You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લગ્ન ના થતાં 29 પુરુષોએ આપઘાત કર્યો? બીબીસીની તપાસમાં શું સામે આવ્યું?
- લેેખક, આશય યેંગડે
- પદ, બીબીસી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે (2026માં) પહેલી જાન્યુઆરીથી 30મી જૂન દરમિયાન મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના 383 પુરુષોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું હતું.
પોલીસે જ્યારે આ આત્મહત્યાઓ પાછળનાં કારણો અંગે તપાસ હાથ ધરી, ત્યારે લગ્ન ન થવાં, નશીલાં દ્રવ્યોની લત, હતાશા, પારિવારિક કારણો અને દેવું જેવાં કારણો સામે આવ્યાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર, 29 પુરુષોએ કરેલી આત્મહત્યા માટે લગ્ન સંબંધિત સમસ્યાઓ જવાબદાર હતી.
આ આંકડા બહાર આવ્યા, એ પછી જલગાંવમાં એક મુદ્દો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે: "વર્તમાન સમયમાં પુરુષોને કન્યા નથી મળતી." પણ અમે જ્યારે જલગાંવ જિલ્લાનાં વિવિધ ગામોનો પ્રવાસ ખેડ્યો, ત્યારે આ મામલાની વધુ જટિલ વિગતો સામે આવી હતી.
મેં જ્યારે લગ્ન કરવા ઈચ્છુક યુવાનો, તેમના પરિવારો, મહિલાઓ અને આ વિષય પર અભ્યાસ કરી રહેલા સંશોધકો સાથે વાત કરી, ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું કે, આ સવાલ લાગે છે એટલો સરળ નથી.
કારણ કે, જલગાંવમાં લગ્ન એ કેવળ બે વ્યક્તિઓ વચ્ચે લેવાતો નિર્ણય નથી. તે રોજગારી, જમીન, જ્ઞાતિ, પારિવારિક જવાબદારીઓ, સ્થળાંતર, મહિલાઓની બદલાઈ રહેલી અપેક્ષાઓ તથા સમાજ દ્વારા પુરુષો પાસેથી સેવવામાં આવતી અપેક્ષાઓનું એક ગૂંચળું બની ગયું છે.
લગ્નની યોગ્ય ઉંમર કઈ?
જલગાંવમાં અમે વિશાલ પાટિલને મળ્યા હતા. તેઓ 30 વર્ષના છે અને પ્રોફેસર છે. લગ્ન અંગેનો તેમનો દૃષ્ટિકોણ ઘણા યુવાન પુરુષોના અનુભવો જેવો જ છે.
તેઓ કહે છે, "મારાં માતા-પિતા પણ ઈચ્છતાં હતાં કે હું લગ્ન કરી લઉં, પણ હું થોડા સમયથી મારાં લગ્ન પાછાં ઠેલી રહ્યો છું. હું મારી કારકિર્દી પર ધ્યાન આપવા માગું છું. હું આર્થિક રીતે સ્વનિર્ભર બનવા માગું છું. મને કોઈ એવી સ્ત્રી મળી જાય, જે મને સમજે અને જેને હું મારી જીવનસંગિની માનું, ત્યારે જ હું લગ્ન કરીશ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેની સાથે જ તેઓ નોંધે છે કે, સમાજે લગ્ન માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી છે. વિશાલના જ શબ્દોમાં, "ભારતીય સમાજમાં એવી અપેક્ષા સેવવામાં આવે છે કે, 24, 25 કે 26 વર્ષની વયે લગ્ન થઈ જવાં જોઈએ અથવા 28 કે 29 વર્ષની વયે તો લગ્ન થઈ જ ગયાં હોવાં જોઈએ. એક વખત 30 વર્ષની વય પાર કરી દીધા પછી લોકો તમને અલગ રીતે જોવા લાગે છે. આ દબાણ ફક્ત લગ્ન પૂરતું નથી. જો તમે લગ્ન ન કરો, તો ધીમે-ધીમે કશુંક ખૂટતું હોવાની લાગણી પણ મનમાં જન્મવા લાગે છે."
મનોવૈજ્ઞાનિક કાઉન્સેલર મુકેશના જણાવ્યા પ્રમાણે, લગ્નને પ્રતિષ્ઠા અને સફળતા સાથે જોડવામાં આવે છે અને કેટલાક યુવાન લોકો લગ્ન ન થતાં વ્યક્તિગત નિષ્ફળતાની લાગણી અનુભવી શકે છે.
જલગાંવ પોલીસના આંકડા પર નજર કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. આત્મહત્યાના 29 બનાવોમાં અપરિણીત હોવાનું કારણ ટાંકવામાં આવ્યું હતું. પરંતુ, પોલીસે એમ નહોતું કહ્યું કે, આ આત્મહત્યાઓ પાછળનું તે જ મુખ્ય કારણ હતું.
તે સિવાય, નશીલા પદાર્થોનું વ્યસન, હતાશા, પારિવારિક સમસ્યાઓ અને ઋણ જેવાં અન્ય કારણો પણ મુખ્ય છે.
અલબત્ત, જ્યારે આપણે અપરિણીત રહેવા પાછળનાં કારણો સમજીએ છીએ, ત્યારે આ આંકડાનું વધુ એક પરિમાણ ઊભરી આવે છે.
મહારાષ્ટ્રની આંકડાકીય વિગતો આ સવાલને વધુ એક પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) 2019-21ના ડેટા પ્રમાણે, મહારાષ્ટ્રમાં 20 અને 49 વર્ષની વચ્ચેની વયની લગભગ 11 ટકા જેટલી મહિલાઓ અપરિણીત હતી, જ્યારે પુરુષોમાં આ આંકડો 30 ટકાની આસપાસ જોવા મળ્યો હતો.
તેનો અર્થ એ કે, રાજ્યમાં અપરિણીત પુરુષોની સંખ્યા અપરિણીત મહિલાઓની સંખ્યા કરતાં ઘણી ઊંચી છે. પણ શું આ તફાવત માત્ર મહિલાઓની ઓછી સંખ્યાને કારણે જ છે?
જલગાંવમાં કૌસ્તુભ પોતદાર સાથે સંકળાયેલી એક ઘટના દર્શાવે છે કે, આ સમસ્યા કેટલું ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
બી. ફાર્માની ડિગ્રી મેળવ્યા પછી તેઓ નાશિકની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. તેમનાં માતાનું અવસાન થયા બાદ તેમણે લગ્ન માટે કન્યા જોવાનું શરૂ કર્યું.
તેમના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, સરકારી નોકરી ન હોવી, પોતાનું ઘર ન હોવું તથા વૃદ્ધ પિતા સાથે રહેવું જરૂરી હોવું—સહિતનાં કારણોસર તેમણે ઘણી જગ્યાએથી ઇનકારનો સામનો કરવો પડ્યો હતો. આખરે, ગત ફેબ્રુઆરી, 2026ના રોજ તેમણે આત્મહત્યા કરી લીધી હતી.
કૌસ્તુભના અનુભવને જોતાં એ તારણ કાઢવું અશક્ય છે કે દરેક ઇનકાર એકસમાન હોય છે, પણ આ બાબત એ મુદ્દો સ્પષ્ટપણે ઉજાગર કરે છે કે, લગ્નના બજારમાં આર્થિક સ્થિરતા અને પારિવારિક માળખું કેટલાં મહત્ત્વનાં બની ગયાં છે.
જલગાંવમાં મારી મુલાકાત એક વૃદ્ધ મહિલા સાથે થઈ હતી. તેમણે કહ્યું હતું કે, તેમનો પુત્ર હવે 40 વર્ષનો થઈ ગયો છે. તેઓ વર્ષોથી પુત્ર માટે છોકરી શોધી રહ્યાં છે. ઘણી જગ્યાએથી ઇનકાર સાંભળવા મળતાં હવે તે મહિલા ખુદ ઘર બનાવડાવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું, "જો અમે ઘર બંધાવીશું, તો અમને છોકરી મળી જશે."
જોકે, આમ કહેતી વખતે તેમના ચહેરા પર ભયની લાગણી સ્પષ્ટપણે વર્તાઈ આવતી હતી. તેમના શબ્દોમાં ચિંતા છુપાયેલી હતી કે, હજુ સુધી તેમના પુત્રનાં લગ્ન નહોતાં થયાં. પણ એથીયે વધુ, વર્ષોના પ્રયત્નો છતાંય પરિસ્થિતિ ન બદલાતાં તેમને જે નિરાશા ઘેરી વળી હતી, તે છલકાતી હતી.
કંઈક આવું જ ચિત્ર મયૂર કુડુપાલે અને જોએલ કપાલયોન દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં પણ ઉપસી આવે છે. તેમણે ગ્રામીણ ક્ષેત્રમાં આ અભ્યાસ કર્યો હતો. તેમના અભ્યાસ પ્રમાણે, જમીન, શિક્ષણ, જ્ઞાતિ અને વય એ ગ્રામીણ લગ્નવ્યવસ્થામાં જીવનસાથીની પસંદગીને પ્રભાવિત કરનારાં મુખ્ય પરિબળો છે.
સંશોધક મયૂર કુડુપાલેના જણાવ્યા પ્રમાણે, "એક સમયે, છોકરીના પિતા છોકરા પાસે કેટલી જમીન છે, તે જોતા હતા. જ્યારે હવે, જમીનને બદલે તેની પાસે નોકરી છે કે કેમ, એ મહત્ત્વનો સવાલ બની ગયો છે."
તેમના જણાવ્યા મુજબ, "ગ્રામીણ અર્થવ્યવસ્થા બદલાઈ ગઈ છે, પણ તે બદલાવની સાથે લગ્ન વિશેની અપેક્ષાઓ હરકોઈ માટે એકસમાન રીતે નથી બદલાઈ. એક જમાનામાં જમીનની માલિકી એ સામાજિક તથા આર્થિક સ્થિરતાનો સંકેત હતો. તેને બદલે હવે આ સ્થાન સ્થિર આવક, કામ, શહેરમાં રહેવાની તક અને પોતાનું ઘર ધરાવવા જેવાં પરિબળોએ લઈ લીધું છે."
'જ્ઞાતિવાદ અદૃશ્ય નથી થયો, લગ્નની અપેક્ષાઓ બદલાઈ ગઈ છે'
મયૂર કુડુપાલેના જણાવ્યા પ્રમાણે, "જ્ઞાતિ અને પેટા-જ્ઞાતિ લગ્નની પસંદગી માટેની તકો નક્કી કરે છે. અર્થાત્, વર કે કન્યા શોધતી વખતે જ્ઞાતિ અને પેટા-જ્ઞાતિની સીમાની અંદર જ આવી શોધ કરવામાં આવતી હોય છે."
લિંગ આધારિત સમાનતાનાં હિમાયતી દર્શના પવાર જ્ઞાતિના આ માળખામાં અન્ય એક વિરોધાભાસ તરફ ઈશારો કરે છે. તેઓ જણાવે છે, "એક પુરુષ જરૂર પડ્યે કોઈપણ જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ શકે છે. પણ એક મહિલા માટે મહત્ત્વનો સવાલ એ હોય છે કે, શું લગ્ન બાદ તેનો સાસરી પક્ષ ખરેખર તેની જ્ઞાતિ, તેનાં માતા-પિતા તેમજ તેના સંબંધીઓને સ્વીકારશે ખરો?"
દર્શનાના જણાવ્યા પ્રમાણે, "એક પુરુષ માટે તેના કરતાં સામાજિક દૃષ્ટિએ નિમ્ન ગણાતી જ્ઞાતિની સ્ત્રીને સ્વીકારવી કદાચ સરળ હોઈ શકે છે. પણ સામાજિક દૃષ્ટિએ તેના કરતાં ઊંચી જ્ઞાતિની મહિલાને સ્વીકારવાની વાત આવે, ત્યારે ઘણી વખત આવી તૈયારી જોવા મળતી નથી."
સાથે જ તેમણે નોંધ્યું હતું કે, તેનો અર્થ એ કે, લગ્નના બજારમાંથી હજુ જ્ઞાતિ અદૃશ્ય થઈ નથી, બસ, તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે.
મહિલાઓની અપેક્ષાઓ શું છે?
જલગાંવ ખાતે વાતચીત કરવા દરમિયાન, મને ઘણા પુરુષો પાસેથી વારંવાર જે આક્ષેપ સાંભળવા મળ્યો, એ એવો હતો કે, "મહિલાઓની અપેક્ષાઓ વધી ગઈ છે."
ઘણા પુરુષોના મત પ્રમાણે, મહિલાઓને સારી નોકરી હોય, શહેરમાં પોતાનું ઘર હોય અને નાણાંકીય સ્થિરતા ધરાવતો હોય, એવો વર જોઈએ છે. પણ અમે જ્યારે મહિલાઓ સાથે વાત કરી, ત્યારે જરા જૂદું ચિત્ર ઉપસી આવ્યું હતું. અમે 20-22 વર્ષની એક યુવતી સાથે બાળલગ્ન અને તેમની પોતાની અપેક્ષાઓ વિશે વાત કરી હતી. તેમની અપેક્ષા એવી હતી કે, છોકરો એવો હોવો જોઈએ, જે પોતાનું ગુજરાન ચલાવી શકે અને પોતાનો ખર્ચ સ્વયં ઉઠાવી શકે.
પરંતુ, બીજા જ દિવસે, તેમના પરિવારજનોએ અમને તે ઇન્ટરવ્યૂ હટાવી દેવાની તાકીદ કરી હતી. આખરે, અમારે તે ઇન્ટરવ્યૂ હટાવી દેવો પડ્યો હતો. આ દર્શાવે છે કે, મહિલાઓની અપેક્ષાઓ જરૂર બદલાઈ છે, પરંતુ, દરેક મહિલા તે અપેક્ષાઓની મુક્તપણે અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા નથી ધરાવતી.
દર્શના પવારે જણાવ્યા મુજબ, "પતિ સાથે વાત કરી શકાય, તેમની સાથે બહાર જઈ શકાય, તેમની સાથે સમય ગાળી શકાય, આવી અપેક્ષાઓ સેવવામાં કશું ખોટું નથી. આ કંઈ એવી 'વધારે પડતી' અપેક્ષાઓ નથી. તે પાયાની અને વાજબી અપેક્ષાઓ છે. હવે મહિલાઓ તે સમજવા લાગી છે."
જલગાંવની મુલાકાત દરમિયાન મેં વધુ એક બાબત નોંધી હતી. લગ્નમાં અસંગતતાના મુદ્દા વિશે ચર્ચા કરતી વખતે, ઘણા પુરુષો હજુયે તે માટે મહિલાઓને જ દોષિત ઠેરવે છે.
મયૂર કુડુપાલેના અભ્યાસમાં પણ ગ્રામીણ પુરુષો મહિલાઓની બદલાતી પ્રાથમિકતાઓ વિશે સમાન પ્રકારના આક્ષેપો કરતા જોવા મળ્યા હતા. જોકે, આ અભ્યાસ નોંધે છે કે, આ ફેરફારોને ફક્ત મહિલાઓની પ્રાથમિકતાઓમાં આવેલા બદલાવની દૃષ્ટિએ જોઈ શકાય નહીં. તે પાછળ બીજાં ઘણાં પરિબળો જવાબદાર છે, જેમાં કૃષિ પ્રવૃત્તિમાં થયેલો ઘટાડો, બેકારી, શિક્ષણ અને જ્ઞાતિ તથા સામાજિક દરજ્જાના દૃષ્ટિકોણમાં આવી રહેલા પરિવર્તનનો સમાવેશ થાય છે.
પુરુષો આને કેવી રીતે જુએ છે?
જલગાંવનાં ગામડાંની મુલાકાત લેતી વખતે મેં લગ્નનો વિષય છેડાતાં જ ઘણા યુવાન પુરુષોના અવાજમાં આવતો બદલાવ નોંધ્યો હતો. કેટલાક પુરુષો કૅમેરાની સામે બોલવા માટે તૈયાર ન હતા. એક યુવાને મને નિખાલસતાથી કહ્યું હતું, "જો હું કૅમેરા સામે મારા વિશે બોલીશ, તો મારી સાથે કોણ લગ્ન કરશે?"
લગ્ન માટે વર્ષોના નિષ્ફળ પ્રયાસો પછી, કેટલાક પરિવારોએ તેમનાં બાળકો પર લગ્ન કરવા માટેનું દબાણ હવે ઓછું કરી દીધું છે.
તો, કેટલાક પરિવારો હજુયે તેમનાં સંતાનોનાં લગ્નની તૈયારી સ્વરૂપે ઘર બંધાવી રહ્યા છે, જમીન ખરીદી રહ્યા છે અથવા તો તેમનો આર્થિક દરજ્જો સુધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
ઘણા પરિવારો હવે વચેટિયાઓ તથા મૅરેજ બ્રૉકર્સની મદદ લઈ રહ્યા છે. કેટલાંક માતા-પિતાના જણાવ્યા પ્રમાણે, લગ્નના નામે છેતરપિંડીના કિસ્સાઓમાં પણ વધારો થયો છે.
કેટલાક લોકો કન્યાની શોધમાં મહારાષ્ટ્રના જુદા-જુદા ભાગોનો પ્રવાસ ખેડે છે. તો વળી, કેટલાક પરિવારો છોકરીના લગ્ન કરાવવા માટે પૈસા ચૂકવવા પણ તૈયાર છે.
લગ્ન માટે પાત્રની શોધ હવે સંબંધીઓના વર્તુળથી આગળ વધીને વચેટિયાઓ, પૈસાની લેવડ-દેવડ અને દૂરના જિલ્લાઓ સુધી વિસ્તરી છે.
લગ્નવ્યવસ્થામાં કેવાં પરિવર્તનો આવ્યાં છે?
દર્શના પવારના જણાવ્યા મુજબ, "છેલ્લા કેટલાક દાયકાઓમાં વ્યાપક સ્તરે થયેલી કન્યા ભ્રૂણહત્યાનો પ્રભાવ આજે પરણવા લાયક વયે પહોંચેલા પુરુષોની પેઢીમાં વર્તાઈ રહ્યો છે."
"આજે, 30થી 35 વર્ષના વયજૂથના જે પુરુષોને લગ્ન માટે કન્યા નથી મળતી, તેમના જન્મ સમયે કન્યા ભ્રૂણહત્યા અને ગર્ભપાતનું પ્રમાણ ઘણું ઊંચું હતું. પરંતુ, મહિલાઓની સંખ્યા ઓછી હોવાનો અર્થ એ નથી કે, લગ્ન સંબંધિત તમામ નિર્ણયો લેવાની સત્તા હવે મહિલાઓ પાસે જતી રહી છે," એમ દર્શના નોંધે છે.
મયૂર કુડુપાલે અને જોએલ કપાલયોનના સંશોધન પ્રમાણે, નિર્ણયો લેવાની મહિલાઓની ક્ષમતામાં અમુક અંશે વધારો થયો હોવા છતાં, હજુયે તે પરિવાર, જ્ઞાતિ અને સામાજિક દબાણના માળખામાં જ સીમિત છે.
પુરુષો પણ રોજગારી, આવક, જ્ઞાતિ, પારિવારિક અપેક્ષાઓ અને લગ્નના બદલાતા માળખાના વિશ્વમાં તેમનું સ્થાન શોધવાની કોશિશ કરી રહ્યા છે.
વિશાલ પાટિલે કહ્યું હતું, "લગ્ન જ કંઈ જીવન નથી." જલગાંવમાં નોંધાયેલા આત્મહત્યાના આ 29 કિસ્સાઓ તરફ નજર કરતી વખતે કદાચ આ બાબત સૌથી વધુ યાદ રાખવાની જરૂર છે.
કારણ કે, આત્મહત્યાના આ 29 બનાવોમાં લગ્ન ન થવું એ આપઘાત પાછળનું જવાબદાર પરિબળ હતું. પરંતુ, જલગાંવમાંથી સામે આવતી કહાણી આપણને દર્શાવે છે કે, આ માત્ર સ્ત્રીઓ વિશેની સમસ્યા નથી. તે એક જટિલ સમસ્યા છે, જેમાં બદલાતી આર્થિક પરિસ્થિતિ, જ્ઞાતિ વ્યવસ્થા, મહિલાઓની બદલાતી અપેક્ષાઓ અને પુરુષો પ્રત્યેની સામાજિક અપેક્ષાઓ એકમેક સાથે ગૂંથાયેલી છે.
મહત્વની નોંધ
માનસિક આરોગ્યલક્ષી સમસ્યાઓની દવાઓ તથા થેરેપી દ્વારા સરળતાથી સારવાર કરી શકાય છે. તમે આ માટે આપવામાં આવેલા હેલ્પલાઇન નંબરનો સંપર્ક સાધીને રાહત મેળવી શકો છોઃ
સ્નેહા સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન (સ્નેહા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન) - 044 -24640050 (24 કલાક)
સ્ટેડ સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન (રાજ્ય આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન) - 104 (24 કલાક)
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની હેલ્પલાઇન – 1800-599-0019
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન