You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આ સમુદાયો 31 ઑગસ્ટે 'બીજો આઝાદી દિવસ' કેમ ઊજવે છે?
15 ઑગસ્ટ 1947ના રોજ ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. જોકે, દેશના કેટલાક સમુદાયો એવા પણ હતા, જે હજુ સ્વતંત્રતા ઝંખતા હતા.
દેશની વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી જનજાતિઓના એક મોટા હિસ્સાને બ્રિટિશ સમયના એક કાયદા હેઠળ 'ગુનેગાર જાતિ' તરીકે ઓળખાવવામાં આવી હતી અને તેમને નિશ્ચિત સ્થળોએ રહેવા માટે મજબૂર કરવામાં આવતા હતા.
આ કાયદો આઝાદી પછી પણ પાંચ વર્ષ સુધી અમલમાં રહ્યો.
31 ઑગસ્ટ 1952ના રોજ આ કાયદો રદ થયા બાદ આ સમુદાયોને 'વિમુક્ત' એટલે કે ડિનોટિફાઇડ ટ્રાઇબ્સ તરીકે ઓળખવામાં આવ્યા. આ જ કારણ છે કે આ સમુદાયોના લોકો 31 ઑગસ્ટને પોતાના 'વિમુક્તિ દિવસ' અથવા 'બીજા સ્વાતંત્ર્ય દિવસ' તરીકે ઊજવે છે.
ભારતમાં વિમુક્ત, વિચરતા અને અર્ધવિચરતા સમુદાયોની સંખ્યા અંગે સરકારી માહિતી અને સંશોધન આધારે જુદા જુદા આંકડા જોવા મળે છે. દેશમાં આવા સેંકડો સમુદાયો છે, જ્યારે ગુજરાતમાં આશરે 13 વિમુક્ત જનજાતિના લોકોનો વસવાટ જોવા મળે છે.
પરંતુ આ સમુદાયો માટે 31 ઑગસ્ટનું મહત્ત્વ સમજવા માટે સમયના ચક્રમાં લગભગ દોઢ સદી પાછળ, ઇતિહાસમાં જવું પડે.
'ગુનેગાર જાતિ' તરીકે ઓળખ
ઇતિહાસકારોના મતે, બ્રિટિશ સરકાર માટે ભટકતું જીવન જીવતા સમુદાયો પર નજર રાખવી મુશ્કેલ હતી.
આ લોકો એક જગ્યાએ સ્થાયી રહેતા નહોતા, તેમની પાસે ઘણી વખત જમીન કે અન્ય સ્થાવર મિલકત નહોતી અને તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જતા રહેતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિચરતા સમુદાયો સાથે અને તેમના માટે વર્ષોથી કામ કરતા ભાષાવિદ અને કર્મશીલ ડૉ. ગણેશ દેવીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ લોકો કેટલી સંખ્યામાં હતા, ક્યાં રહેતા હતા, શું કામ કરતા હતા, તેમની રહેણીકરણી કેવી હતી? તેના વિશે અંગ્રેજ સરકારને કંઈ જ ખબર નહોતી. માટે તેમણે અંગ્રેજ અમલદાર વિલિયમ સ્લીમનને તેમના વિશે માહિતી ભેગી કરવાનું કામ સોંપ્યું હતું."
સ્લીમનના અહેવાલો સહિતના સરકારી અભ્યાસના આધારે બ્રિટિશ સરકારે 1871માં 'ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ' પસાર કર્યો હતો.
આ કાયદા હેઠળ અનેક સમુદાયોને 'ક્રિમિનલ ટ્રાઇબ્સ' એટલે કે 'ગુનેગાર જાતિ' તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
કાયદા હેઠળ નોંધાયેલા સમુદાયોના લોકોને બ્રિટિશ સરકારે 'સેટલમેન્ટ' તરીકે ઓળખાતી નિશ્ચિત જગ્યાઓમાં રાખવાનું શરૂ કર્યું.
આ સેટલમેન્ટ સામાન્ય જેલથી અલગ હતું, પરંતુ ત્યાં રહેતા લોકોની અવરજવર અને રોજિંદા જીવન પર કડક નિયંત્રણ હતું. તેમની હાજરી દિવસમાં અનેક વખત લેવામાં આવતી.
પોલીસને આ સમુદાયોના લોકોને નિયંત્રિત કરવાની વ્યાપક સત્તા આપવામાં આવી હતી.
અમદાવાદમાં નરોડાનું સેટલમેન્ટ
આવું જ એક સેટલમેન્ટ અમદાવાદના નરોડા વિસ્તારમાં બનાવવામાં આવ્યું હતું.
છારા સમુદાયના વસિયાટભાઈ ગારંગે, જેઓ હવે હયાત નથી, તેમણે આ અહેવાલના લેખક સાથે પોતાનાં સંસ્મરણો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, "અમદાવાદના નરોડા વિસ્તારમાં બનેલી આવી જેલમાં તેમના આખા કબીલાને પકડીને પૂરી દેવામાં આવ્યો હતો."
તેમણે પોતાનાં સંસ્મરણોમાં જણાવ્યું હતું, "1920ના દાયકામાં અમદાવાદમાં ટેક્સ્ટાઇલ મિલોની બોલબાલા હતી અને અમદાવાદમાં એક જ પુલ હતો, જેને અમે તે સમયે 'લક્કડિયા પુલ' કહેતા. એ જ આજનો એલિસ બ્રિજ અથવા સ્વામી વિવેકાનંદ બ્રિજ."
"અમને આ જેલમાંથી બાંધીને આ પુલ પાસે લઈ જવામાં આવતા અને અમે કપાસ કે મીઠાની બોરી ઊંચકવાનું કામ કરતા. બ્રિજની પેલી બાજુથી આ બાજુ બોરીઓ ઊંચકીને લાવતા અને તેનો અમને પગાર મળતો."
વસિયાટભાઈનું થોડા સમય પહેલાં નિધન થયું છે. જોકે, તેમનાં સંસ્મરણો અનેક ફિલ્મકારો અને લેખકોએ પોતાનાં કામમાં નોંધ્યાં છે.
દાદાનાં સંસ્મરણો વિશે વાત કરતાં તેમના પૌત્ર શ્રેણિક ગારંગે જણાવ્યું હતું, "મારા દાદા અમને હંમેશાં સેટલમેન્ટની વાતો કરતા. તેઓ એ પણ કહેતા કે આ જેલમાં મહિલાઓ ત્યાં જ રહેતી. એક ખુલ્લા મેદાનમાં તેમને ઝૂંપડીઓ આપવામાં આવી હતી. તેમણે પોતાનું ભોજન જાતે જ બનાવવાનું હતું."
"મારા દાદા મજૂરી કરીને જે પૈસા કમાતા, એ જ પૈસાથી દાદી રસોઈ કરતી હતી. એટલે કે જેલ હતી, પરંતુ તેમાં મફત ભોજન નહોતું, તેવું મારા દાદા અમને કહેતા હતા."
પુરુષો મજૂરી કરતા, મહિલાઓ સેટલમેન્ટમાં રહેતી
આ સેટલમેન્ટમાં રહેતા પુરુષોને વિવિધ પ્રકારનાં કામ કરવા માટે બહાર લઈ જવાતા.
અમદાવાદમાં ટેક્સટાઇલ મિલો ઉપરાંત બાંધકામ અને અન્ય મજૂરીનાં કામોમાં પણ આ સમુદાયોના લોકોને લગાડવામાં આવતા હતા.
વસિયાટભાઈનાં સંસ્મરણો બતાવે છે કે સેટલમેન્ટમાં રહેતા પરિવારનું ગુજરાન પુરુષોની મજૂરી પર નિર્ભર હતું, જ્યારે મહિલાઓ અને બાળકો સેટલમેન્ટમાં જ રહેતાં હતાં.
આ રીતે કાયદો માત્ર કોઈ વ્યક્તિની અવરજવર પર નિયંત્રણ મૂકતો નહોતો, પરંતુ આખા પરિવાર અને સમુદાયના જીવનને અસર કરતો હતો.
અમદાવાદનું આજનું છારાનગર અને કૈકાડીવાસ—આ સેટલમેન્ટમાં રહેતા બે મુખ્ય સમુદાયોની મોટી વસાહતો—આ જ વિસ્તારમાં વિકસી છે. જોકે, તેમના માટે આઝાદી પછી પણ આ 'જેલ' ચાલુ રહી હતી.
15 ઑગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું, પરંતુ 'ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ' તરત જ રદ થયો નહોતો.
એટલે આ સમુદાયોના લોકો માટે બ્રિટિશ શાસન સમાપ્ત થયા પછી પણ સેટલમેન્ટનું જીવન ચાલુ રહ્યું.
ફરક એટલો હતો કે હવે આ વ્યવસ્થા ભારતીય વહીવટી તંત્ર હેઠળ ચાલી રહી હતી.
આ પ્રકારના સેટલમેન્ટ અમદાવાદ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુરાદાબાદ, કર્ણાટકના ગદગ, મહારાષ્ટ્રના સોલાપુર અને ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં પણ હતાં.
31 ઑગસ્ટ 1952ના રોજ 'ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ' રદ કરવામાં આવ્યો અને આ સમુદાયોને 'ડિનોટિફાઇડ' એટલે કે વિમુક્ત જાહેર કરવામાં આવ્યા.
મહારાષ્ટ્રના સોલાપુરમાં આવા જ એક સેટલમેન્ટની તારની વાડ કાપવાની ઘટનાને આ સમુદાયોની યાદમાં વિશેષ સ્થાન મળ્યું છે.
જોકે, કાયદો રદ થયા બાદ પણ આ સમુદાયો પર નજર રાખવાની વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત થઈ નહોતી. વિવિધ રાજ્યોમાં 'હેબિચ્યુઅલ ઑફેન્ડર્સ' એટલે કે 'ટેવાયેલા ગુનેગાર' સંબંધિત કાયદા અમલમાં આવ્યા હતા.
31 ઑગસ્ટ 'બીજો સ્વાતંત્ર્ય દિવસ' કેવી રીતે બન્યો?
વિમુક્ત જનજાતિના લોકો 31 ઑગસ્ટને પોતાની વિમુક્તિના દિવસ તરીકે યાદ કરે છે.
છારા સમુદાયના આગેવાન અને કર્મશીલ આતિશ ઇન્દ્રેકર કહે છે, "અમે 15 ઑગસ્ટનું ખૂબ સન્માન કરીએ છીએ. તે દિવસે ધ્વજવંદન કરીએ છીએ, વિવિધ કાર્યક્રમો કરીએ છીએ, પરંતુ તેની સાથોસાથ 1998થી અમે 31 ઑગસ્ટને પણ અમારા બીજા આઝાદી દિવસ તરીકે ઊજવીએ છીએ."
31 ઑગસ્ટની આ ઉજવણી સાથે છારાનગરનો ઇતિહાસ પણ જોડાયેલો છે.
પુસ્તક 'પેઇન્ટેડ વર્ડ્સ'માં ડૉ. ગણેશ દેવી લખે છે કે 1998માં લેખિકા મહાશ્વેતા દેવીએ છારાનગરની મુલાકાત લીધી હતી. ત્યાંના વિદ્યાર્થીઓએ લાઇબ્રેરીની માગણી કરી હતી અને 31 ઑગસ્ટ 1998ના રોજ આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
છારાનગરના કર્મશીલ દક્ષિણ બજરંગે જણાવે છે, "તે સમયે છારાનગરના યુવાનોએ 'બુધન' નામના એક નાટકનું મંચન કર્યું હતું, જેમાં વિચરતા સમુદાયો અને તેમની આઝાદીમાં વિલંબની વાત કરવામાં આવી હતી."
"એ પછી સમગ્ર દેશમાં 31 ઑગસ્ટને વિમુક્તિ દિવસ તરીકે ઊજવવામાં આવે છે."
જોકે, એ સમજવું પણ જરૂરી છે કે વિમુક્તિ પછી ખરેખર આ સમુદાયો માટે શું બદલાયું છે.
વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી જનજાતિઓના પ્રશ્નો માત્ર તેમના 'ઐતિહાસિક કલંક' પૂરતા મર્યાદિત નથી.
આઝાદી પછી તેમની સ્થિતિ અને સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે બે મહત્ત્વપૂર્ણ કમિશનોની રચના કરવામાં આવી હતી.
પહેલું કમિશન બાલકૃષ્ણ રેનકેના વડપણ હેઠળનું 'રેનકે કમિશન', જ્યારે એ બાદ 'ઇદાતે કમિશન'ની રચના કરવામાં આવી હતી.
બંને કમિશને વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી જનજાતિઓ માટે શિક્ષણ, રોજગાર, આવાસ અને સામાજિક-આર્થિક વિકાસ સહિતની વિવિધ યોજનાઓની ભલામણો કરી હતી.
ગુજરાત સહિત વિવિધ રાજ્યોએ આ સમુદાયો માટે ડિનોટિફાઇડ ટ્રાઇબ્સ એટલે કે ડીએનટી બોર્ડની પણ રચના કરી છે. તેમાં શિક્ષણ, રોજગાર અને વિદેશમાં અભ્યાસ જેવી બાબતો માટે વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે.
પરંતુ દોઢ સદી પહેલાં લગાવાયેલો 'ગુનેગાર'નો 'સામાજિક કલંક' આજે કેટલો દૂર થયો છે, તે સવાલ હજુ પણ આ સમુદાયો માટે એટલો જ મહત્ત્વપૂર્ણ છે.
એટલે જ 31 ઑગસ્ટ તેમના માટે માત્ર ભૂતકાળને યાદ કરવાનો દિવસ નથી.
તે દિવસ એ યાદ અપાવે છે કે ભારતને 1947માં આઝાદી મળી હતી, પરંતુ કેટલાક ભારતીયો માટે પોતાની ઓળખ અને સ્વતંત્રતા પાછી મેળવવાની લડત તેનાં પાંચ વર્ષ પછી પૂરી થઈ શકી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન