You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત :'"દરિયો અમારું ગામ ગળી જશે...", એ ગામો જ્યાંનાં ખેતરો અને કૂવા સમુદ્રમાં સમાઈ રહ્યાં છે
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
"એક સમયે દરિયો અમારા ગામથી બે કિલોમીટર કરતા વધારે દૂર હતો, દરિયાકિનારે અમારા નાળિયેરી અને બોરના વાડા હતા. મીઠાં પાણીના કૂવા પણ હતા. હવે બધું નાશ પામ્યું છે. અમને બીક છે કે દરિયો આ રીતે આગળ વધતો રહેશે તો અમારું ગામ પણ નાશ પામશે."
આ શબ્દો છે વલસાડ જિલ્લાના ભાગલ ગામના વતની સુમનભાઈ ટંડેલના.
આ વિસ્તારમાં લગભગ એક ડઝન ગામો એવાં છે, જે દરિયાની બહુ નજીક વસેલાં છે અને દરિયા કિનારાનું જે ઝડપથી ધોવાણ થાય છે તેના કારણે તેના અસ્તિત્વ પર જોખમ છે.
પરંતુ ભાગલના લોકોની ચિંતા વધુ ગંભીર છે કારણ કે આ ગામ સમુદ્રની સપાટીથી નીચે આવેલું છે.
દરિયા અને ગામ વચ્ચે કેટલીક જગ્યાએ જમીનનો બહુ પાતળો પટ્ટો બચ્યો છે.
ભારે વરસાદ અથવા ભરતી વખતે જો આ પટ્ટો ધોવાઈ જાય તો ગામને બચાવવા મુશ્કેલ બનશે એમ સ્થાનિક લોકોનું કહેવું છે.
દરિયો આગળ વધવાથી ગુજરાતનાં આ ગામોની ચિંતા વધી
વલસાડ જિલ્લાના દાંતી, કાકવાડી, દાંડી, ભાગલ વગેરે ગામો નજીક નજીક આવેલાં છે. આ તમામ ગામો હાલમાં દરિયાના કારણે જોખમ અનુભવી રહ્યાં છે.
સુમનભાઈ ટંડેલ કહે છે કે, "એક સમયે દરિયાકિનારે અમારા કૂવા હતા જેમાં મીઠું પાણી આખા વર્ષ દરમિયાન હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ ઉપરાંત માછીમારો ત્યાં પોતાનો સામાન રાખતા અને હોડીઓ લાંગરતા હતા. હવે બધી જગ્યા સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ છે. છેલ્લાં 15થી 20 વર્ષમાં સૌથી વધુ ઝડપથી ધોવાણ થયું છે. "
"હવે આ ધોવાણને રોકવા માટે નક્કર કાર્યવાહી નહીં થાય તો 12થી 15 ગામોનું અસ્તિત્વ નહીં રહે. તાજેતરમાં નેપાળમાં જે રીતે પાણી ધસી આવ્યા એવું અહીં પણ બની શકે છે. "
સરકારે આ ગામોને દરિયાથી બચાવવા માટે પ્રોટેક્શન વૉલ બનાવવાનું કામ શરૂ કર્યું છે જેમાં દાંતી ગામ પાસે પ્રોટેક્શન વૉલ બની છે, પરંતુ બાકીનાં ગામોની માંગણી છે કે તેમને પણ શક્ય એટલી ઝડપથી પ્રોટેક્શન વૉલ દ્વારા રક્ષણ આપવામાં આવે.
દરિયો આગળ વધવાથી ગુજરાતનાં ગામોમાં ખેતીને નુકસાન
ભાગલના લોકો કહે છે કે તેમની જમીન એક સમયે બહુ ફળદ્રુપ હતી અને ખેતીનો સારો પાક ઊતરતો હતો.
આ ઉપરાંત ફળો માટે પણ અનુકૂળ જમીન હતી. હવે પાણી ખારું થતું જાય છે અને સાથે સાથે જમીનમાં ખારાશ ફેલાવાથી પાક લેવા મુશ્કેલ છે.
ગામના સરપંચ આનંદ પટેલે જણાવ્યું કે, "અમારા ગામમાં એક સમયે બોરના અનેક વાડા હતા અને બોર માટે ગામ વિખ્યાત હતું."
"આ ઉપરાંત અહીં ગુવારનું પણ બહુ સારું ઉત્પાદન થતું. તેવી જ રીતે નાળિયેરીના વાડા હતા."
"પરંતુ જમીનમાં જેમ જેમ ખારાશ પ્રવેશવા લાગી તેમ તેમ બોરનાં ઝાડ નષ્ટ થઈ ગયાં."
"નાળિયેરીના ઝાડ પણ વધારે પડતી ખારાશ સહન કરી શકતા નથી, તેથી તેમાં પણ હવે કસ નથી રહ્યો."
હાલમાં અહીં કેટલીક જગ્યાએ ડાંગરનું વાવેતર થયેલું છે, પરંતુ છેલ્લાં બે અઠવાડિયાંથી વરસાદ પડ્યો ન હોવાના કારણે ડાંગરના છોડના મૂળમાં ખારાશ પ્રવેશી છે અને તે સફેદ રંગના થઈ ગયા છે.
ખેડૂતો કહે છે કે તાત્કાલિક વરસાદ નહીં પડે તો આ પાક નિષ્ફળ જશે.
લગભગ ત્રણ હજારની વસતી ધરાવતા ગામમાં મોટા ભાગના લોકો ખેતીવાડી અને માછીમારી પર આધાર રાખે છે. ગામમાં સાત ધોરણ સુધીની શાળા છે, પરંતુ તેનાથી આગળ ભણવું હોય તો 10થી 12 કિમી દૂર જવું પડે છે.
દર વર્ષે ભારે વરસાદ પડે ત્યારે ગામને જોડતા રસ્તા પર છાતી સમાં પાણી ભરાય છે તેમ ગામના સરપંચે જણાવ્યું હતું.
ગુજરાતમાં દરિયાકાંઠે થતા ધોવાણની સમસ્યાનો ઉકેલ શું છે?
વલસાડમાં દરિયાકિનારે વસતા ગામોના લોકો ભલે પ્રોટેક્શન વૉલની માંગણી કરતા હોય, પરંતુ આ કોઈ કાયમી કે અસરકારક ઉપાય નથી એવું નિષ્ણાતો માને છે.
સુરતસ્થિત બ્રેકિશ વૉટર રિસર્ચ સેન્ટરના પ્રમુખ એમ.એસ.એચ શેખે બીબીસીને જણાવ્યું કે, "હાલમાં જે પ્રોટેક્શન વૉલ બની છે તે પણ થોડાં વર્ષોમાં દરિયાની થપાટોથી તૂટી જશે."
"દરિયાકાંઠાનું ધોવાણ રોકવું હોય તો સૌથી પહેલાં તો કુદરતી પ્રક્રિયામાં માનવીનો હસ્તક્ષેપ રોકવો જોઈએ."
"એટલે કે આ વિસ્તારમાં જે ગેરકાયદે રેતી કાઢવામાં આવે છે તેને રોકવી જોઈએ. અથવા તો આ ગામના લોકોને અન્યત્ર ખસેડવા જોઈએ. બાકી દરિયાકિનારે દીવાલ બાંધવાથી તેનું ધોવાણ રોકી શકાશે નહીં."
પર્યાવરણ ઍક્ટિવિસ્ટ શેખ કહે છે કે, "કોસ્ટલ ઇરોઝન એ સામાન્ય કુદરતી ઘટના પણ છે અને માનવ હસ્તક્ષેપથી પણ થાય છે. જેમ કે નદીમાં કોઈ ફેરફાર કરવામાં આવે અથવા ક્યાંકથી મોટા પ્રમાણમાં રેતી કાઢવામાં આવે ત્યારે ઘસારો ઝડપથી થાય છે."
"એક જગ્યાએ રેતીને કાઢી લીધા પછી તેની જગ્યા ભરવા માટે કુદરત ત્યાં માટી શિફ્ટ કરે છે."
તેમના કહેવા મુજબ "ગુજરાતમાં સમુદ્રકિનારે નદીના પટમાંથી રેતી કાઢવામાં આવે તેના કારણે કૃત્રિમ ખાડો બને છે."
"કુદરતી પ્રક્રિયા તરીકે આ ખાડો ભરાઈ જાય છે. આ મટિરિયલ આસપાસના કિનારા પરથી ધોવાય છે."
તેઓ કહે છે, "તમે કોઈ કુદરતી પ્રવાહમાં નાનકડો ખાડો પાડો તો પણ તેની સામે કુદરતી પ્રક્રિયામાં અનેક ગણું ધોવાણ થાય છે."
"એટલે પ્રોટેક્શન વૉલ પણ આ સમસ્યાનો ઇલાજ નથી."
ગુજરાતમાં સમુદ્રકિનારાના ધોવાણનો ગંભીર પ્રશ્ન
દરિયાકિનારાનું ધોવાણ એ ક્લાઇમેટ ચેન્જ અને માનવ દખલગીરી સાથે સંકળાયેલો પ્રશ્ન છે, જેનાથી ગંભીર અસર પામેલાં રાજ્યોમાં ગુજરાત સામેલ છે.
2024ના પર્યાવરણને લગતા આંકડા મુજબ છેલ્લાં 28 વર્ષમાં ગુજરાતમાં 537 કિમી કરતા વધારે સમુદ્રકિનારાનું ધોવાણ થયું છે.
આ અહેવાલ મુજબ રાજ્ય સરકારે 16માં ફાઇનન્સ કમિશનને જણાવાયું હતું કે ગુજરાતનાં 449 ગામો દરિયાકિનારાના ધોવાણથી અસરગ્રસ્ત છે. આની સૌથી વધુ અસર વલસાડ, નવસારી, સુરત, ભરુચ અને જામનગર જિલ્લામાં જોવા મળી છે.આ ઉપરાંત ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં પણ દરિયાકાંઠે ધોવાણ થયું છે.
2026માં સંસદમાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં લગભગ 58 ટકા સમુદ્રકિનારાને ધોવાણની અસર થઈ છે. જ્યારે નવસારીના 60 ટકા દરિયાનું વધતા ઓછા પ્રમાણમાં ધોવાણ થયું છે.
નૅશનલ સેન્ટર ફૉર કોસ્ટલ રિસર્ચ (એનસીસીઆર)ને ટાંકીને જણાવાયું હતું કે દક્ષિણ ગુજરાતમાં ઉદવાડા ઉપરનો વિસ્તાર હાઈ-ઇરોઝન ઝોનમાં આવે છે જ્યારે ભાગલનો પટ્ટો મધ્યમ ઇરોઝન કૅટેગરીમાં આવે છે.
આ અભ્યાસમાં છેલ્લાં 1990થી 2022 સુધીના 32 વર્ષના ગાળામાં દરિયાકિનારાના ધોવાણના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જોકે, તેમાં કોસ્ટલ પ્રોટેક્શન માટે કોઈ ભલામણ કરવામાં આવી ન હતી.
દીવાલ બાંધવા વધુ રકમ જોઈશે, સમય લાગશે
ભાગલ ગામના લોકો માને છે કે તેમના ગામની પાસે દરિયાકિનારે પ્રોટેક્શન વૉલ બાંધવામાં આવે તો જમીનનું ધોવાણ અટકી જશે અને તેમનાં ખેતરોમાં જે ખારું પાણી ઘૂસી જાય છે તેને પણ અટકાવી શકાશે.
ગામના સરપંચ આનંદ પટેલ કહે છે કે "અમે સ્થાનિક રાજકીય આગેવાનોને આ વિશે વારંવાર રજૂઆત કરી છે. દાંતી ગામ પાસે પ્રોટેક્શન વૉલ બની ગઈ છે, પરંતુ અમારા ગામ માટે કોઈ કામ થયું નથી."
"અમારું ગામ સમુદ્રની સપાટીથી નીચે આવેલું છે તેથી અમારા ગામ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે."
બીજી તરફ વલસાડના ધારાસભ્ય ભરત પટેલે બીબીસીને જણાવ્યું કે, "વલસાડ તાલુકામાં અમારો 16 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. તેમાં દાંડી,ભાગલ, કકવાડી, કોસંબા, દાંતી વગેરે ગામો આવે છે."
"અત્યાર સુધીમાં સરકારે લગભગ 200 કરોડની રકમ પ્રોટેક્શન વૉલ માટે મંજૂર કરી છે."
"હજુ 200થી 250 કરોડ રૂપિયા સરકાર ફાળવે ત્યારે આટલી લાંબી પ્રોટેક્શન વૉલ બાંધી શકાય તેમ છે."
તેમણે કહ્યું કે દાંતી અને કકવાડીમાં આ દીવાલની સૌથી વધારે જરૂર હતી. આવી પ્રોટેક્શન વૉલ માટે 90 ટકા રકમ કેન્દ્ર સરકાર ફાળવે છે.
"મેં મુખ્યમંત્રી અને રાજ્યના નાણા મંત્રી સાથે પણ વાત કરી છે. ભાગલ અને બીજાં ગામોને પણ પ્રોટેક્શન વૉલ મળે તે માટેના પ્રયાસ ચાલુ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન