તાંત્રિક પતિ, મેલી વિદ્યાનો દાવો અને ભગવાન સાથે વાતો તો પણ રાજકુમારી રાણી ના બની શકી

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

રાજકુમારી માર્થા લુઇસ હાલમાં જ મૃત્યુ પામેલા નોર્વેના દિવંગત રાજા હેરાલ્ડનાં સૌથી મોટાં પુત્રી છે.

જોકે, માર્થા નોર્વેનાં રાજાના સૌથી મોટાં સંતાન હોવા છતાં રાજા હેરાલ્ડ પંચમના મૃત્યુ પછી, માર્થાના નાના ભાઈ હાકોન 8ને નોર્વેના રાજા બનાવાયા.

નોર્વેના વડા પ્રધાન જોનાસ ગાહર સ્ટોરે જાહેરાત કરી કે રાજા હેરાલ્ડ પંચમના મૃત્યુના સમાચારથી દેશ ઊંડા શોકમાં ડૂબી ગયો છે. રાજા તરીકે પદભાર સંભાળ્યા પછી, હાકોને જાહેરાત કરી કે તેઓ "ઑલ ફૉર નોર્વે" સૂત્રને ચાલુ રાખશે, જેનો ઉપયોગ તેમના પિતા, દાદા અને પરદાદા દ્વારા કરવામાં આવતો હતો.

માર્થા લુઇસ ક્રમની દૃષ્ટિએ તો રાજાનાં સૌથી મોટાં સંતાન છે, પરંતુ ભૂતકાળમાં તેમણે લીધેલા કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોને કારણે તેઓ રાજ પરિવારથી દૂર થઈ ગયાં હતાં.

તેમણે વર્ષ 2022માં પોતાની સત્તાવાર શાહી ફરજો છોડી દીધી અને તેમના પતિ, વિવાદાસ્પદ સ્વઘોષિત શામન (તાંત્રિક) ડ્યુરેક વેરેટ સાથે વૈકલ્પિક દવા (જાદુ સાથે) ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કર્યું.

જાહેર અને ખાનગી જીવન વચ્ચે સ્પષ્ટ ભેદ જાળવી રાખવાના હેતુથી, તેમણે સત્તાવાર ફરજો ત્યાગી દીધા છતાં 'રાજકુમારી'નું બિરુદ જાળવી રાખ્યું.

માર્થા લુઇસના પતિ વેરેટે ટિપ્પણી કરી હતી કે કૅન્સર એક એવો રોગ છે, જે લોકો પોતાના માટે પસંદ કરે છે. તેમજ તેમની વૈજ્ઞાનિક પુરાવાના અભાવવાળી તબીબી પદ્ધતિઓએ નોર્વેમાં તીવ્ર વિવાદ ઊભો કર્યો છે.

નોર્વેનો પુરુષપ્રધાન વારસાઈ કાયદો શું છે?

માર્થા લુઇસે પોતાની આધિકારિક ફરજો ત્યાગી એ પહેલાંથી શાહી પરિવારમાં તેમની ભૂમિકા વારસાના ક્રમને કારણે નિર્ધારિત થઈ ચૂકી હતી.

માર્થાના જન્મના વર્ષે એટલે કે 1971માં વારસાઈ બાબતે નોર્વે પુરુષપ્રધાન હતું, એટલે કે દીકરી મોટી હોય તેમ છતાં પ્રથમ પુરુષ વારસદારને પ્રાથમિકતા અપાતી.

1990માં નોર્વેજીયન બંધારણમાં સુધારો કરવામાં આવ્યો, જેમાં મહિલાઓને સમાન વારસાના અધિકારો આપવામાં આવ્યા.

જોકે, આ ફેરફાર જૂની પેઢીઓ પર નહીં, પરંતુ ભવિષ્યની પેઢીઓ પર લાગુ કરવામાં આવ્યો હતો.

આનાથી હાકોનનો વારસાનો અધિકાર સુરક્ષિત રહ્યો.

જોકે, આ નવા કાયદાએ હાકોનનાં પુત્રી, ક્રાઉન પ્રિન્સેસ ઇન્ગ્રીડ એલેક્ઝાન્ડ્રાને ભવિષ્યમાં નોર્વેનાં રાણી બનવાની તક આપી.

15મી સદી પછી તેઓ નોર્વેનાં પ્રથમ રાણી બનશે.

રાજકુમારીનાં લગ્ન વિવાદાસ્પદ કેમ રહ્યાં?

54 વર્ષીય માર્થા લુઇસ, વૈકલ્પિક તબીબી પદ્ધતિઓ (હર્બલ દવા અથવા મેલી વિદ્યા સહિત)ને પ્રોત્સાહન આપવા બદલ દાયકાઓથી વિવાદમાં ઘેરાયેલાં છે.

તેમણે લોકોને તેમના 'રક્ષક દેવતાઓ' સાથે વાત કરવામાં મદદ કરવા માટે એક શાળાની સ્થાપના કરી.

એવા પણ આરોપો લાગ્યા છે કે તેઓ પોતાના 'રાજકુમારી'ના દરજ્જાનો ઉપયોગ વ્યક્તિગત વ્યવસાયિક હેતુઓ માટે કરી રહ્યાં છે.

તેમણે વર્ષ 2002માં નોર્વેજીયન લેખક એરી બેન સાથે લગ્ન કર્યાં હતાં. બંનેની ત્રણ પુત્રીઓ છે. વર્ષ 2017માં તેમના છૂટાછેડા થયા.

ગંભીર ડિપ્રેશનથી પીડાતા એરી બેને વર્ષ 2019ના ક્રિસમસના દિવસે આત્મહત્યા કરી.

વર્ષ 2013માં સ્પેનિશ અખબાર એબીસી સાથેના એક ઇન્ટરવ્યૂમાં, માર્થા લુઇસે કહ્યું હતું કે તેમની પાસે "છઠ્ઠી ઇન્દ્રીયની શક્તિ" છે.

તેમણે ઇન્ટરવ્યુમાં કહ્યું, "હું ભવિષ્ય જોઈ શકતી નથી, પણ હું બીજા વ્યક્તિમાં રહેલી ઊર્જાને અનુભવી શકું છું. હું સ્ટેજ પર બોલતા ગભરાતી એક છોકરીમાંથી એક આત્મવિશ્વાસુ સ્ત્રી બની છું. દરરોજ મારી સાથે વાત કરતા રક્ષક દેવદૂતને મળ્યા પછી જ મારો આત્મવિશ્વાસ વધ્યો."

બીજાં લગ્ન બાદ કેમ વિવાદ થયો?

તેમણે જૂન 2022 માં ડ્યુરેક વેરેટ સાથે સગાઈ કરી. વર્ષ 2019માં ઇન્સ્ટાગ્રામ પર તેમના સંબંધોની જાહેરાત કરી.

તેણીએ તે સમયે એક ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું, "જેઓ મારી ટીકા કરવા માંગે છે, કૃપા કરીને દૂર રહો. તમને મારા જીવનનો નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. ડ્યુરેક એ વ્યક્તિ છે, જેને હું પ્રેમ કરું છું."

જોકે, નોર્વેમાં આ જોડીની ભારે ટીકા થઈ હતી, જેમાં વેરેટને છેતરપિંડી અને કાવતરા સાતે સાંકળીને દર્શાવવામાં આવ્યા હતા.

નોર્વેના ભૂતપૂર્વ વડા પ્રધાન એર્ના સોલબર્ગે પણ તેમના વિચારોની ટીકા કરીને "ખૂબ જ વિચિત્ર અને વાસ્તવિકતાથી દૂર" ગણાવ્યા હતા. છઠ્ઠી પેઢીના શામન (આત્માઓ સાથે વાતો કરવાનો દાવો કરનારી વ્યકત્તિ) હોવાનો દાવો કરનાર આફ્રિકન-અમેરિકન ડ્યુરેક વેરેટ દાવો કરે છે કે તેઓ મર્યા બાદ પાછા ફર્યા છે અને તેમણે બે વર્ષ અગાઉ અમેરિકા પર 9/11 ના હુમલાની આગાહી કરી હતી.

તેમણે નોર્વેમાં થયેલી ટીકાનું એક કારણ પોતાની ત્વચાનો રંગ હોવાનો આરોપ લગાવ્યો, અને કહ્યું કે તેમણે ક્યારેય આટલો જાતિવાદ જોયો નથી. તેમણે પોતાની સરખામણી આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને થોમસ એડિસન સાથે કરી.

તેમણે પોતાની વેબસાઇટ પર લખ્યું કે હોલીવુડ અભિનેત્રીઓ ગ્વિનેથ પેલ્ટ્રો અને નીના ડોબ્રેવ તેમની પદ્ધતિઓથી પ્રભાવિત હતાં.

સપ્ટેમ્બર 2022 માં હાથ ધરાયેલા એક સર્વે મુજબ, માત્ર 13 ટકા નોર્વેજીયન લોકોએ કહ્યું કે માર્થા લુઇસ સત્તાવાર કાર્યક્રમોમાં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે લાયક છે.

વિશ્લેષકો માને છે કે લોકો તેમના વ્યક્તિત્વ કરતાં, આ વિચિત્ર શક્તિઓમાં વિશ્વાસ રાખે છે તેના કારણે તેમનો વધુ વિરોધ કરી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન