You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મેદસ્વિતા તમારું આયુષ્ય ઘટાડી શકે છે? વજન ઘટાડવાના સલામત ઉપાયો કયા છે
- લેેખક, પ્રિયંકા ધીમાન
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના 2025માં આવેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે 2022માં સમગ્ર દુનિયામાં દર આઠમાંથી એક વ્યક્તિ મેદસ્વિતાની સમસ્યાથી પીડાતી હતી.
આજે સમગ્ર વિશ્વમાં મેદસ્વિતા એવી સમસ્યા બની ગઈ છે, જે આપણા જીવનમાં અનેક ગંભીર બીમારીઓને નોંતરી રહી છે.
આવી સ્થિતિમાં મેદસ્વિતાને મૂળમાંથી દૂર કરવા માટે શું કરી શકાય? અને મેદસ્વિતા જેવી સમસ્યા ન થાય એ માટે આપણા જીવનમાં કયા ફેરફારો કરવા જોઈએ?
મેદસ્વિતા જેવી ગંભીર સમસ્યા સાથે સંકળાયેલા મહત્ત્વના સવાલોના જવાબ મેળવવા માટે અમે દિલ્હીની ફોર્ટિસ હૉસ્પિટલના મેદસ્વિતા વિભાગનાં વડાં ડૉ. મુગ્ધા સાથે વાતચીત કરી.
બાળકોમાં મેદસ્વિતાની સમસ્યા શા કારણે આટલી વધી રહી છે ?
આજના સમયમાં બાળકોમાં મેદસ્વિતાનું સૌથી મોટું કારણ છે સ્ક્રીન. બાળકો કલાકો સુધી મોબાઇલ, ટીવી અને લૅપટૉપ જોતાં રહે છે ત્યારે તેમની શારીરિક સક્રિયતા ઘણી ઘટી જાય છે.
બાળકો સ્ક્રીન જોતી વખતે કંઈ ને કંઈ ખાતા પણ રહે છે. તેના કારણે તેમના શરીરમાં જરૂરિયાત કરતાં વધારે કૅલરી જાય છે, જે મેદસ્વિતાનું એક મુખ્ય કારણ છે.
બાળકો હવે મિત્રો સાથે રૂબરૂ મળવાને બદલે ઑનલાઇન વાતચીત કરવાનું વધુ પસંદ કરે છે. મેદસ્વિતા વધવાનું આ પણ એક કારણ છે. એક હકીકત એ પણ છે કે બાળક પાંચ વર્ષની ઉંમર પહેલાં મેદસ્વી થઈ જાય, તો મોટું થયા પછી પણ તેના મેદસ્વી રહેવાની શક્યતા 70થી 80 ટકા હોય છે.
બાળકોની આદતોમાં માતા-પિતા કેવી રીતે સુધારો લાવી શકે? તેમના આહારમાં કેવા ફેરફાર કરવા જોઈએ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માતા-પિતા પોતે સ્વસ્થ આહાર લે એ ખૂબ જરૂરી છે. તેઓ સ્વસ્થ ખોરાક ખાશે તો બાળકો પણ તેમને જોઈને તેનું અનુકરણ કરશે.
બાળકોને બહારના ખોરાકથી બને એટલા દૂર રાખવા જોઈએ. અઠવાડિયે એકથી વધુ વખત બહારનું ખાવાનું ન આપવું જોઈએ.
શાળાઓમાં પણ શિક્ષકોની જવાબદારી છે કે તેઓ બાળકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રત કરે. શાળાની કૅન્ટીનમાં તળેલી વસ્તુઓને બદલે સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળવો જોઈએ અને પેકેટમાં મળતા જ્યૂસને બદલે લીંબુપાણી મળવું જોઈએ.
આવા ફેરફારો કરવાથી બાળકોને મેદસ્વિતાથી બચાવી શકાય છે.
બાળકોની થાળીમાં શું હોવું જોઈએ?
પાંચ વર્ષથી મોટી ઉંમરનાં બાળકોની થાળીમાં સલાડ, પ્રોટીન (ચિકન, પનીર, ઈંડાં), શાકભાજી અને રોટલી હોવી જોઈએ. ફળ અને લસ્સી જેવી વસ્તુઓનો પણ બાળકોના આહારમાં સમાવેશ કરવો જોઈએ.
મેંદામાંથી બનેલી અને ગળપણયુક્ત વાનગીઓને બાળકોના આહારમાંથી દૂર કરવી જોઈએ.
શું મેદસ્વિતાની અસર આયુષ્ય પર પણ પડે છે?
તમને ગંભીર પ્રકારની મેદસ્વિતા હોય, તો તમારું આયુષ્ય 10થી 20 વર્ષ સુધી ઘટી શકે છે. જો કે, કોઈ વ્યક્તિ પોતાના વજનમાં માત્ર 5 ટકા જેટલો ઘટાડો કરે તો પણ ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
ધારો કે કોઈ વ્યક્તિનું વજન 100 કિલોગ્રામ છે અને તે ઘટાડીને 95 કિલોગ્રામ કરે છે. તો આટલું વજન ઘટાડવાથી પણ તેનું બ્લડ પ્રેશર અને બ્લડ શુગર નિયંત્રણમાં આવી શકે છે. તે પોતાના વજનમાં 10 ટકાનો ઘટાડો કરે, એટલે કે 100 કિલોગ્રામમાંથી ઘટાડીને વજન 90 કિલોગ્રામ વજન કરે, તો ઊંઘતી વખતે શ્વાસ લેવામાં પડતી તકલીફ પણ ઓછી થઈ શકે છે.
વજનમાં 15થી 20 ટકાનો ઘટાડો થાય, તો ઘણી બીમારીઓ મટી શકે છે. હૃદયરોગનું જોખમ ઘટી શકે છે, ફૅટી લિવર મટી શકે છે અને હાર્ટ ઍટેક જેવી બીમારીઓથી પણ બચી શકાય છે.
મેદસ્વિતા વિશે લોકોમાં કઈ માન્યતાઓ પ્રચલિત છે?
મેદસ્વિતા બાબતે સૌથી સામાન્ય માન્યતા એ છે કે તેનો સંબંધ ફક્ત ખાવા-પીવાની આદતો અને શરીરમાં લેવાતી તથા વપરાતી કૅલરીના પ્રમાણ સાથે છે. આ વાત અમુક અંશે સાચી છે, પણ સંપૂર્ણપણે નહીં. તેમાં આનુવંશિક પરિબળોની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે. હૉર્મોન્સનો પણ તેની સાથે મહત્ત્વનો સંબંધ છે.
મેદસ્વિતા માટે આનુવંશિક પરિબળો કેવી રીતે જવાબદાર છે?
તમારાં માતા-પિતા બંને મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હોય, તો તમને પણ મેદસ્વિતા હોવાની શક્યતા 70થી 80 ટકા સુધી વધી જાય છે. માતા-પિતામાંથી કોઈ એક મેદસ્વિતાની સમસ્યાથી પીડાતું હોય, તો તમને મેદસ્વિતા થવાની શક્યતા 50 ટકા રહે છે.
પરંતુ આમાં તમારી પોતાની ભૂમિકા પણ મહત્ત્વની છે. તમારાં જનીનોને કારણે તમને કેટલીક બીમારીઓ થવાની શક્યતા છે એની તમને જાણ હોય, તો તમે પહેલેથી જ સાવચેત રહી શકો છો. જરૂરી પગલાં લો તો એ બીમારીઓ તમને થાય જ એવું જરૂરી નથી. તમે તેમનાથી બચી શકો છો.
મેદસ્વિતાથી બચવા માટે શું કરવું જોઈએ?
સૌથી પહેલાં હૉર્મોન્સના સ્તરની તપાસ કરાવવી જોઈએ. પરિવારમાં મેદસ્વિતાનો ઇતિહાસ હોય, તો 30 વર્ષની ઉંમર પછી નિયમિત તપાસ કરાવવી જોઈએ. જીવનશૈલીમાં પણ વિવિધ ફેરફાર કરવા જોઈએ.
સારો આહાર, દરરોજ ઓછામાં ઓછો એક કલાક વ્યાયામ અને 7થી 8 કલાકની ઊંઘ તમને મેદસ્વિતા અને તેને કારણે થતી બીમારીઓથી બચાવી શકે છે.
મેદસ્વિતાનાં લક્ષણો કયાં છે? કોઈને શી રીતે ખબર પડે કે પોતે મેદસ્વિતાની સમસ્યાથી પીડાય છે?
દાદર ચડતાં તમને શ્વાસ ચડે, ઘૂંટણમાં કે પગમાં દુખાવો થાય અને તમે ઝડપથી થાકી જાવ તો તમારે તમારા વજન બાબતે સાવચેત રહેવું જોઈએ. ધ્યાન રાખવું જોઈએ કે ક્યાંક તમારું વજન વધી તો નથી રહ્યું ને.
આ બધાં મેદસ્વિતાનાં શરૂઆતનાં લક્ષણો છે. વધતા વજનને શરૂઆતથી નિયંત્રણમાં નહીં રાખો, તો તમને ખ્યાલ પણ નહીં આવે કે ક્યારે તમે મેદસ્વિતાનો શિકાર બની ગયા.
મેદસ્વિતા કઈ કઈ ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે?
મેદસ્વિતાને અનેક બીમારીઓનું મૂળ માનવામાં આવે છે. તમને મેદસ્વિતા હોય, તો હાર્ટ ઍટેક, હાર્ટ સ્ટ્રોક અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થવાની શક્યતા બમણી થઈ જાય છે.
મેટાબૉલિક(ચયાપચય સંબંધી) બીમારીઓની વાત કરીએ તો ડાયાબિટીસ, હાઇપોથાયરૉઇડ, હાઇ કોલેસ્ટેરૉલ, મેટાબૉલિક સિન્ડ્રોમ અને પીસીઓડી જેવી બીમારીઓનું જોખમ રહે છે.
મેદસ્વિતા સાથે અનેક પ્રકારનાં કૅન્સર પણ સંકળાયેલાં છે. ઍન્ડોમેટ્રિયલ કૅન્સર, કોલોન કૅન્સર, ગૉલ બ્લૅડર કૅન્સર વગેરે મેદસ્વિતા સાથે સંકળાયેલા છે. મેદસ્વિતાને કારણે કેટલાક લોકોમાં કિડનીની કામગીરી ખોરવાઈ શકે છે અને મગજમાં સોજો આવી શકે છે.
મેદસ્વિતા સાથે લગભગ 200 પ્રકારની સમસ્યાઓ સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે. આ સમસ્યાઓ ગંભીર હોવા છતાં આપણે ઘણી વાર મેદસ્વિતાને બહુ હળવાશથી લઈએ છીએ. હકીકતમાં, મેદસ્વિતા અનેક પ્રકારની બીમારીઓને નોંતરી શકે છે.
મેદસ્વિતા જેવી બીમારીને મૂળમાંથી દૂર કરવા માટે શું કરવું જોઈએ?
મેદસ્વિતા ઘટાડવા માટે મુખ્યત્વે ત્રણ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. પહેલી છે આહાર અને વ્યાયામ.
મેદસ્વિતા ઘટાડવામાં આહારનું પ્રદાન 70થી 80 ટકા અને વ્યાયામનું 20થી 30 ટકા જેટલું હોય છે.
પરંતુ તેની સાથે હૉર્મોન્સમાં થતા ફેરફારો અને તબીબી સમસ્યાઓની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે. તેમની સારવાર માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
સોશિયલ મીડિયા પર જોઈ જોઈને પોતાની રીતે કોઈ ડાયટ પણ શરૂ ન કરવો જોઈએ. તેની પર અપાતી સલાહ વ્યક્તિગત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ સર્વસામાન્ય રીતે આપવામાં આવતી હોય છે.
દરેક વ્યક્તિ માટે તે એક સરખી અસરકારક હોય એ જરૂરી નથી. તેને માટે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
ખાવા-પીવાની આદતોમાં કેવા ફેરફાર કરવા જોઈએ?
માર્ગદર્શિકાઓમાં મેડિટેરેનિયન ડાયટ અપનાવવાની ભલામણ કરવામાં આવે છે.
આહારમાં ફાઇબર હોવા જોઈએ, જે શાકભાજી અને ફળોમાંથી મળે છે.
પ્રોટીનનું પ્રમાણ વધારે રાખવું જોઈએ, જેમ કે દાળ, ચિકન, ઈંડાં, માછલી અને સૂકો મેવો.
જો કે, રેડ મીટ ખાવાનું ટાળવું જોઈએ. તમે કેટલું ખાઈ રહ્યા છો, એટલે કે ખોરાકના પ્રમાણનું પણ ધ્યાન રાખવું જોઈએ.
શારીરિક વ્યાયામ પણ ચોક્કસ કરવો જોઈએ. માત્ર કાર્ડિયો વ્યાયામ, જેમ કે સાઇક્લિંગ, ટ્રેડમિલ પર ચાલવું કે ચાલવા જવું, પૂરતું નથી; સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ ખૂબ જરૂરી છે.
જે લોકો જિમ જઈ શકતા નથી તેઓ ઘરે જ યોગ કરી શકે છે. સૂર્યનમસ્કાર, દીવાલ પર પુશ-અપ્સ, સિટ-અપ્સ, કોઈ આધાર લીધા વિના ઊઠબેસ અને પ્લૅન્ક જેવા વ્યાયામ પણ ખૂબ મદદરૂપ થાય છે.
ક્રૅશ ડાયટની કોઈ અસર થાય છે કે તેનાથી નુકસાન થાય છે?
તમે ખૂબ ઓછી કૅલરી લો ત્યારે શરીર 'સ્ટાર્વેશન મોડ' એટલે કે ભૂખમરાની સ્થિતિમાં જતું રહે છે. ત્યાર પછી શરીરમાં એવા એન્ઝાઇમ બનવા લાગે છે, જે શરીર માટે સારા નથી.
આના કારણે શરીરમાં ચરબી જમા થવા લાગે છે અને સ્નાયુઓ ઘટવા લાગે છે. સ્નાયુઓ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે.
વજન ઘટાડવા માટે ક્રૅશ ડાયટ કરવાથી પિત્તાશયમાં પથરી થવી, સ્નાયુઓ નબળા પડવા જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે.
આ ડાયટ તમે છોડી દો અને સામાન્ય આહાર પર પાછા ફરો, ત્યારે તમને એવું લાગશે કે તમારું વજન પહેલાં કરતાં પણ વધી ગયું છે.
વ્યક્તિના આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય પર મેદસ્વિતાની કેટલી અસર પડે?
મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા ઘણા લોકોને શાળા, કૉલેજ, કાર્યસ્થળ અને અન્ય સ્થળોએ પોતાના શરીર અંગે થતી ટીકાઓ(બોડી શેમિંગ)નો સામનો કરવો પડે છે. તેની તેમના માનસિક સ્વાસ્થ્ય પર ઘેરી અસર પડે છે.
ઘણા લોકો ડિપ્રેશનનો ભોગ પણ બની જાય છે. ડિપ્રેશનને કારણે કેટલાક લોકો વધારે ખાવા લાગે છે અને એક દુષ્ચક્ર ઊભું થાય છે, જેના કારણે મેદસ્વિતા વધુ વધે છે.
મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા લોકો માટે તમારો શો સંદેશ છે?
મેદસ્વિતાને માત્ર વધુ પડતું ખાવા સાથે તેમજ આળસ સાથે જોડીને ન જોવી જોઈએ. થાઇરૉઇડ, બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને કૉલેસ્ટેરૉલની જેમ જ મેદસ્વિતા પણ એક બીમારી છે એ સમજવું જરૂરી છે.
તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો, તો ડૉક્ટરની મદદ લો. જાતે સારવાર કરવાનો પ્રયાસ ન કરો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન