You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળ પૂરમાં મૃત્યુઆંક 1100ને પાર પહોંચ્યો - ન્યૂઝ અપડેટ
નેપાળ પોલીસની વેબસાઇટ અનુસાર મંગળવાર સાંજ સુધીમાં પૂરથી 1,127 મૃતદેહો મળી આવ્યા છે. મૃત્યુઆંક હજુ વધુ વધી શકે છે.
સેંકડો લોકોનો હજુ સુધી ગુમ છે. નેપાળ પોલીસની વેબસાઇટ અનુસાર 4,858 લોકો ગુમ છે અને તેમની શોધખોળ ચાલુ છે.
વડા પ્રધાન બાલેન શાહએ જણાવ્યું છે કે સરકાર હવે શોધખોળ, બચાવ કામગીરી અને રાહત સામગ્રીના વિતરણ બાદ અસરગ્રસ્ત લોકોના પુનર્વસન તરફ આગળ વધી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે શોધ અભિયાન હજુ પણ ચાલુ છે. એવી આશંકા છે કે ગુમ થયેલા ઘણા લોકો હજુ પણ જળવિદ્યુત પરિયોજનાઓની સુરંગોમાં ફસાયેલા હોઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી વિદેશી ટીમો પણ આ અભિયાનમાં મદદ કરી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે નદીમાંથી મળેલા અજાણ્યા મૃતદેહોને રાખવા માટે અસ્થાયી વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી મળેલા મૃતદેહોમાંથી માત્ર થોડાકની જ ઓળખ થઈ શકી છે.
પોલીસે જણાવ્યું છે કે જો ગુમ થયેલા નેપાળી અથવા વિદેશી નાગરિકોના નજીકના રક્તસંબંધીઓ ડીએનએ તપાસની માંગ કરે, તો તેમના તાજા લોહીના નમૂનાઓ લેવામાં આવી શકે છે.
અમેરિકન હુમલાના જવાબમાં ઈરાને કાર્યવાહી કરતા કહ્યું: 'અમેરિકાને પસ્તાવું પડશે'
અમેરિકી સેનાએ મંગળવારે ઈરાન પર ફરી હુમલા શરૂ કર્યા હોવાનું અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ જણાવ્યું છે.
સેન્ટકૉમના જણાવ્યા મુજબ, આ હુમલા ઈરાનની ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી) દ્વારા હોર્મુઝ સામુદ્રધુનીમાં વેપારી જહાજો પર તાજેતરમાં કરવામાં આવેલા "હુમલાના પ્રયાસો" બાદ કરવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાનની રેડ ક્રેસન્ટના જણાવ્યા અનુસાર, અમેરિકી હુમલામાં ચાર લોકોનાં મોત થયાં છે, જેમાં એક નાના બાળકનો પણ સમાવેશ થાય છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઈરાની રેડ ક્રેસન્ટે જણાવ્યું કે દક્ષિણ ઈરાનના સિરિક વિસ્તારમાં અમેરિકન મિસાઇલ હુમલા બાદ તેના છરા ત્યાં ચાલી રહેલા એક લગ્ન સમારંભ દરમિયાન એક ઘરમાં જઈ પડ્યા હતા. આ ઘટનામાં લોકોનાં મોત થયાં અને અનેક લોકો ઘાયલ થયા.
જવાબમાં ઈરાને ઇરાક અને જૉર્ડનમાં આવેલાં અમેરિકી સૈન્ય મથકો પર હુમલા કર્યા હોવાનું સ્થાનિક સરકારી મીડિયા અને જૉર્ડનનાં સશસ્ત્ર દળોએ જણાવ્યું છે.
આ ઉપરાંત કુવૈત અને બહરીનમાં પણ હુમલાના અહેવાલો સામે આવ્યા છે.
આઇઆરજીસીએ જણાવ્યું છે કે, "અમેરિકાને આ હુમલા બદલ પસ્તાવો કરવો પડશે."
ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી તસ્નીમના જણાવ્યા મુજબ, બુધવારે વહેલી સવારે ઈરાને સિરિક પર થયેલા હુમલાના જવાબમાં જૉર્ડનના અકાબા ખાતે આવેલા અમેરિકી મરીન બેઝ પર બૅલિસ્ટિક મિસાઇલોના હુમલા કર્યા હતા.
જૉર્ડનનાં સશસ્ત્ર દળોએ જણાવ્યું કે તેણે 13 બૅલિસ્ટિક મિસાઇલોને રોકી હતી. તેમાંથી 10 મિસાઇલોને નષ્ટ કરાઈ હતી, જ્યારે ત્રણ મિસાઇલો દૂરના વિસ્તારોમાં પડી હતી.
ઈરાનના આ હુમલામાં કોઈનાં મોત કે ઈજા થયાના અહેવાલ નથી.
આ દરમિયાન કુવૈતની સેનાએ જણાવ્યું છે કે બુધવારે વહેલી સવારે ઈરાન તરફથી કરવામાં .આવેલા મિસાઇલ હુમલાના જવાબમાં તેની ઍર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી.
જર્મનીએ રશિયા પર ઍરપૉર્ટ પર હુમલાનો આરોપ લગાવ્યો, પુતિને આપ્યો આ જવાબ
જર્મનીએ દાવો કર્યો છે કે ગયા મહિને લીપઝિગ ઍરપૉર્ટ પર થયેલા ડ્રોન હુમલાની ઘટના પાછળ રશિયાનો હાથ હતો.
4 ઑગસ્ટે પૂર્વ જર્મનીમાં આવેલા લીપઝિગ/હાલે ઍરપૉર્ટ પર એક ડ્રોન મળ્યું હતું. તેમાં વિસ્ફોટક સામગ્રી લગાવાઈ હતી અને તે યુક્રેનના કાર્ગો વિમાનોની નજીક હતું.
ડ્રોનમાં વિસ્ફોટ થયો નહોતો, કારણ કે માનવામાં આવી રહ્યું છે કે તેનું ડેટોનેટર ખરાબ હતું. તપાસકારોને શંકા છે કે બીજું એક ડ્રોન નજીકમાં આવેલા કાર્ગો વિમાન સાથે અથડાયું હતું.
આ ઘટનાના લગભગ 10 દિવસ બાદ ઍરપૉર્ટ નજીક ત્રીજું ડ્રોન પણ મળી આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
જર્મનીના ગૃહમંત્રી ઍલેકઝાન્ડર ડોબ્રિન્ટે જણાવ્યું હતું કે લીપઝિગ ઍરપૉર્ટ પર થયેલો હુમલો યુરોપમાં રશિયાની "હાઇબ્રિડ પ્રવૃત્તિઓની લાંબા સમયથી ચાલતી વ્યૂહરચના"નો એક ભાગ હતો.
તેમણે કહ્યું, "એ માનીને ચાલવું જોઈએ કે જર્મનીને ફરીથી નિશાન બનાવાઈ શકે છે."
બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે આરોપ લગાવ્યો હતો કે જર્મનીએ લીપઝિગ ઍરપૉર્ટ પર થયેલા ડ્રોન હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવવાના હેતુથી પુરાવા ગોઠવ્યા (પ્લાન્ટ કર્યા) છે.
જોકે, પુતિને પોતાના આ આરોપના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા.
દરમિયાન બર્લિનસ્થિત રશિયન દૂતાવાસે પણ હુમલામાં રશિયાની સંડોવણીના આરોપોને "હાસ્યાસ્પદ" ગણાવ્યા હતા.
જર્મન ગૃહમંત્રી ડોબ્રિન્ટે કહ્યું કે ડ્રોનમાં વપરાયેલાં ઉપકરણોની તપાસ અને ગુપ્તચર માહિતી પરથી આ હુમલામાં રશિયાની ભૂમિકા હોવાનું સ્પષ્ટ થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન