You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'એક સાડીએ બચાવ્યાં સેંકડો લોકોનાં જીવન', નેપાળ પૂરમાં બચી ગયેલાં દંપતીએ જણાવી કહાણી
- લેેખક, શારદા વી
- પદ, બીબીસી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
નેપાળમાં આવેલા ભયાનક પૂરથી બચી નીકળેલા વેલાચેરીના મુરુગુનગરનાં એક દંપતીએ જણાવ્યું કે, તેમને એવું લાગ્યું જાણે તેમનો પુનર્જન્મ થયો હોય.
નાવુ કબીરદાસ અને તેમનાં પત્ની વિજયા ભુવનેશ્વરી એ 21 લોકોમાં સામેલ હતાં, જેઓ શુક્રવારની રાત્રે નેપાળના કાઠમંડુથી ચેન્નઈ પહોંચ્યાં હતાં.
કુંભકોણમની એક એજન્સી મારફતે પ્રવાસ કરી રહેલું 57 લોકોનું એક જૂથ ત્રણ બસોમાં સવાર થઈને રસુવા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, જે પૂરની ઝપેટમાં આવી ગયું.
તેઓ બે પહાડો વચ્ચેના વાંકાચૂંકા માર્ગ પર મુસાફરી કરતા હતા અને આસપાસનાં સુંદર દૃશ્યોનો આનંદ માણી રહ્યા હતા. આ માર્ગની નીચે એક નદી વહેતી હતી.
અચાનક, માત્ર થોડી સેકન્ડોમાં રસુવા વિસ્તાર આપત્તિગ્રસ્ત વિસ્તારમાં ફેરવાઈ ગયો. જોરદાર અવાજ, પડી રહેલા પથ્થરો અને ખડકો, કાદવ તથા કાટમાળ સાથે પૂરનું પાણી ઝડપથી વહેવા લાગ્યું.
'અમારી પાછળવાળી બસ નમી ગઈ'
ત્રણ બસોમાંથી ફક્ત બીજી બસ જ પૂરની ઝપેટમાં આવતાં બચી શકી.
વિજયા ભુવનેશ્વરી કહે છે, "થોડી મિનિટો સુધી તો અમને સમજ જ ન પડી કે શું થઈ રહ્યું છે. મેં જોયું કે અમારી પાછળની બસ નમી રહી હતી. હું એ દૃશ્ય વધુ સમય સુધી જોઈ શકી નહીં. ત્યારબાદ મને પરિસ્થિતિની ગંભીરતાનો અહેસાસ થયો."
તે ક્ષણને યાદ કરતાં નાવુ કબીરદાસ કહે છે, "અચાનક ધડાકા જેવો મોટો અવાજ થયો અને વાહન પર પથ્થરો પડવા લાગ્યા. પછી પૂરનાં પાણી ઝડપથી અંદર ધસવા લાગ્યાં, જાણે કોઈ બંધ ખોલી દીધો હોય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'અમારી ગાડી મોડી પડી હતી'
પૂર આવ્યા પહેલાં, તે વિસ્તારમાંથી પસાર થતી તેમની બસ કાદવમાં ફસાઈ ગઈ હતી અને મરામત માટે થોડો સમય રોકાવી પડી હતી. વિજયા ભુવનેશ્વરી કહે છે, "એ જ થોડી મિનિટોએ અમારી જાન બચાવી."
તેમનો ડ્રાઇવર નેપાળનો સ્થાનિક નિવાસી હતો. આ પહાડી વિસ્તાર એવો હતો જ્યાં વારંવાર ભૂસ્ખલન અને હિમસ્ખલન થતાં રહેતાં હતાં. પૂરનું પાણી જોઈને તેને તરત જ જોખમનો અંદાજ આવી ગયો.
વિજયા ભુવનેશ્વરી કહે છે, "તેણે બધાને કહ્યું કે વાનમાંથી બહાર નીકળો અને ઊંચી જગ્યાએ જવું જ સૌથી સુરક્ષિત વિકલ્પ છે. પછી તે પોતે પણ સુરક્ષિત સ્થળ તરફ દોડી ગયો. અમે પણ તેની પાછળ ગયા. તે સમયે અમારા મનમાં ફક્ત અમારાં બાળકો જ હતાં."
બચવા માટે તેમને ઊંચી જગ્યાએ ચઢવું પડ્યું, જે લગભગ એક માળ જેટલી ઊંચાઈ ધરાવતી હતી. બચેલા 21 લોકોમાંના મોટા ભાગના લોકો 50 વર્ષથી વધુ ઉંમરના હતા. પોતાની જાન બચાવવા માટે તેમને કાદવ અને ગાદથી ઢંકાયેલા ઢોળાવ પર કોઈ રીતે ચઢવું પડ્યું.
વિજયા ભુવનેશ્વરી કહે છે, "હું અને બીજી એક મહિલાએ ચઢવાનું શરૂ કર્યું, પરંતુ અડધા રસ્તે જ લપસીને પડી ગઈ. હું બે વખત લપસી પડી. મારા પગ કાદવથી ભરાયેલા હતા અને પકડવા માટે કંઈ નહોતું."
અંતે તેઓ બીજી એક મહિલાની સાડી મજબૂત રીતે પકડીને ઉપર પહોંચી શક્યા. તે મહિલા પહેલેથી જ ઉપર પહોંચી ગઈ હતી અને તેણે પોતાની સાડી ઉતારીને નીચે તરફ લંબાવી હતી.
તેઓ કહે છે, "મારી સંબંધી પૂંગોડી પહેલેથી જ ઉપર પહોંચી ગઈ હતી. તે દિવસે તેણે સાડી જ પહેરી હતી. તેણે સ્વેટર પહેર્યું, પોતાની સાડી ઉતારી અને અમારી તરફ નીચે લટકાવી. અમે તે સાડી અને નજીકના એક કેબલને પકડીને પોતાને ઉપર ખેંચ્યાં."
તેઓ આગળ કહે છે, "એક ઇમારત જેટલી ઊંચી માટીની ટેકરી પર ચઢવામાં અમને દોઢ કલાક લાગ્યો. એક વખત મેં જે ઝાડની ડાળી પકડી હતી તે તૂટી ગઈ. ત્યારબાદ ઝાડ પકડીને ચઢવાને બદલે અમે સાડીઓનો સહારો લીધો. અંતે એક મહિલા ઉપર પહોંચી શકતી નહોતી. અમે તેને કહ્યું કે પોતાની કમર આસપાસ સાડી બાંધી લો, અને અમારા જૂથના સભ્યોએ તેને પકડીને ઉપર ખેંચી લીધી."
ઉપર પહોંચ્યા બાદ તેમને એક આપત્તિ રાહતકેન્દ્ર મળ્યું.
ત્યાં હાજર લોકોએ તેમને પાણી અને બિસ્કિટ આપીને સંભાળવામાં મદદ કરી. જેમના મોબાઇલમાં નેટવર્ક ઉપલબ્ધ હતું, તેમના મારફતે તેમણે તમિલનાડુમાં સંદેશ મોકલ્યો કે તેઓ સુરક્ષિત છે.
વિજયા ભુવનેશ્વરી કહે છે, "અમારા જૂથના એક સભ્યના સગા સચિવાલયમાં કામ કરે છે. તેમના મારફતે અમે સરકારનો સંપર્ક કરી શક્યા. અમે પુરાવા તરીકે એક ફોટો મોકલ્યો કે અમે સુરક્ષિત છીએ."
ઉપર ચઢતી વખતે તેમણે કાદવમાં ફસાયેલી એક વ્યક્તિને હાથ હલાવતી જોઈ. વિજયા ભુવનેશ્વરી રડતાં કહે છે, "તેને જોયા પછી અમે ન તો વધુ ઉપર ચઢી શકતા હતા અને ન ત્યાં રોકાઈ શકતા હતા."
બચાવ દળને જાણ કરવામાં આવી અને પછી તે વ્યક્તિને બચાવી લેવામાં આવી.
તેઓ કહે છે, "ઉપર પહોંચ્યા પછી જ અમે તે બસ શોધી શક્યા, જેમાં અમે આવ્યા હતા. અમને માત્ર અમારી બસ જ દેખાઈ. તેની આગળ ઘણી ગાડીઓ પલટી ગઈ હતી. એક ગાડીનું તો ફક્ત ટાયર જ દેખાતું હતું. ત્યારે જ અમને ભૂસ્ખલન (મડસ્લાઇડ)ની ગંભીરતાનો અહેસાસ થયો."
'20 માળની ઇમારત જેટલા ઊંચા, સાંકડા રસ્તા પર ચઢાઈ'
તેઓ દોઢ દિવસ સુધી આપત્તિ રાહતકેન્દ્રમાં રહ્યાં. પરંતુ તેમની મુશ્કેલીઓ અહીં પૂરી થઈ નહોતી. એક માળ જેટલી ઊંચાઈના માટીના ઢગલા પર ચઢ્યા પછી હવે તેમને 20 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતા ઊભા ઢોળાવવાળા પહાડી વિસ્તારમાંથી પસાર થવું હતું.
નાવુ કબીરદાસ કહે છે, "આ એક સાંકડો, એક જ હરોળમાં ચાલવાનો રસ્તો હતો. અમે તેના પર કેવી રીતે ચઢી શક્યા તે પણ મને ખબર નથી. બંને બાજુ ઘીચ ઝાડીઓ હતી. અમે માત્ર જીવતા રહેવાની પ્રબળ ઇચ્છાશક્તિના બળે ઉપર ચઢ્યા."
તેમણે જણાવ્યું કે આ પ્રવાસ ખૂબ જ મુશ્કેલ હતો કારણ કે તેમનામાંથી કોઈને પણ પર્વતારોહણનો અનુભવ નહોતો.
"જમીન કાદવ અને દલદલથી ભરેલી હતી, જેના કારણે અમે વારંવાર લપસતા હતા. એક ખોટું પગલું એટલે 50 ફૂટ નીચે પડી જવું."
"એક જગ્યાએ અમે ખોટો વળાંક લઈ લીધો. એક નેપાળી વ્યક્તિએ અમને યોગ્ય રસ્તો બતાવ્યો. અમારે નીચે ઊતરીને પછી બીજી દિશામાં ફરી ઉપર ચઢવું પડ્યું."
"ઉપર ચઢવા કરતાં નીચે ઊતરવું વધુ મુશ્કેલ હતું. મને વારંવાર બેસીને અને ધીમે ધીમે સરકતાં નીચે ઊતરવું પડતું હતું."
ત્રણ કલાક બાદ તેઓ નક્કી કરાયેલા પિકઅપ પોઇન્ટ પર પહોંચ્યા. ત્યાંથી તેમને સેનાના હેલિકૉપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા. નેપાળમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યા પછી તેઓ પોતાના ઘરે પરત ફર્યા.
ચેન્નઈ, કડલોર, મયિલાદુથુરાઇ, કૃષ્ણગિરી અને ત્રિચી જેવા વિસ્તારોના 21 લોકો તમિલનાડુ પરત ફરી ગયા છે.
મંત્રી રાજમોહને શુક્રવારે જણાવ્યું હતું કે રાજ્યમાંથી 400થી વધુ લોકો નેપાળ ગયા હતા અને તેમાંથી 90 લોકો સાથે સંપર્ક થઈ શક્યો નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન