી આ સેવાથી અધિકારીઓ મોટી સંખ્યામાં બહાર જઈ રહ્યા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન